Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ક્રીટના જંગલ વચ્ચે આ અર્બન ફૉરેસ્ટ શાતારૂપ છે

કૉન્ક્રીટના જંગલ વચ્ચે આ અર્બન ફૉરેસ્ટ શાતારૂપ છે

Published : 24 May, 2025 04:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હજી થોડા દિવસ પહેલાં જ મરોલમાં સાડાત્રણ એકરમાં ફેલાયેલું એક ગાર્ડન સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે જ્યાં ગાર્ડન છે ત્યાં એક સમયે ઉજ્જડ જમીન હતી, પણ અહીં હરિયાળી આવતાં ટેમ્પરેચરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

 મરોલમાં સાડાત્રણ એકરમાં ફેલાયેલું ગાર્ડન

મરોલમાં સાડાત્રણ એકરમાં ફેલાયેલું ગાર્ડન


હજી થોડા દિવસ પહેલાં જ મરોલમાં સાડાત્રણ એકરમાં ફેલાયેલું એક ગાર્ડન સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે જ્યાં ગાર્ડન છે ત્યાં એક સમયે ઉજ્જડ જમીન હતી, પણ અહીં હરિયાળી આવતાં ટેમ્પરેચરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે શહેરના અનેક વિસ્તારો અર્બન હીટ ઇફેક્ટનો સામનો કરી રહ્યા છે ત્યારે આ અર્બન ફૉરેસ્ટ દાખલારૂપ બની રહેશે.

હજી ૧૧ મેના દિવસે જ અંધેરી ઈસ્ટમાં આવેલા મરોલમાં મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજી શહરી ઉદ્યાન સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મુકાયું છે. એનું ઉદ્ઘાટન રાજ્યના IT ઍન્ડ કલ્ચરલ અફેર્સ મિનિસ્ટર અને મુંબઈ સબર્બનના ગાર્ડિયન મિનિસ્ટર આશિષ શેલારના હસ્તે કરવામાં આવ્યું હતું. સાડાત્રણ એકરમાં આ ગાર્ડન ફેલાયેલું છે. આ ગાર્ડન અન્ય બગીચાઓની જેમ સામાન્ય છે, પણ એને જે લોકેશન પર બનાવવામાં આવ્યું છે એ એને ખાસ બનાવે છે. એ કઈ રીતે એ સમજવા માટે આપણે પહેલાં મરોલ વિસ્તાર વિશે, અર્બન હીટ ઇફેક્ટ વિશે અને ગાર્ડનના આવવાથી શું પરિવર્તન આવ્યું એ સમજવું પડશે.

મરોલ અત્યંત ગીચ વિસ્તાર છે. એની પાછળ ઘણાં કારણો છે. જેમ કે એ કમર્શિયલ હબ હોવાથી અનેક કંપનીઓની ઑફિસ મરોલમાં છે. ઉપરથી અહીં MIDC એટલે કે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન પણ છે. મરોલને હાઇવે, ઍરપોર્ટની પણ સારી કનેક્ટિવિટી છે. એટલે રહેવા માટે અને નોકરી માટે મરોલ પ્રાઇમ લોકેશન છે. જોકે મરોલના વધતા વિકાસ સાથે અહીં હરિયાળીનું પ્રમાણ સાવ ઓછું થઈ ગયું છે. અહીં જ્યાં જુઓ ત્યાં મોટાં-મોટાં બિલ્ડિંગો નજરે પડે છે. સાથે જ રહેવાસીઓ અને બહારના વિસ્તારોમાંથી નોકરી માટે આવતા લોકોની વધી રહેલી વસ્તી, ટ્રૅફિક અને પ્રદૂષણની સમસ્યાને કારણે મરોલ હીટ આઇલૅન્ડ ઇફેક્ટનો સામનો કરી રહ્યું છે. 

અર્બન હીટ ઇફેક્ટ એટલે શું?
જ્યારે કોઈ એક શહેરી વિસ્તારમાં એની આસપાસના વધુ હરિયાળી ધરાવતા વિસ્તારની સરખામણીમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ જાય એને અર્બન હીટ ઇફેક્ટ અથવા તો અર્બન હીટ આઇલૅન્ડ કહેવાય છે. ભૂતકાળમાં અનેક વાર મરોલ વિસ્તાર એની આસપાસના હરિયાળી ધરાવતા વિસ્તાર કરતાં વધુ ગરમ હોવાનું નોંધાયું છે. તમે પણ મરોલ બાજુ જતા હો તો તમને ખયાલ હશે કે ત્યાં વધુ ઉકળાટ અને ગરમીનો અનુભવ થાય છે. બોરીવલીમાં સંજય ગાંધી નૅશનલ પાર્ક છે, જ્યારે ગોરેગામમાં આરે કૉલોની છે. એટલે બોરીવલી અને ગોરેગામની સરખામણીમાં અંધેરીનું તાપમાન વધુ હોય છે.

અર્બન હીટ ઇફેક્ટનું કારણ શું?
અર્બન હીટ ઇફેક્ટનું સૌથી મોટું કારણ વૃક્ષોનું નિકંદન કાઢીને ઇમારતો, રસ્તાઓનું કરવામાં આવી રહેલું બાંધકામ છે. એ પાછળનું લૉજિક થોડું ઊંડાણપૂર્વક સમજીએ. વૃક્ષો ગરમીને ઓછી કરવામાં અને વાતાવરણને ઠંડુ રાખવામાં કઈ રીતે મદદ કરે છે અને હરિયાળીના નાશથી કઈ રીતે અર્બન હીટ ઇફેક્ટની સમસ્યા ઉદ્ભવે છે પહેલાં એના વિશે વાત કરીએ. વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બનડાયૉક્સાઇડને શોષે છે, પણ જ્યારે હરિયાળી ઓછી હોય ત્યારે આ પ્રક્રિયા ઘટી જાય છે અને એને કારણે વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે. પૃથ્વી પર અમુક માત્રામાં કાર્બનની જરૂર છે, પણ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનથી પૃથ્વી પર ગરમી વધી જાય છે. એવી જ રીતે બાષ્પોત્સર્જનની પ્રક્રિયાથી વૃક્ષો હવામાનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વાતાવરણમાં મુક્ત કરે છે. એને કારણે પણ આસપાસનું વાતાવરણ ઠંડું રહે છે. એક મોટું વૃક્ષ પ્રતિદિન ૧૦૦ લીટર સુધી પાણીનું બાષ્પીભવન કરી શકે છે જે લગભગ બે AC બરાબર ઠંડક પ્રદાન કરે છે. વૃક્ષો એનાં પાંદડાંઓની મદદથી રસ્તાઓ, ઇમારતોને છાયા પ્રદાન કરે છે જેને કારણે સૂર્યનાં કિરણો સીધાં એની સપાટી પર પડતાં નથી. એને કારણે સપાટીનું તાપમાન ઓછું રહે છે અને આસપાસની હવા પણ ઠંડી રહે છે. 

શહેરીકરણ કઈ રીતે અર્બન હીટ ઇફેક્ટ વધારી રહ્યું છે એની વાત કરીએ તો શહેરોમાં વૃક્ષોનું નિકંદન કાઢીને કૉન્ક્રીટ, ડામરના રસ્તાઓ, ઇમારતો બનાવવામાં આવી રહ્યાં છે. આ મટીરિયલમાં વધુ ગરમી સહન કરવાની તાકાત હોય છે એટલે દિવસમાં આ મટીરિયલ ગરમી શોષીને સંગ્રહિત કરે છે અને રાત્રે ધીરે-ધીરે એને વાતાવરણમાં છોડે છે. એટલે જ શહેરોમાં રાતના સમયે પણ ઉકળાટ થતો હોય છે. શહેરીકરણ દરમિયાન હરિયાળીની જગ્યા ઈંટો, કૉન્ક્રીટ, ડામર લઈ લે છે અને એને કારણે બાષ્પોત્સર્જની પ્રક્રિયા અને છાયા ઓછા થઈ જાય છે અને ગરમી વધે છે. એવી જ રીતે કારખાનાંઓ અને વાહનોમાંથી નીકળતો ધુમાડો, ACમાંથી નીકળતી ગરમી વગેરેને કારણે પણ વાતાવરણમાં સતત ગરમી વધતી જાય છે. આ બધાં જ કારણો શહેરને હીટ આઇલૅન્ડમાં બદલવા માટે કારણભૂત છે. 

રોજગારીની તકો ઊભી કરવા માટે, જીવનધોરણ સુધારવા માટે, આર્થિક વિકાસ માટે શહેરીકરણ ખૂબ જરૂરી છે. જોકે શહેરીકરણની પ્રક્રિયામાં વિકાસ અને પ્રકૃતિ વચ્ચે તાલમેલ સાધીને ચાલવું ખૂબ જરૂરી છે. કોઈ પણ જાતના પ્લાનિંગ વગર આડેધડ રીતે કોઈ વિસ્તારને વિકસિત કરવામાં આવે ત્યારે એની અનેક ખરાબ અસરો જોવા મળે છે.

ગાર્ડનનું મહત્ત્વ
લોકો હવે સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટનું મહત્ત્વ સમજતા થયા છે અને એ દિશામાં કામ પણ થઈ રહ્યાં છે. મરોલમાં ૩.૫ એકરમાં તૈયાર કરવામાં આવેલું મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજી ગાર્ડન એનું ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં જે જગ્યાએ મિની ફૉરેસ્ટ જેવું ગાર્ડન દેખાય છે ત્યાં એક સમયે ઉજ્જડ જમીન હતી. અહીં એ પણ સમજવા જેવું છે કે આવી ઉજ્જડ જગ્યાઓ શહેરનું તાપમાન વધારવાનું કામ કરે છે. જ્યારે પ્લૉટ પર ઘાસ કે વૃક્ષો ન હોય તો એ જમીન સૂરજનાં કિરણોને વધુ શોષિત કરે છે અને વધુ ગરમી પેદા કરે છે. એટલે આવી ઉજ્જડ જગ્યાઓ પર વૃક્ષો લગાવવામાં આવે તો એ ક્ષેત્ર ઠંડું રહે છે અને ગરમી ઓછી થાય છે. મરોલના આ ઉજ્જડ પ્લૉટમાં હરિયાળી આવતાં આસપાસના બિનહરિયાળા વિસ્તારના તાપમાનની સરખામણીમાં ચાર ડિગ્રી જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 

મરોલમાં આ અર્બન ફૉરેસ્ટ ​વિકસાવવાનો આઇડિયા મુંબઈ ક્લાઇમેટ ઍક્શન પ્લાનમાંથી આવ્યો હતો. ઇન્ડસ્ટ્રિયલ ઍક્ટિવિટી અને હરિયાળીની કમીને કારણે લૅન્ડ સર્ફેસ ટેમ્પરેચર 
(LST)માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોવાનું પ્લાનમાં આઇડેન્ટિફાઇ કરાયું હતું. એટલે પછી પાલિકાએ અર્બન ફૉરેસ્ટ પ્રોજેક્ટનો અમલ કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકા, મરોલ કો-ઑપરેટિવ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ કમિટી, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ અને એક ઇકોલૉજિકલ લૅન્ડસ્કેપિંગ ફર્મના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

મરોલસ્થિત​ આ ગાર્ડન કેવું છે એના વિશે વાત કરીએ તો અહીં લગભગ ૧૦૦થી વધુ પ્રજાતિના દસ હજારથી વધુ રોપ વાવવામાં આવ્યા છે. એમાં ઔષધીય ગુણ ધરાવતા પ્લાન્ટ, ફળો-ફૂલોનાં વૃક્ષો બધું જ આવી જ જાય. ગાર્ડનની હરિયાળી પક્ષીઓ, પતંગિયાંઓને પણ ધીરે-ધીરે આકર્ષી રહી છે. અમુક પ્રજાતિનાં પક્ષીઓએ અહીં વસવાટ શરૂ કર્યો છે. ગાર્ડનની અંદર ૬૦૦ મીટરનો લાકડાનો વૉકવે છે જેના પર વૉક કરીને આ હરિયાળીનો આનંદ ઉઠાવી શકાય. અહીં બાળકો માટે નાનો પ્લે એરિયા પણ છે અને લોકો બેસીને રિલૅક્સ ફીલ કરી શકે એવી વ્યવસ્થા પણ છે. ગાર્ડનમાં એન્ટર થતાં જ મોટાં-મોટાં બોર્ડ લગાવેલાં છે જેના માધ્યમથી લોકોને એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે અર્બન હીટ આઇલૅન્ડ ઇફેક્ટ ઓછી કરવામાં અર્બન ફૉરેસ્ટની શું ભૂમિકા છે. આપણી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ માટે ગ્રીનરી કેમ જરૂરી છે વગેરે જેવી માહિતી આપવામાં આવી છે.

મરોલમાં નિર્માણ કરવામાં આવેલું આ ગાર્ડન આગામી સમયમાં એવા વિસ્તારો માટે ઉદાહરણરૂપ બની રહેશે જે અર્બન હીટ ઇફેક્ટનો અનુભવ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2025 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK