મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સોમવારે એવો આક્ષેપ કર્યો હતો કે સંસદના આગામી વિશેષ સત્રનો એજન્ડા મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) ઃ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સોમવારે એવો આક્ષેપ કર્યો હતો કે સંસદના આગામી વિશેષ સત્રનો એજન્ડા મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનો છે. પટોલેએ મીડિયાને જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કોવિડ મહામારી કે ૨૦૧૬ની નોટબંધી કે પછી મણિપુર જેવા મુદ્દાને લઈને સંસદનું વિશેષ સત્ર નથી બોલાવ્યું. સરકારની મરજી અને મૂડ પ્રમાણે હવે સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રનો એજન્ડા મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવાનો અને એને બાકીના મહારાષ્ટ્રથી અલગ કરવાનો છે.’
ઉલ્લેખનીય છે કે સરકારે આગામી ૧૮થી ૨૨ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારા વિશેષ સત્રનો એજન્ડા જાહેર નથી કર્યો. પટોલેએ એવો દાવો પણ કર્યો હતો કે મુંબઈના પાવરહાઉસ જેમ કે ઍર ઇન્ડિયા, ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસ સેન્ટર અને હીરાબજારને શહેરની બહાર ખસેડવામાં આવી રહ્યાં છે, તો બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જને ગુજરાતમાં શિફ્ટ કરવાની યોજના ચાલી રહી છે.