રાહુલ ગાંધીએ પૅરિસમાં સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી સાથેની વાતચીત દરમ્યાન આમ જણાવ્યું
પૅરિસમાં સાયન્સિસ પીઓ યુનિવર્સિટીમાં શનિવારે સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી સાથે ચર્ચા દરમ્યાન કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીએ પૅરિસમાં સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી સાથેની વાતચીત દરમ્યાન બીજેપીની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે શાસક પાર્ટી કોઈ પણ કિંમતે સત્તા મેળવવા માગે છે અને બીજેપી જે કરે છે એનો હિન્દુ ધર્મની સાથે કોઈ સંબંધ નથી.
પૅરિસમાં સાયન્સિસ પીઓ યુનિવર્સિટીમાં શનિવારે વાતચીત દરમ્યાન રાહુલે ‘ભારત જોડો યાત્રા’, વિરોધ પક્ષોની ભારતનાં લોકતાંિત્રક માળખાંઓના રક્ષણ માટેની લડાઈ અને બદલાતી વૈશ્વિક વ્યવસ્થા તેમ જ અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરી હતી.
ADVERTISEMENT
તેમણે કહ્યું હતું કે ‘મેં ગીતા વાંચી છે, અનેક ઉપનિષદ વાંચ્યાં છે. મેં અનેક હિન્દુ બુક્સ વાંચી છે. બીજેપી જે કરી રહી છે એનો હિન્દુ ધર્મની સાથે કોઈ સંબંધ નથી. મેં કોઈ પણ હિન્દુ બુકમાં ક્યાંય વાંચ્યું નથી કે હિન્દુ ધર્મના કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી મેં સાંભળ્યું નથી કે તમારે તમારાથી નબળા લોકોને ડરાવવા જોઈએ અને તેમને નુકસાન પહોંચાડવું જોઈએ. એટલે બીજેપીના લોકો હિન્દુ રાષ્ટ્રવાદીઓ નથી. તેમને હિન્દુત્વ સાથે કોઈ સંબંધ નથી. તેઓ કોઈ પણ ભોગે સત્તામાં રહેવા ઇચ્છે છે. તેઓ સત્તા મેળવવા માટે કંઈ પણ કરશે. બીજેેપી આદિવાસીઓ અને લઘુમતિ સમુદાયોની અભિવ્યક્તિ અને ભાગીદારીને રોકે છે.’
‘ઇન્ડિયા વર્સસ ભારત’ વિશે શું કહ્યું?
અત્યારે ઇન્ડિયા વર્સસ ભારતની ડિબેટ ચાલી રહી છે ત્યારે એ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરતાં રાહુલે કહ્યું હતું કે ‘જે લોકો દેશનું નામ બદલવાની કોશિશ કરી રહ્યા છે તેઓ બેઝિકલી ઇતિહાસની ઉપેક્ષા કરી રહ્યા છીએ. આપણે એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. આપણે ખાતરી કરવી જ પડશે કે આ લોકોએ જે કર્યું છે એના માટે તેમણે નોંધપાત્ર કિંમત ચૂકવવી પડે, જેથી ઇન્ડિયાના આત્મા પર હુમલો કરવાની કોશિશ કરનાર કોઈ પણ વ્યક્તિ સમજી જાય કે તેમણે એ ઍક્શન્સ બદલ કિંમત ચૂકવવી પડશે.’
નોંધપાત્ર છે કે તમામ વિરોધ પક્ષો અત્યારે દેશનું નામ ભારત કરવાની સરકારની કોશિશનો વિરોધ કરી રહ્યા છે.

