કીટકો પર પીએચડી કરનાર દૃષ્ટિ દનાણી, હર્ષદ પારેકર અને ડૉ. અમોલ પટવર્ધન સંજય ગાંધી નૅશનલ પાર્કમાં કીટકોનું નિરીક્ષણ કરવા ગયાં હતાં
દુર્લભ બીટલ, જેને લાઇટ-ટ્રૅપમાં આકર્ષવામાં આવ્યાં હતાં.
ઇકોસિસ્ટમમાં નરી આંખે ન દેખાતા કીટકો ક્યારે લુપ્ત થઈ જાય એની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે. આ કીટકો પર માહિતી મળવી પણ મુશ્કેલ હોય છે. કીટકો પર પીએચડી કરનાર દૃષ્ટિ દનાણી, હર્ષદ પારેકર અને ડૉ. અમોલ પટવર્ધન સંજય ગાંધી નૅશનલ પાર્કમાં કીટકોનું નિરીક્ષણ કરવા ગયાં હતાં. ત્યારે લાઇટ-ટ્રૅપમાં બીટલની ટ્રોકોઇડિયસ ડેસજારડિન્સી (Trochoideus desjardinsi) નામની એવી પ્રજાતિ મળી આવી જે છેલ્લાં ૧૦૦ વર્ષથી જોવા નથી મળી. લાઇટ-ટ્રૅપ એટલે સંશોધકો કીટકોને આકર્ષવા માટે રાત્રે ખાસ પ્રકારની લાઇટ મૂકે છે જેમાં કીટકો દોરાઈને આવે છે. બલ્બ કે ટ્યુબલાઇટ શરૂ થતાંની સાથે જ એની આસપાસ કીટકોનો મેળો જામી જતો હોય છે. લાઇટ-ટ્રૅપ કંઈક એવી જ પ્રક્રિયા છે. બીટલની આ પ્રજાતિ એન્ડોમાઇચિડે કુળની છે અને આ કુળના કીટકોને સામાન્ય ભાષામાં ‘હૅન્ડસમ ફંગસ બીટલ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કીટકો નરી આંખે જોવા મુશ્કેલ છે, પરંતુ માઇક્રોસ્કોપિક લેન્સ દ્વારા જોઈ શકાય છે. આ બીટલનું કદ ત્રણથી ૪ મિલીમીટરનું હોય છે અને એમને પકડવાનું કામ સરળ નથી હોતું.
બ્રિટિશ વૈજ્ઞાનિક એરો યાનીએ ૧૯૨૫માં પ્રકાશિત કરેલા અભ્યાસ મુજબ ભારતમાં બીટલની આ પ્રજાતિ કેરલા અને આંદામાનમાં જોવા મળી હતી. આટલાં વર્ષો પછી મુંબઈના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં આ પ્રજાતિ ફરી મળી આવી છે. આ બીટલ વિશે વધારે માહિતી પણ ઉપલબ્ધ નહોતી. મુંબઈના આ ત્રણ સંશોધકોએ આ બીટલને વધારે વિસ્તારથી સમજાવવાની કોશિશ કરી છે. વિદેશના સંશોધકોના અભ્યાસ મુજબ આ પ્રજાતિને સંગ્રહિત અનાજ ઉત્પાદનોની જીવાત તરીકે નોંધવામાં આવી છે, જ્યાં એ કદાચ વિવિધ પ્રકારની ફૂગના હાયફી (તંતુઓ) અને બીજકણ ખાય છે. આ બીટલની પ્રજાતિ બોર્નિયો, ક્યુબા, ફિજી, ઇન્ડોનેશિયા, જપાન, જાવા, કેન્યા, મડાગાસ્કર, મલેશિયા, માઇક્રોનેશિયા, મ્યાનમાર, પાપુઆ ન્યુ ગિની, ફિલિપીન્સ, સામોઆ, સેશેલ્સ, શ્રીલંકા, તાઇવાન, ટાન્ઝાનિયા અને અમેરિકામાં પણ જોવા મળે છે.

