બે અઠવાડિયાં પહેલા કોરોનાની બીજી લહેર ઉગ્ર બની ત્યારે રોજના ૧૦૦૦થી પણ વધુ કેસ નોંધાતા હતા
ફરજ બજાવી રહેલા નવી મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ
લૉકડાઉનના નિયમોના ચુસ્ત અમલનું ફળ નવી મુંબઈને મળી રહ્યું હોય એમ જણાય છે. રાજ્યના ૨૦ જિલ્લાઓ કોરોનાવાઇરસના વ્યાપને નાથવા સતત પ્રયત્નશીલ છે ત્યારે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એનએમએમસી) છેલ્લાં બે અઠવાડિયાંમાં અૅક્ટિવ કેસમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં સફળ રહ્યું છે.
બીજી લહેર દરમ્યાન શહેરમાં દૈનિક ૧૦૦૦થી વધુ કેસ નોંધાતા હતા અને પૉઝિટિવિટી રેટ વધીને ૧૨થી ૧૫ ટકા પર પહોંચી ગયો હતો. એનએમએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું કે મિની કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત છતાં હાઉસિંગ સોસાયટીઓ માર્ગદર્શિકા અનુસરતી નહોતી. એક દરદી મળી આવ્યા બાદ ઘણા ફ્લોર્સ પર લોકો સંક્રમિત હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. આથી જે સોસાયટીઓના રહેવાસી નિયમોનો ભંગ કરતા હતા એવી સોસાયટીઓને અમે દંડ ફટકારવાનો નિર્ણય લીધો હતો. એના કારણે અમને સંક્રમણના વ્યાપ પર નજર રાખવામાં મદદ મળી હતી.’
ADVERTISEMENT
મહાનગરપાલિકાએ આ રીતે ૧૦ હાઉસિંગ સોસાયટીઓને દંડ ફટકાર્યો હતો.
નવી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ‘આંકડા અમુક અંશે રાહત આપનારા છે. લૉકડાઉનના નિયમો અને એનએમએમસી દ્વારા લગાવાયેલાં નિયંત્રણોનાં સારાં પરિણામ જોવા મળ્યાં છે. દૈનિક મૃત્યુ આંક હજી પણ અમારા માટે ચિંતાનો વિષય છે. જોકે આંકડાકીય રીતે તે ભયાનક નથી, પણ અમે પ્રત્યેક વ્યક્તિનું જીવન બચાવવા માગીએ છીએ. જો નાગરિકો એનએમએમસીને સહકાર આપશે અને તકેદારીનાં પગલાં ભરવાનું ચાલુ રાખશે તો એક્ટિવ કેસ હજી વધુ ઘટશે.’
આંકડા અમુક અંશે રાહત આપનારા છે. જોકે દૈનિક મૃત્યુ આંક હજી પણ અમારા માટે ચિંતાનો વિષય છે.
અભિજિત બાંગર, નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર


