આદિત્ય ઠાકરેએ મુંબઈમાં પાણી ભરાવા માટે સરકારને જવાબદાર ગણાવી છે ત્યારે નારાયણ રાણેએ આપી ઓપન ધમકી: કહ્યું કે ડિનો મોરિયા કોણ છે, તે આદિત્ય પાસે શા માટે આવે છે એની બધી માહિતી મારી પાસે છે
BJPના સંસદસભ્ય નારાયણ રાણેએ ગઈ કાલે પત્રકારોને માહિતી આપી હતી.
સોમવારે થયેલા પહેલા જ વરસાદમાં મુંબઈમાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રોના સ્ટેશનમાં પાણી ઘૂસી જવાની સાથે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા એ માટે વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સહિત મહાયુતિની સરકાર પર પ્રહાર કર્યા છે ત્યારે BJPના વરિષ્ઠ નેતા અને સંસદસભ્ય નારાયણ રાણેએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં આદિત્ય ઠાકરેને આંટામાં લીધા હતા. નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેએ મુંબઈમાં પાણી ભરાવા વિશે સોમવારે ટીકા કરી હતી અને આજે પત્રકારોને હિન્દમાતામાં પાણી ભરાવાના જૂના ફોટો શૅર કર્યા હતા. ૨૦૦૫માં મુંબઈ જળબંબાકાર થયું હતું ત્યારે મહાનગરપાલિકામાં કોની સરકાર હતી? મીઠી નદી નહોતી? આ નદી હવે બની છે ? એ સમયે મીઠી નદી સાફ કરી હતી? કરી હતી તો પાણી કેમ ભરાયું? લોકોનાં ઘરમાં પાણી કેમ ગયું? આદિત્યની ઉંમર એ સમયે કેટલી હતી એ યાદ કરવું જોઈએ.
ADVERTISEMENT
ગઈ કાલે મીડિયાને મુંબઈના બેહાલની તસવીરો દેખાડતા આદિત્ય ઠાકરે.
વરસાદ વિશે બોલવાને બદલે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વિશે વાત કરવાનું બંધ કર. આ લોકોને કારણે તો અન્ડરગ્રાઉન્ડ મેટ્રો મુંબઈમાં શરૂ થઈ છે. ડિનો મોરિયા કોણ છે, તે આદિત્ય પાસે શા માટે આવે છે, શું કરે છે એની બધી માહિતી મારી પાસે છે; પણ હું શાંત છું. મોદી, શાહ કે ફડણવીસનાં નામ લેવાનું બંધ કર, નહીં તો તારી બધી પોલ ખોલી નાખીશ.’

