આવા કેસમાં સપ્લિમેન્ટ્સ ચાલુ કરવાથી ફરક પડશે.
પ્રતીકાત્મક તસવીર
આજના સમયમાં પૂરતી ઊંઘ આવવી એ લક્ઝરી છે. ઊંઘની ક્વૉલિટી થોડીક પણ ખરાબ હોય તો દિવસ આખો નબળો અને સુસ્તીભર્યો જાય. જોકે દરેક વખતે ઊંઘ બરાબર ન આવવાનું કારણ સ્ટ્રેસ અને ચિંતા જ હોય એવું જરૂરી નથી. થોડા સમય પહેલાં મારી પાસે એક પેશન્ટ આવેલા. બિઝનેસમૅન હતા, પણ સ્વભાવે બહુ જ કૂલ. કસરત કરવાની બાબતમાં પણ સજાગ. રોજ એક કલાક એક્સરસાઇઝ કરે. ખાવા-પીવામાં પણ બને ત્યાં સુધી ઘરનું ખાવાના આગ્રહી. એમ છતાં તેમને ઊંઘ ન આવે. ક્યારેક તો આખી રાત ઉચાટમાં વિતાવે. બાકી અવારનવાર ડિસ્ટર્બ્ડ ઊંઘ તેમને આવતી. ઊંઘ માટે થેરપી પણ લઈ ચૂકેલા, પણ ખાસ અસર નહીં. તેમની હિસ્ટરી લીધા પછી વધુ સમજવા માટે તેમની કેટલીક બ્લડ-ટેસ્ટ કરાવી. એમાં ખબર પડી કે તેમનું કૅલિશ્યમ અને મૅગ્નેશિયમ લેવલ ઓછું છે. એમાં તેમની સમસ્યાનું નિદાન થયું.
ઊંઘની તકલીફ હોવાનું કારણ હંમેશાં માનસિક સ્ટ્રેસ જ હોય એવું નથી હોતું. વળી એ કારણ લાઇફસ્ટાઇલ રિલેટેડ જ હોય એવું પણ નથી હોતું. ઊંઘના પ્રૉબ્લેમ પાછળ એકસાથે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. ઊંઘના પ્રૉબ્લેમના ઇલાજ માટે એની પાછળનું કારણ શોધવું જરૂરી છે. વિટામિનની ઊણપ અનિદ્રા પાછળ જવાબદાર હોય તો એ ઊણપ પૂરી કર્યા વગર જો થેરપી ચાલુ કરી દઈએ તો એની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સની ઊણપ હોય તો થોડા કલાકમાં જ ઊંઘ ઊડી જાય છે અને પાછી જલદી આવતી નથી. આમ ઊંઘની ક્વૉલિટી પર અસર પડે છે. આવા કેસમાં સપ્લિમેન્ટ્સ ચાલુ કરવાથી ફરક પડશે.
ADVERTISEMENT
એની સાથે યોગ્ય અને પોષક ખોરાક પણ જરૂરી છે. પ્રોસેસ્ડ કે જન્ક-ફૂડ વધારે ખાવાથી જરૂરી પોષક તત્ત્વોની ઊણપ સર્જાઈ શકે છે. ફૂડને કારણે ઊંઘનો પ્રૉબ્લેમ થાય જ નહીં એ માટે રાતે તળેલું ખાવાનું બંધ કરવું. વારંવાર ખાઓ, પણ થોડું-થોડું ખાઓ. દૂધ અને દૂધની બનાવટો, બદામ અને અખરોટ જેવાં ડ્રાયફ્રૂટ્સ, કેળાં અને ઈંડાં ખાઓ. રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં મધ ભેળવીને લઈ શકાય, કારણ કે દૂધમાં કૅલ્શિયમ અને ટ્રિપ્ટોફેન હોય છે અને મધમાંની શુગર આ ટ્રિપ્ટોફેનમગજ સુધી પહોંચાડે છે અને મેલેટોનિન બનાવવામાં મદદ કરે છે જે સારી ઊંઘ આવવા માટે જવાબદાર હૉર્મોન છે.

