જૈન સાધુઓની કથિત ઍક્સિડેન્ટલ હત્યાના વિરોધમાં હજારો જૈનો રસ્તા પર ઊતરશે
જૈનોની અહિંસક મક્કમ રૅલી
પાલી ખાતે આચાર્ય શ્રી પુંડરીક રત્નવિજયજી મહારાજસાહેબ તેમ જ બારડોલી ખાતે શ્રી અભિનંદનવિજયજી મહારાજસાહેબની કથિત ઍક્સિડેન્ટલ હત્યાના વિરોધમાં મુંબઈના ચારે ફિરકાઓ દ્વારા એક મક્કમ અહિંસક રૅલીનું આયોજન રવિવારે ૮ જૂને સવારે ૯ વાગ્યે સાઉથ મુંબઈના વી. પી. રોડ ખાતેથી થશે જેમાં ૨૫,૦૦૦ જૈનો જોડાવાની શક્યતા છે.
જૈનોના સમગ્ર સંપ્રદાયના ગુરુભગવંતોની નિશ્રામાં આ અહિંસક મક્કમ રૅલીમાં પરાંમાંથી ૫૦ જેટલાં મહિલા મંડળોની બહેનો, શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના ૧૨૫૦થી અધિક સંઘના પ્રતિનિધિઓ, સ્થાનકવાસી સમાજ, દિગંબર સમાજ, તેરાપંથી સમાજના ગુરુભગવંતો તેમ જ શ્રાવકો-શ્રાવિકાઓ જોડાશે. આ અહિંસક મક્કમ રૅલીમાં ભાઈઓ સફેદ વસ્ત્રો પહેરીને અને બહેનો લાલ વસ્ત્રો પહેરીને પોતાનો મક્કમ વિરોધ અહિંસક શૈલીમાં નોંધાવશે.
ADVERTISEMENT
BJPના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાની આગેવાની હેઠળ આ રૅલી નીકળશે.
રાજસ્થાનના મુખ્ય પ્રધાનને અને ગુજરાતના મુખ્ય પ્રધાનને આપવામાં આવનારું આવેદનપત્ર અહીંના કલેક્ટરને સોંપાશે અને છેલ્લાં ૧૦ વર્ષમાં ૫૦થી વધુ મહાત્માઓની ઘૃણાસ્પદ ઍક્સિડેન્ટલ હત્યાના મૂળમાં રહેલાં અસામાજિક તત્ત્વો અને અનુપ મંડળ જેવાં મંડળોની સામે કાયદેસરનાં કડક પગલાં લઈને દોષીઓની ધરપકડ કરીને તેમની પાછળ ષડયંત્ર ચલાવનારાઓની ભાળ મેળવવા માટે સરકારને વિનંતી કરવામાં આવશે.


