આ બાબતની તપાસ હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવશે એવો આદેશ આપ્યો જોધપુરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસે
જૈનાચાર્ય પુંડરીક રત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ
રાજસ્થાનના પાલી જિલ્લામાં બુધવારે ૨૮ મેએ જૈનાચાર્ય પુંડરીક રત્નસૂરીશ્વરજી મહારાજસાહેબનો રોડ-અકસ્માત સંયોગ હતો કે સાઝિશ એની તપાસ હવે પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવશે એવો આદેશ સોમવારે જોધપુરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિકાસ કુમારે આપ્યો હતો.
જૈનાચાર્યના રોડ-અકસ્માતના ચશ્મદીદ સાક્ષી મુનિ મહાવિદેહ મહારાજસાહેબે શિવપુરા પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી તેમની ફરિયાદમાં મહારાજસાહેબના રોડ-અકસ્માતને ડ્રાઇવરની લાપરવાહી નહીં પણ હત્યા હતી એમ કહ્યું હતું. એ જ દિવસે મુનિ મહાવિદેહ મહારાજસાહેબ અને જૈન સમાજ દ્વારા આ હત્યાના ષડયંત્રની તપાસ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. આ જ માગણીનું પુનઃ ઉચ્ચારણ સોમવારે પાલી જૈન સંઘ દ્વારા પાલીના કલેક્ટર સમક્ષ એક આવેદનપત્ર આપીને કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પાલી જૈન સંઘના સેક્રેટરી ઓમ છાજેડે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજનો આક્રોશ દેશભરના જૈન સમાજમાં જોવા મળી રહ્યો છે. જૈન સમાજ અને જૈન સાધુસંતો ગુજરાત અને રાજસ્થાનમાં બની રહેલા જૈન સાધુઓના રોડ-અકસ્માતને સંયોગ નહીં પણ સાઝિશની નજરે જોઈ રહ્યા છે. સૌને શંકા છે કે આ રોડ-અકસ્માત જૈન સાધુઓની હત્યાનું એક ષડયંત્ર છે જેની સામે શિવપુરા પોલીસ આંખ આડા કાન કરીને ગુનેગારોને બચાવવા માટેના પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં લોકોનો આક્રોશ જોયા પછી સોમવારે જ જોધપુરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિકાસ કુમારે આ બનાવની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી હતી.’
સોમવારે વિકાસ કુમારે આપેલા આદેશમાં જણાવ્યું છે કે ‘આ બનાવની તપાસ જાલોરના પોલીસ અધિકારીઓને સોંપવામાં આવે છે. આ ટીમમાં જાલોરના IPS અધિકારી કાંબળે શરણ ગોપીનાથ, IPS અધિકારી ગૌતમ જૈન અને IPS અધિકારી અનિલ પુરોહિતની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરીને જલદી તેમનો રિપોર્ટ ફાઇલ કરશે.’


