સાક્ષીદારોએ આ ઘટનાને અત્યંત ભયાનક ગણાવી હતી, કારણ કે બાવીસમા માળેથી નીચે પડતાં હર્ષદાની ડેડ-બૉડીના બે ટુકડા થઈ ગયા હતા
પ્રતીકાત્મક તસવીર
વિક્રોલી-ઈસ્ટના કન્નમવાર નગરમાં આવેલા ૯૭ નંબરના બિલ્ડિંગમાં રહેતી ૨૩ વર્ષની હર્ષદા તાંડોલકરે સોમવાર રાતે બિલ્ડિંગના બાવીસમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે વિક્રોલી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં હર્ષદા માનસિક બીમારીથી પીડાતી હોવાનું સામે આવ્યું છે. સાક્ષીદારોએ આ ઘટનાને અત્યંત ભયાનક ગણાવી હતી, કારણ કે બાવીસમા માળેથી નીચે પડતાં હર્ષદાની ડેડ-બૉડીના બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાથી કન્નમવાર નગરમાં ખળભળાટ મચી ગયો હતો.
વિક્રોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત નાયકવાડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ કન્નમવાર નગરમાં આવેલા ૯૭ નંબરના બિલ્ડિંગમાં રહેતી હર્ષદાએ બાવીસમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની માહિતી અમને મળી હતી. અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવતીની ડેડ-બૉડીના બે ટુકડા થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. યુવતીના પરિવાર પાસેથી મળેલી માહિતી અનુસાર યુવતીને માનસિક બીમારી હતી જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતી હોવાનું જણાયું હતું.’


