પાલઘરની આ ઘટનામાં સગીર આરોપીએ ગળું દબાવીને માર્યા બાદ રામન રાઘવ ફિલ્મની જેમ તેનું મોઢું પથ્થરથી છૂંદી નાખ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
પાલઘરના પેલ્હારમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ૧૩ વર્ષના છોકરાએ તેની ૬ વર્ષની કઝિન બહેનને બધા વધુ લાડ લડાવતા હોવાથી ઇર્ષાથી તેનું ખૂન કરી નાખ્યું હતું. તેણે આના માટે સિરિયલ કિલર રામન રાઘવન પરથી બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘રામન રાઘવ’ પરથી પ્રેરણા લીધી હતી. પોલીસે તેને તાબામાં લઈ કાર્યવાહી કરી હતી. પેલ્હારના શ્રી રામનગરની ટેકરી પરથી રવિવારે સાંજે ૪.૩૦ વાગ્યે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વાનકુટેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બાળકી શનિવાર સાંજથી મિસિંગ હતી. તેની મિસિંગની ફરિયાદ અમારી પાસે આવી હતી. અમે તેની શોધ કરવા માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસી રહ્યાં હતાં ત્યારે બાળકી તેના ૧૩ વર્ષના કઝિન ભાઈ સાથે જોવા મળી હતી. એથી અમે તેના કઝિન ભાઈને બોલાવી પૂછપરછ કરી હતી. પહેલાં તો તેણે ઉડાઉ જવાબ આપી અમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાર બાદ ગુનો કબૂલી લીધો હતો. શા માટે હત્યા કરી? એવા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે બધા તેની બહેનને વધારે લાડ લડાવતા હોવાથી તેણે ગુસ્સામાં આ પગલું ભર્યું હતું. પહેલાં બાળકીને ગળું દબાવીને મારી નાખી અને ત્યાર બાદ ‘રામન રાઘવ’ ફિલ્મમાંથી પ્રેરણા લઈ તેનો ચહેરો ઓળખાય નહીં એ માટે પથ્થરથી છૂંદી નાખ્યો હતો.’


