અમેરિકાની સુપ્રીમ કોર્ટ ટૅરિફના મુદ્દે કેવો ચુકાદો આપે છે એના પર સૌની નજર
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
ભારતને ટૅરિફ ઍબ્યુઝર કહેનારા અને રશિયન તેલની ખરીદી માટે ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદનારા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના સૂર એકાએક બદલાયા છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પ્રિય મિત્ર ગણાવ્યા છે. ટ્રમ્પના સૂરમાં આવેલો આ ફેરફાર આંશિક રીતે અમેરિકાની સુપ્રીમ કોર્ટ ટૅરિફવિરોધી અપીલો સાંભળવા સંમત થવાને કારણે હોઈ શકે છે. જો કોર્ટ ટૅરિફને ગેરકાયદે ઠરાવે તો અમેરિકાને ૭૫૦ અબજથી એક ટ્રિલ્યન ડૉલરની ટૅરિફ પાછી કરવાની ફરજ પડી શકે છે. એને કારણે ટ્રમ્પ કૂણા પડ્યા છે. કોર્ટમાં પ્રાથમિક દલીલો નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં થશે, જે એક દુર્લભ ફાસ્ટ ટ્રૅક સુનાવણી સમાન છે. આટલી ઝડપી સુનાવણી કેસના વિશાળ આર્થિક અને બંધારણીય મહત્ત્વનો સંકેત આપે છે.
ડોનલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી સાથે વાતચીતનો સંકેત આપ્યો છે અને વડા પ્રધાને સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આમ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલના મામલે વાતચીત આગળ વધી શકે એમ છે. એક સમયે દંડાત્મક ટૅરિફ અને ધારદાર ભાષાનો ઉપયોગ કરનારા ટ્રમ્પ હવે જાહેરમાં સદભાવનાના સંકેત આપી રહ્યા છે. ટ્રમ્પે ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિક પાવર ઍક્ટ (IEEPA) દ્વારા વ્યાપક, અનિશ્ચિત ટૅરિફ લાદીને વધુ પડતું કામ કર્યું છે. આ કાયદો પ્રતિબંધો માટે બનાવવામાં આવ્યો છે, વેપાર-અવરોધો માટે નહીં.


