એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માટે ડોનલ્ડ ટ્રમ્પની ઉત્સુકતા અને બીજી તરફ યુરોપને ભારત પર ૧૦૦ ટકા ટૅરિફ લગાવવા માટે અપીલ
ડોનલ્ડ ટ્રમ્પ
એક તરફ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નજીકના મિત્ર ગણાવ્યા હતા અને તેમની સાથે વાત કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતા, ત્યારે બીજી તરફ ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ને ભારત અને ચીન પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની અપીલ કરી હતી જેથી રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પર આર્થિક દબાણ વધારી શકાય. આ સંદર્ભમાં એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ પગલું ત્યારે જ લેવામાં આવશે જ્યારે યુરોપિયન યુનિયનના ભાગીદારો આમાં અમેરિકાને ટેકો આપશે.
એક ન્યુઝ-એજન્સીના અહેવાલ મુજબ અમેરિકન અધિકારી અને યુરોપિયન યુનિયન (EU)ના રાજદ્વારીએ ડોનલ્ડ ટ્રમ્પના આ પ્રસ્તાવ અંગે માહિતી આપી છે. આ સમય દરમ્યાન EUનું પ્રતિનિધિમંડળ વૉશિંગ્ટનમાં એ માટેની વાટાઘાટોમાં ભાગ લઈ રહ્યું હતું.
ADVERTISEMENT
યુરોપિયન યુનિયન સાથેની વાતચીત દરમ્યાન ટ્રમ્પે સ્પષ્ટપણે એક યોજના રજૂ કરી હતી કે બધા દેશોએ સાથે મળીને ભારત અને ચીન પર ટૅરિફ લાદવાનું ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી એ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ ન કરે. ટ્રમ્પે ભાર મૂક્યો હતો કે ભારત અને ચીન પાસે તેલપુરવઠા માટે અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. EUના એક રાજદ્વારીએ ખુલાસો કર્યો હતો કે અમેરિકાએ એ પણ સંકેત આપ્યો છે કે જો EU અને નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) જેવાં સંગઠનો આવું પગલું ભરે તો અમેરિકા પણ સમાન ટૅરિફ લાદશે.
ટ્રમ્પની આતુરતાને વડા પ્રધાને આવકારી
ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મિડિયા પર પોસ્ટ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઉત્સુકતા દર્શાવી હતી અને તેમને તેમના નજીકના મિત્ર ગણાવ્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાને પણ તેમની પોસ્ટનો જવાબ આપ્યો હતો અને તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને કુદરતી ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે અમારી વેપાર-વાટાઘાટો ભારત-અમેરિકા ભાગીદારીની અપાર શક્યતાઓને ખોલવાનો નવો માર્ગ બનશે. અમારી ટીમો આ ચર્ચાઓને શક્ય એટલી વહેલી તકે પૂરી કરવા માટે કામ કરી રહી છે. હું પણ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવા માટે આતુર છું. આપણે બન્ને આપણા લોકો માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.’


