અધિકારીએ જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે અમેરિકાએ ભારતના ૧,૨૫,૦૦૦ સ્ટુડન્ટ્સને વિઝા આપ્યા હતા, જે રેકૉર્ડ છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકામાં રહેતા અને કામ કરતા ભારતીયો માટે પરિસ્થિતિ સરળ બનાવવાનું કામ બાઇડન પ્રશાસન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે છે ત્યારે જ કરવામાં આવેલી જાહેરાત અનુસાર અમેરિકા ભારતમાં અમદાવાદ અને બૅન્ગલોરમાં નવી કૉન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) શરૂ કરશે. બીજી તરફ અમેરિકામાં પણ ભારતના પાંચ કૉન્સ્યુલેટ છે. ભારત પણ નવું કૉન્સ્યુલેટ સિએટલમાં ખોલશે. અધિકારીએ જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે અમેરિકાએ ભારતના ૧,૨૫,૦૦૦ સ્ટુડન્ટ્સને વિઝા આપ્યા હતા, જે રેકૉર્ડ છે. ગયા વર્ષે જ ૨૦ ટકાનો વધારો થતાં અમેરિકામાં ભણનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ વિદ્યાર્થી ભારતના બનશે. અમેરિકા વિઝા નિયમમાં પણ ફેરફાર કરશે. એચ-૧બી વિઝા પર રહેતા ભારતીયો અને અન્ય વિદેશી કામદારો વિદેશમાં મુસાફરી કર્યા વિના વિઝા રિન્યુ કરાવી શકશે. અમેરિકાના ભારતમાં હાલ ચાર કૉન્સ્યુલેટ છે; જેમાં મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને હૈદરાબાદનો સમાવેશ છે. અત્યાર સુધી ગુજરાતમાંથી અમેરિકા જવા માગતા લોકોએ મુંબઈ આવવું પડતું હતું, પણ હવે અમદાવાદમાં કૉન્સ્યુલેટ ઑફિસ શરૂ થયા બાદ મુંબઈ આવવાની જરૂર નહીં પડે. એચ-૧બી વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો જ મેળવે છે. ૨૦૨૨માં કુલ ૪,૪૨,૦૦૦ એચબી વર્કર્સ પૈકી ૭૩ ટકા ભારતીયો હતો. અમેરિકા સરકારના ડેટા મુડબ એચ-૧બી કર્મચારીઓની ઉપયોગ કરતી કંપનીઓમાં ભારતમાં સ્થિત ઇન્ફોસિસ અને તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ છે. ઉપરાંત અમેરિકાની કંપનીઓ ઍમેઝૉન, આલ્ફાબેટ (ગૂગલ) અને મેટાનો (ફેસબુક) સમાવેશ છે. અમેરિકા જવા માગતા ભારતીય લોકોની વિઝાની અરજીનો ભરાવો થયો છે.

