ચૂંટણી જીતતાં જ તારિક રહમાને ભારતને ટેન્શન આપતી માગણી કરી; બીજી તરફ નરેન્દ્ર મોદીએ તારિક રહમાન સાથે વાત કરીને આપ્યાં અભિનંદન
તારિક રહમાન
બંગલાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)એ પ્રચંડ વિજય મેળવ્યો છે. BNP-પ્રણિત ગઠબંધને ૨૯૯ બેઠકોમાંથી ૨૧૨ બેઠકો મેળવી છે જે ૧૫૦ સભ્યોના બહુમતી આંકને વટાવી ગઈ છે. ગઠબંધનને બેતૃતીયાંશ બહુમતી મળી છે. પાર્ટીના ઇતિહાસમાં આ શ્રેષ્ઠ પ્રદર્શન છે જેણે ૨૦૦૧ના એના અગાઉના ૧૯૩ બેઠકોના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે. બીજી તરફ જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ૧૧ પક્ષના ગઠબંધને ૭૭ બેઠકો જીતી છે.
BNP લગભગ ૨૦ વર્ષ પછી દેશમાં સરકાર બનાવશે. આ જીત સાથે BNPના પ્રમુખ તારિક રહમાનનું વડા પ્રધાન બનવું નિશ્ચિત માનવામાં આવે છે. આ પહેલાં શેખ હસીનાની અવામી લીગ ૨૦૦૮થી ૨૦૨૪ સુધી ત્યાં સત્તામાં હતી.
ADVERTISEMENT
બંગલાદેશમાં ૩૫ વર્ષ પછી પુરુષ વડા પ્રધાન બનશે. કાઝી ઝફર અહમદ ૧૯૮૮માં વડા પ્રધાન બન્યા હતા. BNPના નેતા તારિક રહમાન છેલ્લાં ૧૭ વર્ષથી લંડનમાં સ્વૈચ્છિક નિર્વાસનમાં હતા. એ પહેલાં તેમણે ૧૮ મહિના જેલવાસ ભોગવ્યો છે. ત્યાર બાદ ભૂતપૂર્વ વડાં પ્રધાનો શેખ હસીના અને ખાલિદા ઝિયાએ ૧૯૯૧થી ૨૦૨૪ સુધી દેશના રાજકારણમાં પ્રભુત્વ મેળવ્યું હતું. તે બન્ને વડાં પ્રધાન તરીકે સેવા આપતાં રહ્યાં હતાં.
ભારત સામે શેખ હસીનાને પાછાં મોકલવાની માગણી દોહરાવી
ઐતિહાસિક જીત મેળવ્યા પછી BNPએ ફરી એક વાર ભારત સામે શેખ હસીનાને પાછાં મોકલવાની માગણી દોહરાવી છે. હજી તો તારિક રહમાને વડા પ્રધાન તરીકે શપથ પણ નથી લીધા ત્યાં તેમણે ભારતને અપીલ કરી છે કે બંગલાદેશનાં અપદસ્થ ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરો જેથી તેઓ બંગલાદેશમાં તેમની વિરુદ્ધ કેસ ચલાવી શકે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પ્રત્યાર્પણનો નિર્ણય પૂરી રીતે કાનૂની પ્રક્રિયા, દ્વિપક્ષીય સમાધાન અને રાજકીય વાતચીત પર નિર્ભર રહેશે. આ નિર્ણયની અસર આવનારા સમયમાં બન્ને દેશોના સંબંધ પર પડશે.
નરેન્દ્ર મોદીએ તારિક રહમાન સાથે વાત કરીને આપ્યાં અભિનંદન
શુક્રવારે સવારે બંગલાદેશની ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે નવ વાગ્યે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં તારિક રહમાનને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે લખ્યું હતું, ‘હું તારિક રહમાનને બંગલાદેશમાં થયેલી સંસદની ચૂંટણીમાં BNPને શાનદાર અને નિર્ણાયક જીત અપાવવા બદલ હાર્દિક અભિનંદન આપું છું. આ જીત દેખાડે છે કે બંગલાદેશની જનતાને તમારા નેતૃત્વ પર ભરોસો છે. ભારત એક લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સૌને સાથે લઈને ચાલનારા બંગલાદેશનું સમર્થન કરતું રહેશે. હું આપણા બહુઆયામી સંબંધોને મજબૂત કરીને સહિયારા વિકાસ-લક્ષ્યોને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવાની આશા રાખું છું.’
ગઈ કાલે સાંજે નરેન્દ્ર મોદીએ ફરીથી સોશ્યલ મીડિયામાં લખ્યું હતું, ‘તારિક રહમાન સાથે વાત કરીને મને બહુ આનંદ થયો. મેં તેમને બંગલાદેશની ચૂંટણીમાં મળેલી મોટી જીત માટે અભિનંદન આપ્યાં. બંગલાદેશના લોકોની આશાઓને પૂરી કરવાના તેમના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ અને સમર્થન આપ્યું છે. નજીકના બે પાડોશી દેશોના રૂપમાં જેમની વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. મેં શાંતિ, પ્રગતિ અને બન્ને દેશોની ખુશાલી માટે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી છે.’


