કૈલાસ માનસરોવરની યાત્રા હેમખેમ પૂરી કરીને મુંબઈ પાછા આવવા જેમતેમ ઍરપોર્ટ પર પહોંચ્યા, પણ તમામ ફ્લાઇટ કૅન્સલ : ઍરપોર્ટ પર ૨૦૦ જેટલા મુસાફરોમાં મુંબઈ-અમદાવાદના ૫૦ ગુજરાતી યાત્રિકો
નેપાલના કાઠમાંડુ ઍરપોર્ટ પર અટવાયેલા ગુજરાતીઓ સહિતના મુસાફરો
જુહુમાં રહેતા પ્રિયાંક ભટ્ટે નેપાલથી મિડ-ડે સાથે શૅર કરી આપવીતી, ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાથી ઍરપોર્ટ પર : કૈલાસ માનસરોવરની યાત્રા હેમખેમ પૂરી કરીને મુંબઈ પાછા આવવા જેમતેમ ઍરપોર્ટ પર પહોંચ્યા, પણ તમામ ફ્લાઇટ કૅન્સલ : ઍરપોર્ટ પર ૨૦૦ જેટલા મુસાફરોમાં મુંબઈ-અમદાવાદના ૫૦ ગુજરાતી યાત્રિકો
નેપાલમાં ફાટી નીકળેલાં તોફાનો વચ્ચે ચારેબાજુ અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યાથી લગભગ ૨૦૦ મુસાફરો સાથે નેપાલના કાઠમાંડુ ઍરપોર્ટ પર અટવાયેલા અને મુંબઈમાં રહેતા પ્રિયાંક ભટ્ટે નેપાલથી ‘મિડ-ડે’ સાથે આપવીતી વર્ણવતાં કહ્યું હતું કે ‘ઍરપોર્ટ-સિક્યૉરિટીએ અમને બધાને ઍરપોર્ટની બહાર જતા રહેવાનું સજેશન કર્યું છે, પણ નેપાલની હાલની સિચુએશનમાં અમને લાગે છે કે કાઠમાંડુ ઍરપોર્ટ અમારા માટે સૌથી સુરક્ષિત જગ્યા છે એટલે અમે બહાર નહીં જઈએ.’
ADVERTISEMENT
માનસરોવરની યાત્રા પૂરી કરીને નેપાલમાં ચાલી રહેલાં તોફાનો વચ્ચે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જેમતેમ કરીને ભારત પરત આવવા કાઠમાંડુ ઍરપોર્ટ પહોંચ્યા બાદ તમામ ફ્લાઇટ કૅન્સલ થતાં મુંબઈ અને અમદાવાદ સહિતનાં ૫૦ ગુજરાતી યાત્રિકો ઍરપોર્ટ પર ફસાઈ ગયા છે. ગુજરાતીઓ સહિત બીજા ૧૫૦થી ૨૦૦ મુસાફરો ઍરપોર્ટ પર અટવાઈ ગયા છે. જુહુમાં રહેતા અને પત્ની સાથે માનસરોવરની યાત્રા પૂરી કરીને ગઈ કાલે મુંબઈ આવવા હોટેલથી નીકળીને કાઠમાંડુ ઍરપોર્ટ પહોંચી ગયા બાદ ફ્લાઇટ કૅન્સલ થતાં ઍરપોર્ટ પર ફસાઈ ગયેલા પ્રિયાંક ભટ્ટે કહ્યું હતું કે ‘મુંબઈ અને અમદાવાદથી ૫૦ ગુજરાતીઓ કૈલાસ માનસરોવરની પરિક્રમા પૂરી કરીને ભારત પરત ફરવા માટે હોટેલમાંથી નીકળ્યા હતા. અમે મુશ્કેલ સિચુએશનમાં ઍરપોર્ટ પર પહોંચ્યાં હતા, કેમ કે હિંસા બહુ વધી ગઈ હતી. અમે જેમતેમ કરીને કાઠમાંડુ ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા. ઍરપોર્ટ પર ચેકઇન, સિક્યૉરિટી તેમ જ ઇમિગ્રેશનની તમામ તપાસ થઈ ગઈ હતી અને અમે ગેટ પાસે બેઠા હતા. અમારી સાથે બીજા ૧૫૦થી ૨૦૦ મુસાફરો ઍરપોર્ટ પર હતા. જોકે અમે જોયું કે ઍરપોર્ટ પરથી એક પણ ફ્લાઇટ ટેકઑફ કે લૅન્ડ નહોતી થતી હતી. ઍરપોર્ટ ઑથોરિટીનો સંપર્ક કરતાં તેમણે હાથ ઉપર કરી દીધા હતા. ઍરપોર્ટ સિક્યૉરિટીએ અમને બધાને ઍરપોર્ટની બહાર જતા રહેવાનું સજેશન કર્યું હતું, પણ નેપાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એ જોતાં અમને લાગ્યું કે ઍરપોર્ટ અમારા માટે સૌથી સુરિક્ષત જગ્યા છે એટલે અમે ઍરપોર્ટની બહાર નહીં જઈએ. બપોરે ૧૨ વાગ્યાના અમે અહીં બેઠા છીએ. મારી સાથે મારાં વાઇફ તેમ જ મુંબઈના બીજા મિત્રો મળીને પાંચ જણનું અમારું ગ્રુપ છે, જ્યારે અમદાવાદથી ૧૩ જણનું ગ્રુપ છે. મુંબઈના બીજા લોકો પણ ઍરપોર્ટ પર છે. બધા મળીને કાઠમાંડુ ઍરપોર્ટ પર ૨૦૦ લોકો હશે જેમાંથી ૯૫ ટકા ભારતીય છે. એમાં મુંબઈ, અમદાવાદ, બૅન્ગલોર અને દિલ્હીના લોકો પણ છે.’

મુંબઈના પ્રિયાંક ભટ્ટ
પ્રિયાંક ભટ્ટે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમને ભારત સરકાર પર વિશ્વાસ છે કે અહીંથી અમને એ હેમખેમ બહાર કાઢશે. નેપાલ સરકાર પર અને નેપાલના લોકો પર પણ મને વિશ્વાસ છે કે તેઓ ટૂરિસ્ટોને અને ખાસ કરીને ભારતીયોને હેરાન નહીં કરે.’

અમદાવાદનાં ધારા ગોહિલ
અમદાવાદથી કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલાં અને કાઠમાંડુ ઍરપોર્ટ પર ફસાયેલાં અમદાવાદનાં ધારા ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે કાઠમાંડુથી મુંબઈની અમારી ફ્લાઇટ હતી એટલે અમે હોટેલથી નીકળીને ઍરપોર્ટ પહોંચી ગયાં હતાં. અમે ઍરપોર્ટની અંદર ગયા પછી ખબર પડી કે તમામ ફ્લાઇટ કૅન્સલ થઈ ગઈ છે એટલે અમે ઍરપોર્ટ પર ફસાઈ ગયાં, કેમ કે નેપાલમાં તોફાનો હતાં અને અમારી ફ્લાઇટ રદ થઈ ગઈ. અમારી સાથે અમદાવાદ અને મુંબઈના ગુજરાતીઓ ઉપરાંત નૉન રેસિડન્ડ ઇન્ડિયન્સ તેમ જ બંગલાદેશના લોકો પણ છે. સિનિયર સિટિઝન્સ તેમ જ બાળકો પણ અમારી સાથે છે. કેટલાક સ્ટુડન્ટ્સ પણ અહીં ફસાયા છે. બહાર તોફાનો હોવાથી અમે ઍરપોર્ટ છોડવાનાં નથી. ક્યારે ફ્લાઇટ ઊપડશે એ નહીં કહે ત્યાં સુધી અમે ઍરપોર્ટ પર જ રહીશું, કેમ કે આ જગ્યા સુરક્ષિત લાગે છે.’


