AK-47 રાઇફલ અને ગ્રેનેડ સહિત ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળા સાથે ધરપકડ કરવામાં આવી હતી
લશ્કર-એ-તય્યબા (LeT)ના ઑપરેટિવ શબ્બીર અહમદ લોન ઉર્ફે રાજા ઉર્ફે કાશ્મીરીની દિલ્હી સરહદ નજીક ધરપકડ કરવામાં આવી છે
બંગલાદેશમાં રહીને ભારતમાં હુમલાઓનું કાવતરું ઘડવાનો આરોપ ધરાવતા લશ્કર-એ-તય્યબા (LeT)ના ઑપરેટિવ શબ્બીર અહમદ લોન ઉર્ફે રાજા ઉર્ફે કાશ્મીરીની દિલ્હી સરહદ નજીક ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લાના કંગનનો રહેવાસી છે. ભારતમાં આતંકવાદી કામગીરી ચલાવવામાં તેની ભૂમિકાની જાણકારી મળ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ સાથેના સંકલનમાં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ વિશે અધિકારીઓએ જણાવ્યું હતું કે લોન બંગલાદેશમાં રહેતો હતો, જ્યાં તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના નિર્દેશનમાં LeTની ભારતવિરોધી પ્રવૃત્તિઓનું સંચાલન કરતો હતો. તેના પર ભારતમાં પાકિસ્તાનનાં આતંકવાદી કાવતરાંઓને અંજામ આપવા માટે ગેરકાયદે રહેતા બંગલાદેશી નાગરિકોની ભરતી કરવાનો આરોપ છે.
ADVERTISEMENT
લોનની ૨૦૦૭માં સ્પેશ્યલ સેલ દ્વારા AK-47 રાઇફલ અને ગ્રેનેડ સહિત ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળા સાથે ધરપકડ કરવામાં આવી હતી. લોન જામીન મેળવતાં પહેલાં તે ૨૦૧૮ સુધી તિહાર જેલમાં બંધ હતો. તે પછીથી બંગલાદેશમાં ફરી દેખાયો હતો જ્યાં તેણે LeT નેટવર્કનું પુનર્નિર્માણ કર્યું અને ભારતને લક્ષ્ય બનાવતી કામગીરીનું સંકલન કરવાનું ચાલુ રાખ્યું હતું. એજન્સીઓ હવે નેટવર્કની જાણકારી મેળવવા માટે લોનની પૂછપરછ કરી રહી છે.
