ટ્રમ્પે કહ્યું : ઇઝરાયલ, બૉમ્બ ફેંકશો નહીં; એ યુદ્ધવિરામનું મોટું ઉલ્લંઘન હશે, તમારા પાઇલટોને તાત્કાલિક પાછા બોલાવો
બેન્જામિન નેતન્યાહુ
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત બાદ અઢી કલાક પછી પણ યુદ્ધવિરામ થયો નહોતો અને એક તરફ ઈરાને ઇઝરાયલના એક શહેર પર મિસાઇલો છોડ્યાં હતાં ત્યારે બીજી તરફ ઇઝરાયલે પણ ઈરાનના તેહરાન શહેરમાં રડાર સ્ટેશન પર હુમલો કર્યો હતો. આમ યુદ્ધ ચાલુ હોવાથી અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પને ઇઝરાયલને યુદ્ધ રોકવા અને એના ફાઇટર પ્લેનના પાઇલટોને બૉમ્બ નહીં ફેંકવા કહેવું પડ્યું હતું, પણ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પાઇલટોને રોકવા મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.
યુદ્ધવિરામ શરૂ થયાના લગભગ અઢી કલાક પછી ઈરાને ઇઝરાયલ પર ૬ બૅલિસ્ટિક મિસાઇલ છોડ્યાં હતાં જે બીર શેબા શહેરમાં એક ઇમારત પર પડ્યાં હતાં. ઇઝરાયલે એનો જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ સંબંધિત પોસ્ટમાં ઇઝરાયલને સંબોધીને લખ્યું હતું કે ‘ઇઝરાયલ, એ બૉમ્બ ન ફેંકો. જો તમે આવું કરશો તો એ યુદ્ધવિરામનું મોટું ઉલ્લંઘન હશે. તમારા પાઇલટોને તાત્કાલિક પાછા બોલાવો.’
આના જવાબમાં નેતન્યાહુએ ટ્રમ્પને કહ્યું હતું કે હું હુમલો રોકી શકતો નથી, કારણ કે ઈરાને પહેલાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને એનો જવાબ આપવો જરૂરી છે.
ભારતે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું
ભારતે યુદ્ધવિરામ પર સંમતિ સાધવામાં અમેરિકા અને કતરની ભૂમિકાનું સ્વાગત કર્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘વાતચીત અને રાજદ્વારી સિવાય કોઈ વિકલ્પ નથી. આશા છે કે બધા પક્ષો સ્થાયી શાંતિ માટે કામ કરશે.’
ઇઝરાયલમાં ૨૮ લોકોનાં મૃત્યુ, ૩૦૦૦થી વધુ ઘાયલ
ઇઝરાયલની મેગેન ડેવિડ એડોમ ઍમ્બ્યુલન્સ સર્વિસે અહેવાલ આપ્યો છે કે ૧૨ દિવસ દરમ્યાન ઈરાની હુમલામાં કુલ ૨૮ ઇઝરાયલીઓએ જીવ ગુમાવ્યા છે અને ૩૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈરાનમાં ૬૧૦ લોકોનાં મૃત્યુ
૧૩ જૂનથી ૨૪ જૂન દરમ્યાન ઈરાનમાં થયેલા યુદ્ધમાં ૬૧૦ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૪૭૪૬ અન્ય ઘાયલ થયા છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ‘જીવ ગુમાવનારાઓમાં ૧૩ બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી નાનું બે મહિનાનું બાળક હતું. બે ગર્ભવતી મહિલા સહિત ૪૯ મહિલાઓ મૃત્યુ પામી છે. પાંચ આરોગ્ય કર્મચારીઓનાં પણ મૃત્યુ થયાં છે.’
યુદ્ધમાં ૧૪ ઈરાની વૈજ્ઞાનિકોનાં મૃત્યુ
ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા ૧૪ ઈરાની વૈજ્ઞાનિકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે ઇઝરાયલે આરોપ લગાવ્યો કે આ વૈજ્ઞાનિકો પરમાણુ શસ્ત્રો તૈયાર કરવામાં સામેલ હતા.
હુમલામાં ૭ ઈરાની સૈનિકોનાં મૃત્યુ
તેહરાન નજીક કારાજ શહેરમાં ગઈ કાલે કરવામાં આવેલા ઇઝરાયલી હુમલામાં રેવલ્યુશનરી ગાર્ડના ૭ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં અર્ધલશ્કરી દળના બે જનરલનો સમાવેશ થાય છે.

