યુદ્ધવિરામની જાહેરાત છતાં ઈરાને મિસાઇલ-હુમલા ચાલુ રાખ્યા હતા, ઇઝરાયલે એનો જવાબ આપ્યો, છેવટે ડોનલ્ડ ટ્રમ્પે ફાઇટર પ્લેનોને પાછાં ફરવાનો આદેશ આપ્યો એ પછી શાંતિ સ્થપાઈ : મિડલ ઈસ્ટમાં શાંતિનો સૂરજ ઊગશે, યુદ્ધવિરામ માટે કતરે કરી મધ્યસ્થતા
ગઈ કાલે વાઇટ હાઉસની લૉનમાં મીડિયા સાથે વાત કરતા ડોનલ્ડ ટ્રમ્પ.
ઇઝરાયલ-ઈરાન વચ્ચે ૧૨ દિવસથી ચાલી રહેલા લોહિયાળ સંઘર્ષનો અંત આવ્યો છે અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ યુદ્ધવિરામમાં કતર દેશે મધ્યસ્થી કરી હતી અને તેથી યુદ્ધગ્રસ્ત મિડલ ઈસ્ટમાં હવે શાંતિનો સૂર્યોદય થશે. જોકે યુદ્ધવિરામની જાહેરાત થવા છતાં ઈરાને ઇઝરાયલના એક શહેર પર મિસાઇલ-હુમલો કર્યો હતો જેમાં ૬ ઇઝરાયલીઓએ જીવ ગુમાવ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આના જવાબમાં ઇઝરાયલે પણ ઈરાનના તેહરાનમાં રડાર સ્ટેશન પર હુમલો કરીને એને નષ્ટ કર્યું હતું. છેવટે ડોનલ્ડ ટ્રમ્પે ફાઇટર પ્લેનોને પાછાં ફરવાનો આદેશ આપ્યો હતો અને એ પછી બેઉ દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ હતી. આમ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધવિરામ પર સંમત થયાં હતાં.
અગાઉ ઈરાને એના શપથને પૂરા કરવા માટે કતરમાં અમેરિકાના ઍરબેઝ પર હુમલો કર્યો હતો. યુદ્ધવિરામની જાહેરાત કરતાં પહેલાં ઈરાને કતર તરફ ૬ મિસાઇલો છોડ્યાં હતાં, જે અમેરિકન આર્મી બેઝ ઉપરથી પસાર થયા પછી રાખ થઈ ગયાં હતાં.
ADVERTISEMENT
બાત કૈસે બની?
યુદ્ધવિરામ વિશે જાણકારી આપતાં વાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત દ્વારા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થી કરી હતી. ઇઝરાયલે એક શરત મૂકી હતી કે એ યુદ્ધવિરામ માટે સંમત છે, પણ ઈરાને નવા હુમલાઓ શરૂ કરવા જોઈએ નહીં. બીજી તરફ વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ સહિત તેમની ટીમે તેહરાન સાથે વાટાઘાટો કરી હતી. કતરના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ તેહરાનને અમેરિકાના યુદ્ધવિરામના પ્રસ્તાવ માટે મનાવી લીધું હતું.’
ડોનલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર દાવો કર્યો હતો કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંપૂર્ણ યુદ્ધવિરામ પર સૈદ્ધાંતિક રીતે કરાર થયો છે, જે ૧૨ દિવસના યુદ્ધનો અંત લાવશે. ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું હતું કે ‘બધાને અભિનંદન. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંમતિ થઈ છે કે ૬ કલાકની અંદર સંપૂર્ણ અને વ્યાપક યુદ્ધવિરામ અમલમાં આવશે (જે સમય સુધીમાં બન્ને દેશોએ એમની અંતિમ લશ્કરી કાર્યવાહી પૂરી કરી લીધી હશે). ઈરાન પહેલાં ૧૨ કલાક માટે યુદ્ધવિરામનું પાલન કરશે, પછી ઇઝરાયલ. ૨૪ કલાક પછી આ યુદ્ધ સમાપ્ત થયું માનવામાં આવશે. બન્ને દેશોની હિંમત, બુદ્ધિમત્તા અને સહનશક્તિની હું પ્રશંસા કરું છું. આ યુદ્ધ વર્ષો સુધી ચાલી શક્યું હોત અને સમગ્ર મિડલ ઈસ્ટનો નાશ કરી શક્યું હોત, પરંતુ એ બન્યું નહીં અને એ ક્યારેય બનશે નહીં.’
નેતન્યાહુએ યુદ્ધવિરામ સ્વીકાર્યો
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ કહ્યું હતું કે ‘ઇઝરાયલ ઈરાન સાથે યુદ્ધવિરામ માટે સંમત થયું છે અને ઇઝરાયલે ઈરાન સામેનાં પોતાનાં યુદ્ધ-લક્ષ્યો પ્રાપ્ત કર્યાં છે. યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકવા, ઇઝરાયલને ટેકો આપવા અને ઈરાનના પરમાણુ ખતરાને દૂર કરવા માટે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પનો આભાર માનું છું. જોકે ઇઝરાયલ યુદ્ધવિરામના કોઈ પણ ઉલ્લંઘનનો કડક જવાબ આપશે.’
ઈરાનના વિદેશપ્રધાને શું કહ્યું?
યુદ્ધવિરામ બાદ ઈરાનના વિદેશપ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે ‘આખરી સમય સુધી ઇઝરાયલને સજા આપવા માટે અમારાં સુરક્ષા દળોએ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી હતી. હું તમામ ઈરાનીઓ સાથે મળીને સશસ્ત્ર દળોને ધન્યવાદ આપું છું જેમણે લોહીના આખરી ટીપા સુધી દુશ્મનના દરેક હુમલાનો જવાબ આપ્યો છે.’


