ઘરની મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયોમાં ગૅરેજની બહાર પાર્ક કરેલી ફાયર-ટ્રક દેખાય છે, જ્યારે ઘણા ફાયર અધિકારીઓ થઈ રહેલી ધાર્મિક વિધિને જોઈ રહ્યા છે.
અમેરિકામાં ગૃહપ્રવેશ દરમ્યાન હવન કર્યો, ફાયર-ફાઇટર્સ આગ સમજીને દોડી આવ્યા
અમેરિકાના ટેક્સસ રાજ્યમાં હિન્દુ પરિવારના એક ઘરની હાઉસવૉર્મિંગ સેરેમની એટલે કે ગૃહપ્રવેશ સમયે હવન કરવામાં આવ્યો હતો, પણ ઘરમાં રહેલું ફાયર-અલાર્મ વાગતાં ફાયર-ફાઇટર્સની ટીમ આગ લાગી છે એમ સમજીને આ ઘર પાસે આવી પહોંચી હતી. આ ઘરની મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયોમાં ગૅરેજની બહાર પાર્ક કરેલી ફાયર-ટ્રક દેખાય છે, જ્યારે ઘણા ફાયર અધિકારીઓ થઈ રહેલી ધાર્મિક વિધિને જોઈ રહ્યા છે. ફુટેજમાં બેડફૉર્ડ ફાયર વિભાગ ધુમાડાથી ભરેલા ગૅરેજની તપાસ કરવા પહોંચતો દર્શાવવામાં આવ્યો છે જ્યાં આ પરિવાર હવન કરી રહ્યો છે. ફુટેજમાં અધિકારીઓ પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા દેખાય છે.
હળવાશભર્યા સંદર્ભમાં શૅર કરાયેલા આ વિડિયો વિશે ઘણા લોકોએ ઘરે હવન સહિતની પૂજા કરવા બદલ સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ તેમના ધાર્મિક રિવાજોનું પાલન કરવાના તેમના અધિકારનો બચાવ કર્યો હતો. એક યુઝરે લખ્યું હતું કે ‘વિદેશમાં આવું ન કરવું જોઈએ, કારણ કે ત્યાં ઘર સૂકા લાકડાની દીવાલથી બનેલાં હોય છે. હું આ વર્તનની નિંદા કરું છું અને એને ક્યારેય સાંસ્કૃતિક પ્રથા તરીકે સ્વીકારીશ નહીં. આ પરિવારે મૂળભૂત બાબતો શીખવાની જરૂર છે.’
ADVERTISEMENT
જોકે એક ભારતીય-અમેરિકન યુઝરે ઉમેર્યું હતું કે ‘હું પહેલી પેઢીમાં જન્મેલો અને ઊછરેલો ભારતીય અમેરિકન છું અને આ જોઈને મને ખૂબ ગર્વ થાય છે. હું અત્યાર સુધી જે પણ ઘરમાં રહ્યો છું ત્યાં અને મેં ખરીદેલી દરેક નવી કાર માટે પૂજા કરી છે. દરેક મોટી પરીક્ષા કે મોટી નોકરીના ઇન્ટરવ્યુ માટે પ્રાર્થના કરી છે.’


