અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે ઈલૉન મસ્કની કંપનીની લાલ રંગની ટેસ્લા કાર ખરીદી હતી
વાઇટ હાઉસમાં ડોનલ્ડ ટ્રમ્પ માટે લાવવામાં આવેલાં ટેસ્લા કારનાં અલગ-અલગ મૉડલો, જેમાંથી અમેરિકાના પ્રેસિડન્ટે લાલ ગાડી ખરીદી હતી.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે ઈલૉન મસ્કની કંપનીની લાલ રંગની ટેસ્લા કાર ખરીદી હતી. આ કાર ખરીદવા માટે તેમણે ૮૦,૦૦૦ ડૉલર (આશરે ૬૯ લાખ રૂપિયા) ચૂકવ્યા હતા અને ઈલૉન મસ્ક પાસેથી કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ મેળવ્યું નહોતું.
ટ્રમ્પે મંગળવારે ટેસ્લા કાર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એથી ઈલૉન મસ્ક તેમની કંપનીની કારનાં પાંચ મૉડલ વાઇટ હાઉસમાં લઈને આવ્યા હતા. ઈલૉન મસ્કની કંપની ટેસ્લાના શૅરના ભાવ ગગડી રહ્યા છે અને કારનું વેચાણ પણ ઘટી રહ્યું છે એથી ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઈલૉન મસ્ક પ્રત્યેના સમર્થનના રૂપમાં ડોનલ્ડ ટ્રમ્પે ટેસ્લા કાર ખરીદી હતી. આ પ્રસંગે ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરી હતી અને તેમને એક સાચો મહાન દેશભક્ત અમેરિકન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ટેસ્લા અને મસ્કે ઇનોવેશન દ્વારા અમેરિકામાં ઘણું યોગદાન આપ્યું છે, પણ કટ્ટર ડાબેરી વિચારસરણી ધરાવતા પાગલ લોકો તેમને જાણીજોઈને નિશાન બનાવી રહ્યા છે.
ADVERTISEMENT
અમેરિકામાં ટેસ્લાના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. ટ્રમ્પ પ્રશાસનમાં ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના પ્રમુખ તરીકે મસ્ક સરકારી નોકરીમાં કાપ મૂકી રહ્યા છે અને એથી તેમની ભૂમિકાના વિરોધમાં આ પ્રદર્શનો થઈ રહ્યાં છે.
ડોનલ્ડ ટ્રમ્પે ટેસ્લા કેમ ચલાવી નહીં?
ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે લાલ રંગની ટેસ્લા કાર ખરીદી હતી અને વાઇટ હાઉસના પ્રાંગણમાં તેઓ કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠા હતા છતાં તેમણે આ કાર ચલાવી નહોતી. તેમની બાજુની સીટમાં ઈલૉન મસ્ક બેઠા હતા. કારમાં બેઠા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે મને કાર ચલાવવાની પરવાનગી નથી, કારણ કે મેં ઘણા સમયથી કાર ચલાવી નથી. મેરિકામાં પ્રેસિડન્ટ અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પબ્લિક રોડ પર કાર ચલાવી શકતા નથી, કારણ કે સીક્રેટ સર્વિસે તેમના માટે ખાસ નિયમ બનાવ્યો છે જેનું પાલન કરવાનું રહે છે. પ્રેસિડન્ટ જૉન એફ. કેનેડીની હત્યા બાદ સીક્રેટ સર્વિસે આ નિયમનું પાલન સખત બનાવ્યું જેનું પાલન કરવું ફરજિયાત છે.

