ડેરિવેટિવ્ઝ સંબંધી હિસાબી ગોલમાલમાં ઇન્ડસઇન્ડ બૅન્કમાં વિક્રમી કડાડો, માર્કેટકૅપ ૧૯,૦૫૯ કરોડ ગગડી ૫૧,૧૨૦ કરોડે આવી ગયું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડેરિવેટિવ્ઝ સંબંધી હિસાબી ગોલમાલમાં ઇન્ડસઇન્ડ બૅન્કમાં વિક્રમી કડાડો, માર્કેટકૅપ ૧૯,૦૫૯ કરોડ ગગડી ૫૧,૧૨૦ કરોડે આવી ગયું : ભારતીની ભાગીદારીમાં સ્ટારલિન્કનો ભારત પ્રવેશ થશે, અંબાણીના એમ્પાયર માટે માઠા સમાચાર : જેન્સોલ સતત ૧૦મા દિવસે ડાઉન, ઓલા ઇલેક્ટ્રિક નવા ઑલટાઇમ તળિયાની શોધમાં : યુનિકેમ લૅબનું લૅન્ડ પાર્સલ લોઢાએ ખરીદ્યું, મેક્રોટેક ડેવલપર્સ પાંચ ટકાની તેજીમાં બંધ : ઝાયડ્સ લાઇફ ફ્રાન્સની કંપની ૨૪૫૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરશે, શૅરમાં ઝમક બાકી : માર્કેટ બ્રેડ્થ ખરાબ
જિયો પૉલિટિક્સ ટેન્શન અને ટ્રમ્પના ટૅરિફને લઈ વિશ્વભરનાં બજાર ચિંતામાં છે. ભારે અનિશ્ચિતતાને લઈ સર્વત્ર વત્તે-ઓછે અંશે મંદીનો માહોલ છે. સંખ્યાબંધ સારા-સારા શૅરોના ભાવ અડધા થઈ ગયા છે. ખરાબી અને ખુવારી ક્યાં અટકશે એની કોઈને ખબર નથી. આ સંજોગોમાં મૉર્ગન સ્ટૅનલીનો વરતારો હૈયાધારણ બનીને આવ્યો છે. તેજીના હાર્ડકોર ચાહકોને એ અવશ્ય ગમશે. મૉર્ગન સ્ટૅનલી કહે છે કે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં સેન્સેક્સ ૯૩,૦૦૦ થશે અને બુલરન જામે તો બજાર ૧,૦૫,૦૦૦; યસ, એક લાખ પાંચ હજાર પૉઇન્ટ પણ થઈ શકે છે. સામે વર્સ્ટ સિનારિયો કે બેરકેસમાં સેન્સેક્સ ૭૦,૦૦૦ દેખાડશે. મતલબ કે બજાર હવે બહુ બગડવાની શક્યતા નથી, સામે વધારાને બેશુમાર અવકાશ છે. ચાલો, નાચો... મન મૂકીને ડાન્સ કરો... મૉર્ગનના ગુણગાન ગાઓ. જોકે અમને મૉર્ગનની વાતમાં ખાસ માલ નથી દેખાતો એ અલગ વાત છે.
ADVERTISEMENT
સેન્સેક્સ આગલા બંધથી ૩૬૧ પૉઇન્ટ નીચે, ૭૩,૭૪૪ ખૂલી ૧૩ પૉઇન્ટ ઘટી ૭૪,૧૦૨ તથા નિફ્ટી ૩૭ પૉઇન્ટ વધી ૨૨,૪૯૮ મંગળવારે બંધ થયો છે. નરમ ખૂલ્યા પછી ૭૩,૬૬૩ના તળિયે ગયેલો શૅર આંક ક્રમશઃ મક્કમ સુધારામાં વધી ઉપરમાં ૭૪,૧૯૫ થયો હતો. નિફ્ટી નીચલા મથાળેથી ૨૦૭ પૉઇન્ટ ઊચકાઈ ઉપરમાં ૨૨,૫૨૨ દેખાયો હતો. માર્કેટ બ્રેડ્થ ખરાબ જ રહી છે. NSEમાં વધેલા ૧૦૪૧ શૅરની સામે ૧૮૫૦ જાતો ઘટી છે. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ પ્લસ થયાં છે. ટેલિકૉમ ઇન્ડેક્સ પોણાત્રણ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ ચાર ટકા નજીક, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક દોઢ ટકા, એનર્જી નરમાઈ સામે મિડકૅપ અડધો ટકો વધ્યો છે. ઇન્ડ્સઇન્ડ બૅન્કના ભારમાં પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા તથા બૅન્ક નિફ્ટી પોણો ટકો બગડ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ફ્લૅટ રહ્યો છે. આઇટી ઇન્ડેક્સ ૦.૯ ટકા કપાયો હતો. મેટલ તથા કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક અડધો ટકો સુધર્યા છે. બજારનું માર્કેટકૅપ ૩૯,૦૦૦ કરોડ વધી ૩૯૪.૨૫ લાખ કરોડ થયું છે.
અમેરિકા ખાતે સ્ટાન્ડર્ડ પુઅર્સ ૫૦૦ વધુ પોણાત્રણ ટકા ખરડાઈ લગભગ છ મહિનાના તળિયે, ૫૬૧૪ બંધ રહ્યો છે. નૅસ્ડૅક પણ સોમવારની મોડી રાત્રે ૭૨૮ પૉઇન્ટ કે ચાર ટકા તૂટી ૧૭,૪૬૮ બંધ થયો હતો. એ પણ આશરે છ મહિનાની બૉટમ છે. એશિયા ખાતે થાઇલૅન્ડ પોણો ટકો તથા ચાઇના અડધા ટકા નજીક સુધર્યું હતું. સામે સિંગાપોર બે ટકા, તાઇવાન પોણાબે ટકા, સાઉથ કોરિયા સવા ટકો, જપાન અડધા ટકાથી વધુ, ઇન્ડોનેશિયા પોણો ટકો ડૂલ થયું છે. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી નહીંવત્ નરમ તથા અન્ય બજાર સામાન્યથી અડધો ટકો ઉપર દેખાયાં છે. અમેરિકાનો સ્ટાન્ડર્ડ પુઅર્સ ૫૦૦ ઇન્ડેક્સ ૧૯ ફેબ્રુઆરીની એની ૬૧૪૭ની ટોચથી અત્યાર સુધીમાં ૮.૭ ટકા ગગડી ચૂક્યો છે જેમાં એનું ચાર લાખ કરોડ ડૉલર એટલે કે લગભગ ૩૫૦ લાખ કરોડ રૂપિયાનું માર્કેટકૅપ સાફ થઈ ગયું છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નીચામાં ૭૬,૯૦૨ ડૉલરે જઈ રનિંગમાં સાડાત્રણ ટકાના સુધારે ૮૧,૫૩૩ ડૉલર ચાલતો હતો. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ અઢી ટકાના ઘટાડે ૨.૬૫ લાખ કરોડ ડૉલર જોવાયું છે. પાકિસ્તાનનું શૅરબજાર સાંકડી વધઘટે અથડાઈ રહ્યું છે. કરાચી ઇન્ડેક્સ રનિંગમાં ૧૧૦ પૉઇન્ટના સુધારામાં ૧,૧૪,૪૬૬ દેખાયો છે.
ઇન્ડસઇન્ડ બૅન્ક હિસાબી ગોટાળામાં ૨૭ ટકા તૂટી બાવન મહિનાના તળિયે
ડેરિવેટિવ્ઝ સંબંધી હિસાબી ગોલમાલના પગલે ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૨૭ ગણા વૉલ્યુમે ૬૪૯ની બીજી નવેમ્બર ૨૦૨૦ પછીની સૌથી નીચી સપાટી નોંધાવી ૨૭.૨ ટકાના ઐતિહાસિક કડાકામાં ૨૪૫ રૂપિયા તૂટી, ૬૫૬ બંધ આપી સમગ્ર બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. એના કારણે બજારને ૧૩૯ પૉઇન્ટનો માર પડ્યો છે. આ હિસાબી ગોટાળાના કારણે બૅન્કની નેટવર્થમાં ૨.૩૫ ટકાનો ઘટાડો થવાની કબૂલાત કરાઈ છે. આ ધોરણે બૅન્કને લગભગ ૧૫૩૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે એ વાત પાકી છે. બૅન્કમાં ડીરેટિંગ શરૂ થયું છે. ચાર્ટવાળા ૫૦૦નો ભાવ લાવ્યા છે. નૅસ્ડૅકની પાછળ ઇન્ફોસિસ ૨.૨ ટકા બગડી ૧૬૬૬ના બંધમાં બજારને ૧૧૩ પૉઇન્ટ નડી છે. મહારાષ્ટ્ર સરકારે ૩૦ લાખથી મોંઘાં ઇલેક્ટ્રિક વેહિકલ્સ પર ૬ ટકાનો ઍડિશનલ વેરો લેવાનું નક્કી કરતાં મહિન્દ્ર પોણાબે ટકા ડૂલ થઈ હતી. બજાજ ફીનસર્વ બે ટકા નજીક, પાવર ગ્રીડ દોઢ ટકો, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા, સિપ્લા સવા ટકો, વિપ્રો એક ટકાથી વધુ, ઍક્સિસ બૅન્ક એકાદ ટકો ડાઉન હતી.
નિફ્ટી ખાતે વધવામાં ટ્રેન્ટ ચાર ટકા અને સેન્સેક્સમાં સનફાર્મા પોણાત્રણેક ટકા ઊંચકાઈ મોખરે હતી. ભારત પેટ્રો ત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા, ભારતી ઍરટેલ બે ટકા નજીક, HCL ટેક્નૉ સવા ટકો, હીરો મોટોકૉર્પ પોણાબે ટકા, ભારત ઇલે અને HDFC લાઇફ ૧.૮ ટકા, ONGC તેમ જ બજાજ ઑટો દોઢ-દોઢ ટકો, ગ્રાસિમ સવા ટકો, કોલ ઇન્ડિયા તથા અદાણી એન્ટરપ્રાઇઝ એક ટકો વધ્યા હતા. ICICI બૅન્ક સરેરાશથી અડધા વૉલ્યુમે અઢી ટકાની તેજીમાં ૧૨૪૫ બંધ આપી બજારને ૧૮૪ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ પોણા ટકાના સુધારામાં ૧૨૪૭ રહ્યો છે. ઝોમાટો દોઢ ટકો અને સ્વિગી બે ટકા માઇનસ હતા. તાતા મોટર્સ, ટેક મહિન્દ્ર, બજાજ ફાઇનૅન્સ, તાતા સ્ટીલ લગભગ ફ્લૅટ હતા. ટીસીએસ સાધારણ નરમાઈમાં ૩૫૭૫ થયો છે. મારુતિ તથા લાર્સન પોણા ટકાથી વધુ સુધર્યા હતા.
નેપ્સ ગ્લોબલમાં ૧૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો
મુંબઈના કાલબાદેવી રોડ ખાતેની નેપ્સ ગ્લોબલ શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૮ ખૂલી નીચલી સર્કિટમાં ૧૦૨ ઉપર બંધ થતાં અત્રે ૧૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. પીડીપી શિપિંગનો શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૧૨૬૫ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૪૭ ટકા તથા સુપર આયર્ન ફાઉન્ડ્રીનો શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૬૮૦૫ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે ૩૬ ટકા ભરાયો છે. ૧૭ માર્ચે પ્રદીપ પરિવહન શૅરદીઠ ૯૮ની અપર બૅન્ડમાં ૪૪૮૬ લાખનો તથા ડીવાઇન હીરા જ્વેલર્સ શૅરદીઠ ૯૦ના ભાવથી ૩૧૮૪ લાખનો SME IPO કરવાની છે.
ઝાયડ્સ લાઇફ સાયન્સ ફ્રાન્સની એમ્પ્લીટ્યૂડ સર્જિકલનો ૮૬ ટકા હિસ્સો ૨૮ કરોડ ડૉલરમાં હસ્તગત કરવાની તૈયારીમાં છે. શૅર ગઈ કાલે પોણો ટકો વધીને ૯૦૦ નજીક બંધ થયો હતો. ભારતમાં ઇલૉન મસ્કની સ્ટારલિન્કને લાવવા ભારતી ઍરટેલે પહેલ કરી હોવાના અહેવાલ છે. સ્ટારલિન્કનો ભારત પ્રવેશ મુકેશ અંબાણીના એમ્પાયર માટે બેશક માઠા સમાચાર છે. ગઈ કાલે ભારતી ઍરટેલ બે ટકા, ભારતી હેક્સાકૉમ નવ ટકા નજીક અને ઇન્ડ્સ ટાવર સાડાત્રણ ટકા મજબૂત થયા છે. ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સ ઉત્પાદક ગ્રેફાઇટ ઇન્ડિયા ૪ ગણા વૉલ્યુમે સાડાચાર ટકા વધી છે. RRP સેમિકન્ડક્ટર માત્ર બે શૅરના વૉલ્યુમે એક વધુ ઉપલી સર્કિટમાં બે ટકા વધી ૪૮૭ના નવા શિખરે બંધ થયો છે. બેફામ સટ્ટાખોરી સામે સત્તાવાળા તદ્દન લાચાર લાગે છે. તાજ જીવીકે ૫૧૩ની ટોચે જઈ ૪.૮ ટકા વધી ૫૦૧ થયો છે. વાડીલાલ એન્ટરપ્રાઇઝ ૮૭૮૯ની ઑલટાઇમ હાઈ બનાવી સવાસાત ટકા કે ૫૮૯ની તેજીમાં ત્યાં જ બંધ થયો છે.
BSE લિમિટેડ ખરડાયેલા માનસમાં સતત પાંચમા દિવસે ઘટ્યો
જેન્સોલ એન્જિનિયરિંગ સતત ૧૦મા દિવસની ખરાબીમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૯૦ની અંદર નવા મલ્ટિયર તળિયે બંધ રહ્યો છે. આ શૅર સપ્તાહમાં ૩૦ ટકા અને મહિનામાં ૫૯ ટકા ધોવાયો છે. ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડા સાથે ખરડાયેલા માનસમાં BSE લિમિટેડ સળંગ પાંચમા દિવસની ખરાબીમાં નીચામાં ૩૬૮૨ બતાવી પોણાપાંચ ટકા કે ૧૮૯ રૂપિયાના ધબડકામાં ૩૮૧૦ની અંદર આવી ગયો છે. જાણકારો ૩૨૦૦નો ભાવ લાવ્યા છે. MCX નીચામાં ૪૪૧૦ થયા બાદ શાર્પ બાઉન્સબૅકમાં ૪૭૦૭ બતાવી ચારેક ટકા વધીને ૪૬૯૦ રહ્યો છે. પશુપતિ એક્રિલૉન તરફથી દૈનિક ૧૫૦ કિલો લીટરની ક્ષમતાવાળો નવો ઇથેનૉલ પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવતાં શૅર ૯ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની સર્કિટમાં ૫૧ વટાવ્યા બાદ ૧૯ ટકા વધી ૫૧ નજીક બંધ થયો છે.
ઓલા ઇલેક્ટ્રિક એક સાંધે ત્યાં તેર તૂટેના ઘાટમાં ૫૦ના ઑલટાઇમ તળિયે જઈ સવાપાંચ ટકા ખરડાઈ ૫૧ નજીક બંધ રહ્યો છે. સાતેક મહિના પહેલાં ૨૦ ઑગસ્ટે ભાવ ૧૫૭ના શિખર હતો. લોઢાની મેક્રોટેક ડેવલપર્સે મુંબઈના જોગેશ્વરી-વેસ્ટ ખાતે યુનિકેમ લૅબોરેટરીઝની આશરે સાડાત્રણ એકર જમીન ૨૭૯ કરોડમાં ખરીદી લીધી હોવાના અહેવાલ છે. શૅર બમણા વૉલ્યુમે પાંચ ટકા ઊછળી ૧૧૩૨ બંધ થયો છે. યુનિકેમ લૅબ પોણો ટકો ઘટી ૬૭૦ હતો. ફોર્બ્સ ગોકાક ૨૬૪ની નવી મલ્ટિયર બૉટમ બતાવી પાંચ ટકાના બાઉન્સબૅકમાં ૨૮૩ વટાવી ગયો છે.
તાતા કમ્યુનિકેશન્સ ૧૦ ગણા કામાકાજે પોણાનવ ટકા કે ૧૨૧ની તેજીમાં ૧૪૯૪ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. ચેન્નઈ પેટ્રો પોણાઆઠ ટકા, પેટીએમ સવાસાત ટકા તથા ફીનિક્સ મિલ્સ પોણાસાત ટકા મજબૂત થયા છે. નુવામા વેલ્થ ૭ ટકા કે ૩૮૫ની ખરાબીમાં ૫૧૫૦ બંધ હતો. ૧૧ ડિસેમ્બરે ભાવ ૭૬૪૮ની ટોચે હતો. સેન્કો ગોલ્ડ ૨૬૮ના ઑલટાઇમ બૉટમ બાદ પોણાસાત ટકા તૂટી ૨૭૦ બંધ આવ્યો છે. ૭ ઑક્ટોબરે અહીં ૭૭૨નું વેસ્ટ લેવલ બન્યું હતું.

