લૉકડાઉન દરમ્યાન નિયમો તોડીને પાર્ટી કરવા વિશે સંસદસભ્યો દ્વારા પૂછપરછ પહેલાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાને આમ જણાવ્યું

બૉરિસ જૉનસ તસવીર સૌજન્ય મિડ-ડે
ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જૉનસને ગઈ કાલે સંસદસભ્યો દ્વારા તેમની પૂછપરછ પહેલાં જણાવ્યું હતું કે તેઓ કોરોનાના કારણે લાદવામાં આવેલા લૉકડાઉન દરમ્યાન નિયમો તોડીને પાર્ટી કરવા વિશે સંસદને ખોટું નહોતા બોલ્યા.
સંસદની વિશેષાધિકાર કમિટી તપાસ કરી રહી છે કે જૉનસને પાર્ટીઓ વિશે અનેક સ્ટેટમેન્ટ્સ આપીને હાઉસ ઑફ કૉમન્સને ઇરાદાપૂર્વક કે પછી લાપરવાહીથી ગેરમાર્ગે દોરી હતી કે નહીં. જૉનસને ઇરાદાપૂર્વક સંસદને ગેરમાર્ગે દોરી હોવાનું કમિટીને જણાશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. સસ્પેન્શનનો સમયગાળો ૧૦ દિવસ કરતાં વધારે હોય તો એના લીધે તેમની બેઠક પર પેટા-ચૂંટણી યોજવામાં આવી શકે છે. આ પહેલાં જૉનસને જણાવ્યું હતું કે પાર્ટીઓના લીધે નિયમોનો ભંગ થશે એ બાબતે તેમને ચેતવવામાં નહોતા આવ્યા અને તેમણે આ કમિટી પર પક્ષપાત કરવાનો આરોપ મૂક્યો હતો.
જૉનસને કહ્યું હતું કે ‘હું છાતી પર હાથ મૂકીને કહું છું કે હું ગૃહને ખોટું નહોતો બોલ્યો. જ્યારે એ સ્ટેટમેન્ટ્સ આપવામાં આવ્યાં હતાં ત્યારે એ સારી નિયતથી આપવામાં આવ્યાં હતાં અને પ્રામાણિકતાથી હું જે જાણતો હતો એના આધારે આપવામાં આવ્યાં હતાં.’ કમિટીએ ગઈ કાલે ૧૧૦ પાનાંમાં પુરાવાની વિગતો આપી હતી.