કિંગ ચાર્લ્સ દ્વિતીયના રાજ્યાભિષેક વખતે રાણી કૅમિલાએ વિવાદાસ્પદ ડાયમન્ડને જે તાજમાં બેસાડવામાં આવ્યો છે એને ન પહેરવાનો નિર્ણય લીધો છે

બ્રિટનની નફ્ફટાઈઃ કોહિનૂર હીરાનું વિજયના પ્રતીક તરીકે કરશે પ્રદર્શન
ભારત દ્વારા જેના પર દાવો કરવામાં આવી રહ્યો છે એ વિવાદાસ્પદ કોહિનૂર હીરાને મે મહિનામાં ટાવર ઑફ લંડનમાં શરૂ થનારા પ્રદર્શનમાં વિજયના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવશે. બ્રિટનના મહેલોનું સંચાલન કરનાર હિસ્ટોરિક રૉયલ પૅલેસિસ (એચઆરપી) દ્વારા જણાવાયું હતું કે નવું પ્રદર્શન કોહિનૂરના ઇતિહાસ વિશે તમામ પ્રકારની માહિતી આપશે. આ ડાયમન્ડને સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીયના તાજની અંદર સચવાયેલો છે. કૅમિલાએ છઠ્ઠી મેના રોજ જ્યારે કિંગ ચાર્લ્સ દ્વિતીયનો રાજયાભિષેક થાય ત્યારે આ પરંપરાગત તાજ ન પહેરવાનો નિર્ણય લીધો છે.. એચઆરપી દ્વારા જણાવાયુ હતું કે કઈ રીતે આ હીરો જીતવામાં આવ્યો એ વિશે પણ જણાવવામાં આવશે, જેમાં એમના અગાઉના માલિકો જેમાં મુગલ સમ્રાટો, ઈરાનના શાહ, અફઘાનિસ્તાનના અમીરો અને સિખ મહારાજા વિશે જણાવવામાં આવશે. કોહિનૂરનો ફારસી ભાષામાં અર્થ થાય છે પ્રકાશનો પર્વત. જેને મહારાજા રણજિત સિંહની તિજોરીમાંથી મહારાણી વિક્ટોરિયાના કબજામાં લેવામાં આવ્યો હતો. ટાવર ઑફ લંડન અને જ્વેલ ઑફ હાઉસના કીપરના મતે કોહિનૂરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવશે. નવું પ્રદર્શન કિંગ ચાર્લ્સ અને રાણી કૅમિલાના રાજ્યાભિષેકનાં થોડાં સપ્તાહ બાદ ખૂલશે. ધ ક્રાઉન જ્વેલ્સ એ બ્રિટનની રાજાશાહીનાં સૌથી શક્તિશાળી પ્રતીક છે. આ ઉપરાંત અન્ય કુલિનન હીરા વિશે પણ જણાવવામાં આવશે, જેમાં એના પ્રથમ કટ માટે જે હથોડી અને કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એને પણ પ્રદર્શિત કરવામાં આવશે.