શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ગુજરાતનો પહેલો બ્લુ ફ્લેગ બીચ બન્યો છે અને આ બીચ ભગવાન શ્રી દ્વારકાધીશની નગરી દ્વારકાથી માત્ર 12 કિમીના અંતરે આવેલો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ તેમના પરિવાર સાથે અહીં આવે છે અને તેમની રજાઓનો આનંદ માણે છે. ગુજરાત ટુરીઝમ અને ભારત સરકારના સંયુક્ત પ્રયત્નોથી આ બીચનો વધુ વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેથી મુલાકાત લેનાર દરેક લોકોને બીચનો સંપૂર્ણ આનંદ મળે. શિવરાજપુર બીચને 2020માં બ્લુ ફ્લેગ બીચનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. બ્લુ ફ્લેગ બીચ એવોર્ડ વિવિધ પાસાઓને આવરી લેતા 32 વિવિધ માપદંડોના પાલન કર્યા બાદ આપવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ ડેનમાર્કમાં હેડ-ક્વોટર બેસ ધરાવતી એક બિન-સરકારી, બિન-લાભકારી સંસ્થા, FEE દ્વારા માલિકી ધરાવતો અને સંચાલિત અગ્રણી આંતરરાષ્ટ્રીય ઇકો-સર્ટિફિકેશન પ્રોગ્રામ છે.