અંબાજીના ચાચર ચોકમાં આવું પહેલી વાર બન્યું છે કે એકસાથે ૧૧૧૧ દીકરીઓનું પૂજન થયું હોય
આ બાળાઓનું પૂજન કરીને તેમને ભોજન પણ કરાવ્યું હતું. સમાજના અગ્રણીઓ સહિત ૧૫૦ જણની ટીમે બાળાઓનું પૂજન કર્યું હતું.’
ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં નોરતાંના પાવન અવસરે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા ૧૧૧૧ બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતુ. અંબાજીના ચાચર ચોકમાં આવું પહેલી વાર બન્યું છે કે એકસાથે ૧૧૧૧ દીકરીઓનું પૂજન થયું હોય. આટલી મોટી સંખ્યામાં દીકરીઓનું પૂજન થતાં એને વર્લ્ડ બુક ઑફ રૅકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાજ દ્વારા અંબાજી અને આસપાસનાં ગામોમાંથી ૧૧૧૧ બાલિકાઓને બોલાવી તેમને ચાચર ચોકમાં સન્માનપૂર્વક બેસાડીને પૂજન કરવામાં આવ્યું હતું. દરેક દીકરીને શૃંગાર કિટ તેમ જ ચણિયાચોળી આપવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં આવું પહેલી વાર બન્યું છે કે એકસાથે ૧૧૧૧ બાળાઓને અંબાજીના ચાચર ચોકમાં લાવીને તેમનું પૂજન-સન્માન થયું હોય. આ બાળાઓનું પૂજન કરીને તેમને ભોજન પણ કરાવ્યું હતું. સમાજના અગ્રણીઓ સહિત ૧૫૦ જણની ટીમે બાળાઓનું પૂજન કર્યું હતું.’


