રાહુલ ગાંધીએ આણંદમાં યોજેલા ગુજરાતના નવનિયુક્ત જિલ્લાપ્રમુખોના ક્લાસમાં કરી હાકલ
રાહુલ ગાંધી
ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે મધ્ય ગુજરાતના આણંદમાં ગુજરાતના નવનિયુક્ત જિલ્લાપ્રમુખોના ક્લાસ લીધા હતા અને લોકોની વચ્ચે જઈને લોકોનો અવાજ બનવા અને પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી.
સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત કૉન્ગ્રેસના નવનિયુક્ત જિલ્લાપ્રમુખો માટે આણંદમાં ગઈ કાલથી ત્રણ દિવસ માટે આયોજિત પ્રશિક્ષણ શિબિરને રાહુલ ગાંધીએ ખુલ્લી મૂકી હતી. ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ આ શિબિરમાં કહ્યું હતું કે ગુજરાતમાં કૉન્ગ્રેસનું સંગઠન બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે. નવા લોકોને સંગઠનમાં કામ કરવાની તક આપવાની છે. લોકો હેરાન થાય છે ત્યારે લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નો ઉઠાવી બધાને સાથે જોડી ન્યાયની લડાઈ લડાય એ હેતુ સાથે સંગઠનને વેગવંતું બનાવવું છે. ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ પ્રશ્ન માટે જ્યાં પણ કોઈને અન્યાય થાય, અત્યાચાર થાય એનો અવાજ બનવાનું કામ કૉન્ગ્રેસનું સંગઠન કરશે. ગુજરાતના લોકોની લડાઈ લડવા માટે કૉન્ગ્રેસનો કાર્યકર સક્ષમ બનશે, સક્રિય બનશે અને લડાઈમાં રાહુલ ગાંધી સહિત કૉન્ગ્રેસનું નેતૃત્વ ગુજરાત માટે તત્પર રહેશે.’
ADVERTISEMENT
દૂધ-સંઘો, પશુપાલકો સાથે બેઠક યોજી; ગંભીરા બ્રિજના અસરગ્રસ્તોને પણ મળ્યા
પ્રશિક્ષણ શિબિર બાદ રાહુલ ગાંધીએ ગુજરાતના દૂધ-સંઘો અને તેમની સાથે જોડાયેલા સભાસદો તથા પશુપાલકો સાથે બેઠક યોજી હતી, જેમાં પશુપાલકોએ પોતાના પ્રશ્નોની રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાજેતરમાં ગુજરાતમાં બનેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોએ પણ રાહુલ ગાંધીને મળીને તેમની વ્યથા રજૂ કરી હતી. રાહુલ ગાંધીએ રજૂઆત સાંભળીને તેમને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ અકસ્માતના અસરગ્રસ્તો પાસે પાસ નહીં હોવાથી પોલીસે પહેલાં સલામતીના કારણોસર મળવા ન દીધા. જોકે બાદમાં રાહુલ ગાંધીને મળી શક્યા હતા.


