પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Summit)ના 20 વર્ષ પૂરા થતાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો
ફાઇલ તસવીર
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Summit)ના 20 વર્ષ પૂરા થતાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “20 વર્ષ પહેલાં આપણે એક નાનું બીજ વાવ્યું હતું, આજે તે આટલું વિશાળ વટવૃક્ષ બની ગયું છે. વર્ષો પહેલા મેં કહ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગની ઈવેન્ટ નથી, પરંતુ તેનાથી પણ વધુ એ બોન્ડિંગની ઈવેન્ટ છે. આ બંધન મારી સાથે અને ગુજરાતના સાત કરોડ નાગરિકો અને તેમની ક્ષમતાઓ સાથે જોડાયેલું છે.”
‘ગુજરાતને વિશ્વમાં બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું’
ADVERTISEMENT
પીએમએ કહ્યું કે, “તે સમયે પણ જેઓ એજન્ડા લઈને જતા હતા તેઓ પોતાની રીતે ઘટનાઓનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત હતા. ગુજરાતમાંથી યુવાનો, ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગો તમામ સ્થળાંતર કરશે તેમ જણાવાયું હતું. ગુજરાતને વિશ્વમાં બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ગુજરાત કયારેય પોતાના પગ પર ઊભું નહીં રહી શકે તેમ જણાવ્યું હતું. એ કટોકટીમાં મેં સંકલ્પ કર્યો હતો કે સંજોગો ગમે તે હોય, હું ગુજરાતને તેમાંથી બહાર કાઢીશ.”
પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ કહ્યું કે “આજે મને સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવી રહ્યા છે. દરેક કાર્યને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે, પહેલા લોકો તેની મજાક ઉડાવે છે, પછી તેનો વિરોધ કરે છે, પછી તે સ્વીકારે છે. 2001ના પ્રચંડ ભૂકંપ પહેલાં પણ ગુજરાત લાંબા સમયથી દુષ્કાળથી પીડાતું હતું. લાખો લોકો ભૂકંપથી પ્રભાવિત થયા હતા. દરમિયાન, બીજી ઘટના બની, ગોધરાની હ્રદયદ્રાવક ઘટના અને તે પછી ગુજરાત હિંસાની જ્વાળાઓમાં ભડક્યું.”
રોકાણકારોને ધમકાવવામાં આવ્યા
કૉંગ્રેસ (Congress) પર પ્રહાર કરતાં પીએમએ કહ્યું કે, “સહકાર ભૂલી જાઓ, તેઓ અવરોધો બનાવવામાં વ્યસ્ત છે. વિદેશી રોકાણકારોને ગુજરાતમાં ન જવાની ધમકી આપવામાં આવી હતી. આટલી ધાકધમકી છતાં વિદેશી રોકાણકારો ગુજરાતમાં આવ્યા જ્યારે અહીં ગુજરાતમાં તેમને કોઈ ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું ન હતું કારણ કે તેમને અહીં સુશાસન અને પારદર્શક સરકારનો અનુભવ થયો હતો. વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે ગુજરાતમાં એટલી મોટી હૉટેલો પણ નહોતી કે જ્યાં આટલા વિદેશી મહેમાનોના રોકાણની વ્યવસ્થા કરી શકાય. તે સમયે યુનિવર્સિટીના ગેસ્ટહાઉસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હું જૂની યાદોમાં ખોવાઈ ગયો છુંઃ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, “આજે હું 20 વર્ષ નાનો બની ગયો છું. એ જૂની યાદોમાં ખોવાઈ ગયો છું. તે ભયાનક દિવસોમાંથી ગુજરાત કેવી રીતે ઊભરી આવ્યું અને આજે ક્યાં પહોંચી ગયું છે? જીવનમાં આનાથી મોટો સંતોષ શું હોય શકે?”


