અમદાવાદમાં ગઈ કાલે યોજાયેલા અભિવાદન સમારોહમાં આમ કહીને વડા પ્રધાને કહ્યું કે આ કાયદાની તાકાતથી બેટીઓ વધુ સંખ્યામાં વિધાનસભા અને સંસદભવનમાં પહોંચશે
અમદાવાદ ઍરપોર્ટ પાસે આયોજિત સમારોહમાં અભિવાદન ઝીલતા વડા પ્રધાન
દેશની સંસદસભામાં મહિલાઓ માટેનું ૩૩ ટકા અનામત બિલ પાસ થયા બાદ પહેલી વાર ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘નારી શક્તિ વંદન અધિનિયમ મારી બહેનોના અધિકારોની ગૅરન્ટી આપશે, મારી બહેનોનાં સપનાંઓ પૂરાં થવાની ગૅરન્ટી છે, નારીશક્તિના સામર્થ્યનું સન્માન છે. ભારતના વિકાસની વિકસિત ભારતની પણ ગૅરન્ટી છે. જલદીથી આ કાનૂનની તાકાતથી આ દેશની બેટીઓ વધુ સંખ્યામાં વિધાનસભા અને સંસદસભામાં પણ પહોંચશે.’
ગઈ કાલે સાંજે અમદાવાદ આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન માટે ઍરપોર્ટ પાસે નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતમાંથી હજ્જારોની સંખ્યામાં બીજેપીની મહિલા-કાર્યકરો, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સાથે ઊભા રહીને સ્ટેજ સુધી ગયા હતા. આ દરમ્યાન બીજેપીની હજ્જારો મહિલાઓએ તેમનું અભિવાદન કર્યું હતું.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ મહિલાઓનો આભાર માનતાં તેમ જ અભિનંદન આપીને કહ્યું હતું કે ‘તમારા ભાઈએ વધુ એક કામ દિલ્હીમાં કર્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ એટલે વિધાનસભાથી લઈને લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધિત્વ મળે, પ્રતિનિધિત્વ વધે એ મોદીની ગૅરન્ટી.’ નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષો સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘આ આપની વધતી તાકાત છે કે નારી શક્તિ અધિનિયમ સંસદમાં રેકૉર્ડ મતોથી પાસ થયું છે. જે લોકોએ દશકો સુધી આને લટકાવીને રાખ્યું હતું તેમને પણ તમારા ડરથી જ એનું સમર્થન કરવા માટે મજબૂર થવું પડ્યું છે.’

