મારું સદ્ભાગ્ય છે કે આજે દેશની જનતાએ અને ગુજરાતે મને ત્રીજી વખત વડા પ્રધાન તરીકે સેવા કરવાનો અવસર આપ્યો અને એ પછી મારી આ સુરતની પહેલી મુલાકાત છે
સુરતમાં ગઈ કાલે રોડ-શો દરમ્યાન નરેન્દ્ર મોદી અને તેમનાં માતા હીરાબાનો સ્કેચ લઈને એક યુવાન ઊભો હતો. વડા પ્રધાને તેના સ્કેચ પર ઑટોગ્રાફ આપ્યા એને પગલે તે ભાવવિભોર થઈ ગયો હતો.
નરેન્દ્ર મોદીએ સુરતમાં આમ કહીને ગરીબ વર્ગને સશક્ત કરવા માટે તેમની સરકાર મિશન મોડ પર રહીને કેવાં-કેવાં કામ કરી રહી છે એની વાત માંડી : સુરતમાં ત્રણ કિલોમીટરનો રોડ-શો યોજ્યો, ઠેર-ઠેર લોકો ઊમટ્યા ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સુરતમાં કહ્યું હતું કે જેમને કોઈએ ન પૂછ્યા તેમને મોદીએ પૂજ્યા છે.
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પહેલાં સેલવાસમાં વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાર બાદ સુરત આવ્યા હતા. ત્યાં હેલિપૅડથી લિંબાયત સભાસ્થળ સુધી અંદાજે ત્રણ કિલોમીટરનો રોડ-શો યોજાયો હતો જેમાં નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકો ઊમટ્યા હતા. સુરતના લિંબાયતમાં સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તીકરણ અભિયાન હેઠળ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજિત બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્ય અનાજનું વિતરણ કરવાનો કાર્યક્રમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળપ્રધાન સી. આર. પાટીલ, ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાનમંડળના સભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું...
મારું સદ્ભાગ્ય છે કે આજે દેશની જનતાએ અને ગુજરાતે મને ત્રીજી વખત વડા પ્રધાન તરીકે સેવા કરવાનો અવસર આપ્યો અને એ પછી મારી આ સુરતની પહેલી મુલાકાત છે. ગુજરાતે જેને ઘડ્યો તેને દેશે વહાલથી અપનાવ્યો. હું હંમેશાં આપના સૌનો ઋણી છું જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
સુરત અનેક મામલામાં ગુજરાતનું, દેશનું એક અગ્રણી શહેર છે. સુરત આજે ગરીબોને, વંચિતોને ભોજન અને પોષણની સુરક્ષા આપવા માટેના મિશનમાં પણ આગળ નીકળી રહ્યું છે. સુરતમાં ખાદ્ય સુરક્ષા અભિયાન ચલાવ્યું એ આ દેશના બીજા જિલ્લા માટે પણ પ્રેરણા બનશે.
આ અભિયાન સુનિશ્ચિત કરે છે કે ન કોઈ ભેદભાવ, ન કોઈ છૂટે, ન કોઈ રૂઠે અને ન કોઈ કોઈને ઠગે. જ્યારે સરકાર જ લાભાર્થીના દરવાજે જાય છે તો કોઈ છૂટશે કેવી રીતે અને કોઈ છૂટે નહીં તો રૂઠશે પણ નહીં અને જ્યારે વિચાર એ હોય કે બધાને લાભ પહોંચાડવાનો છે તો ઠગનારા પણ દૂર ભાગી જાય છે.
અહીં પ્રશાસને સવાબે લાખથી વધુ નવા લાભાર્થીઓની ઓખળ કરી છે. એમાં બુઝુર્ગ માતા-બહેનો, વિધવા માતા-બહેનો, દિવ્યાંગોને જોડ્યાં છે. આ પરિવારોને મફત રૅશન મળશે, પોષક ખાવાનું મળશે. હું બધા લાભાર્થીઓને વધાઈ આપું છું.
બધાએ એક કહેવત સાંભળી હશે - રોટી, કપડા ઔર મકાન. એટલે કે રોટીનું મહત્ત્વ કપડાં અને મકાન બન્નેથી ઉપર છે. પાછલાં વર્ષોમાં અમારી સરકારે જરૂરતમંદ લોકોની રોટીની ચિંતા કરી છે, ભોજનની ચિંતા કરી છે. ગરીબના ઘરમાં ચૂલો ન સળગે, સંતાનો આંસુ પીને સૂઈ જાય એ ભારતને મંજૂર નથી અને એટલે રોટલો અને ઓટલો. વિકસિત ભારતયાત્રામાં પૌષ્ટિક ભોજનની મોટી ભૂમિકા છે.
આજે અમને સંતોષ છે કે અમારી સરકાર ગરીબોની સાથી બનીને સેવકના ભાવથી તેમની સાથે ઊભી છે. આજે અમારી મફત રૅશનની યોજનાએ કરોડો લોકોનું જીવન આસાન કર્યું છે. આજે અસલી હકદારને તેના હકનું પૂરું રૅશન મળી રહ્યું છે, પણ ૧૦ વર્ષ પહેલાં સુધી આ સંભવ નહોતું. તમે કલ્પના કરી શકો છો કે આપણા દેશમાં પાંચ કરોડથી વધુ ભૂતિયા રૅશનકાર્ડધારક હતા. આ પાંચ કરોડ ભૂતિયા નામોને સિસ્ટમથી હટાવ્યાં. રૅશનથી જોડાયેલી આખી વ્યવસ્થાને આધારકાર્ડથી લિન્ક કરી.
જ્યારે સાચી નીયત સાથે નીતિ બને છે તો એનો ફાયદો ગરીબને જરૂર મળે છે. છેલ્લા વીતેલા દસકામાં ગરીબને સશક્ત કરવા મિશન મોડ પર કામ કર્યું છે, ગરીબની આસપાસ એક કવચ બનાવ્યું છે, કેમ કે તેને હાથ ફેલાવવાની નોબત ન આવે.
પહેલી વાર લગભગ ૬૦ કરોડ ભારતીયોને પાંચ લાખ રૂપિયા સુધીનો મફત ઇલાજ સુનિશ્ચિત થયો. લાઇફ ઇન્શ્યૉરન્સ અને ઍક્સિડન્ટ ઇન્શ્યૉરન્સ માટે ગરીબ પરિવાર વિચારી જ નહોતો શકતો. અમારી સરકારે ગરીબને, નિમ્ન મધ્યમ વર્ગને વીમાસુરક્ષાનું કવચ આપ્યું. આજે દેશના ૩૬ કરોડથી વધુ લોકો સરકારી વીમા યોજના સાથે જોડાયેલા છે. જેમને કોઈએ ન પૂછ્યા તેમને મોદીએ પૂજ્યા છે.
તમે એ દિવસ યાદ કરો, ગરીબને કોઈ કામ શરૂ કરવું હતું તો તેને બૅન્કના દરવાજા સુધી ઘૂસવા નહોતા દેતા. ગરીબ પાસે ગૅરન્ટી માગતા. ગરીબ ગૅરન્ટી ક્યાંથી લાવે? ગરીબને ગૅરન્ટી કોણ આપે? ગરીબ માતાના બેટાએ નક્કી કર્યું કે દરેક ગરીબની ગૅરન્ટી મોદી આપશે. મોદીએ આવા ગરીબની ગૅરન્ટી ખુદ લીધી અને મુદ્રા યોજના શરૂ કરી. આજે મુદ્રા યોજનાથી લગભગ ૩૨ લાખ કરોડ રૂપિયા વિના ગૅરન્ટીએ આપ્યા છે. મોદીએ ગૅરન્ટી લીધી છે.
સેલવાસમાં જનમેદનીને નરેન્દ્ર મોદીનો સવાલ : તમે બોલો, ૧૦ ટકા તેલ ઓછું વાપરવાનું વચન આપો છો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં ૨૫૮૦ કરોડ રૂપિયાથી વધુ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં જેમાં સેલવાસમાં ૪૬૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલી ૪૫૦ બેડની નમો હૉસ્પિટલના ફેઝ-વનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સેલવાસમાં નરેન્દ્ર મોદીએ મેદસ્વિતા વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘આ શરીરનું વજન વધ્યા કરે ને જાડા-જાડા થતા જઈએ એમાંથી બચવા માટે એક નાનકડો ઉપાય છે. આપણે બધાએ ખાવાના તેલમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાનો છે. દર મહિને ૧૦ ટકા ઓછા તેલમાં કામ ચલાવવાનો પ્રયાસ કરવાનો છે. બોલો, ૧૦ ટકા તેલ ઓછું વાપરવાનું વચન આપો છો? જાડાપણું ઓછું કરવાની દિશામાં આ એક બહુ મોટું પગલું હશે. એ સિવાય આપણે એક્સરસાઇઝને જીવનનો હિસ્સો બનાવવો પડશે. જો તમે દરરોજ અમુક કિલોમીટર ચાલી શકો તો મોટો ફાયદો થશે.’

