પાલિતાણાના શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન, વૉચ-ટાવર અને ટ્રૅકિંગ દ્વારા સિંહોની અવરજવર પર રખાશે નજર
ફાઇલ તસવીર
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને જૈન તીર્થ પાલિતાણામાં આવેલા શેત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઈ સિંહોની અવરજવર જોવા મળે છે ત્યારે હવે ગુજરાત સરકાર ત્યાં યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રૉન અને વૉચ-ટાવર સહિતની સુવિધા ઊભી કરશે.
યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગરમાં ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના પ્રધાન પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનો સાથે મંગળવારે બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘પાલિતાણાના શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ, ૪ વૉચ-ટાવર, ૪ સેન્ટર કમ કૅબિન તેમ જ સતત ટ્રૅકિંગ–સ્કૅનિંગ દ્વારા સિંહોની અવરજવર પર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ વિસ્તારને સાઇલન્ટ ઝોન તરીકે જાહેર કરવા માટે પણ વિચારણા કરવામાં આવશે. સિંહોના ટ્રૅકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે. યાત્રામાર્ગનું સમારકામ પણ કરવામાં આવશે જેથી યાત્રાળુઓને ચાલવામાં વધુ સુગમતા રહે. આ માટે વનવિભાગના અધિકારીઓને સૂચના આપી છે.’
