મંગળવારના ભયંકર રોડ-અકસ્માત પછી સ્થાનિક રહેવાસીઓની ટ્રાફિક-સુરક્ષાનાં પગલાં લેવાની માગણી
મંગળવારે માટુંગાના આંબેડકર રોડ પર બનેલો કાર-અકસ્માતનો બનાવ, ફ્લાયઓવર નીચેના ગાર્ડનની તૂટી ગયેલી દીવાલ અને નુકસાન પામેલી કાર.
માટુંગાના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર દિન-પ્રિતિદિન રૅશ ડ્રાઇવિંગના કેસો વધી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ કહે છે કે આને કારણે બાળકો, મહિલાઓ, સિનિયર સિટિઝનો અને અન્ય રાહદારીઓ માટે આ રસ્તો જોખમી બની ગયો છે. મંગળવારે બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બનેલા એક કાર-અકસ્માતને પગલે સ્થાનિક સિનિયર સિટિઝન રહેવાસીએ રાહદારીઓની સુરક્ષા સામે ચિંતા વ્યકત કરીને માટુંગા પોલીસ, ટ્રાફિક-પોલીસ અને મહાનગરપાલિકાને લેખિતમાં ફરિયાદ કરીને આંબેડકર રોડ પર વાહનોની સ્પીડ પર નિયંત્રણ રાખવા માટે સ્પીડબ્રેકર અને રંબલ સ્ટ્રિપ્સ લગાડવાની માગણી કરી છે.

સંજય ઠક્કર
ADVERTISEMENT
મંગળવારના રોડ-અકસ્માતના પ્રત્યક્ષદર્શી સંજય ઠક્કરે આ બનાવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે ૨૦ ઑક્ટોબરે બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્યે હું પોતાની કારમાં આંબેડકર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી આગળ એક ડિલિવરી-રાઇડર સ્કૂટર પર જઈ રહ્યો હતો. એ દરમ્યાન જમણી બાજુથી ફુલ સ્પીડમાં આવી રહેલી એક કાર સ્કૂટર સાથે અથડાઈ હતી જેને કારણે સ્કૂટર-રાઇડર છ ફુટ ઊંચે હવામાં ઊછળ્યો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ બેફામ કાર ફ્લાયઓવર બ્રિજ નીચેના ગાર્ડનની અંદાજે ૪ ફુટ ઊંચી લોખંડની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગયા પછી ૬ વખત પલટી ખાઈને બે સ્કૂટી અને એક ટૅક્સી સાથે અથડાઈ હતી. જોકે કારમાં બેઠેલા પાંચ યુવાનો બચી ગયા હતા. તેમણે જાતે જ તેમની કારને સીધી કરી હતી. આ સમગ્ર ઘટનાને લીધે ત્યાં અત્યંત ભયાનક અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. આ દૃશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય એવી પરિસ્થિતિ હતી. થોડા સમય પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.’ આંબેડકર રોડ પરના તેજુકાયા પાર્કના રહેવાસી સંજય ઠક્કરે વધુમાં કહ્યું હતું કે ‘મંગળવારના આ બનાવ પછી સ્થાનિક રહેવાસીઓની રૅશ-ડ્રાઇવરો સામે ઍક્શન લેવાની અને રાહદારીઓની સુરક્ષાની માગણીએ જોર પકડ્યું છે. આંબેડકર રોડ પર ૨૪ કલાક વાહનોની અવરજવર રહે છે. આવા માર્ગ પર વાહનોની ઝડપને નિયંત્રિત કરવા અને રાહદારીઓની સુરક્ષા વધારવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે. આથી જ ગઈ કાલે આ બાબતની માટુંગાની પોલીસ, ટ્રાફિક-વિભાગ અને મહાનગરપાલિકા પાસે લેખિતમાં રજૂઆત કરીને તેમની પાસે અમારા વિસ્તારના અકસ્માતોની સ્ટડી કરીને સ્પીડબ્રેકર અને રંબલ સ્ટ્રિપ્સ લગાવવાની માગણી કરી છે જેનાથી રાહદારીઓની સુરક્ષામાં સુધારો લાવવામાં મદદ મળી શકે.’
