ગાંધી જયંતી આંતરરાષ્ટ્રીય અહિંસા દિન નિમિત્તે ગઈ કાલે અમદાવાદના સાબરમતી આશ્રમમાં મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં પ્રમુખ ઉષા ઠક્કરના સાંનિધ્યમાં સર્વ ધર્મ પ્રાર્થનાસભા યોજાઈ

મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં પ્રમુખ ઉષા ઠક્કર ગઈ કાલે અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહ્યાં હતાં (તસવીર : જનક પટેલ)
ગુજરાતના અમદાવાદમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં ગઈ કાલે ગાંધી જયંતી નિમિત્તે અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેલાં મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં અધ્યક્ષ ઉષા ઠક્કરે સૂચક રીતે કહ્યું હતું કે ‘ગાંધીજીનું વ્યક્તિત્વ ગતિશીલ, વિકાસશીલ છે અને બહુઆયામી છે. તેઓ રાજનીતિમાં રહ્યા, પણ નીતિનો માર્ગ અપનાવ્યો હતો. તેઓ ક્રાન્તિકારી હતા, પણ પૂર્ણરૂપથી અહિંસક હતા.’
ગાંધી જયંતી આંતરરાષ્ટ્રીય અહિંસા દિન નિમિત્તે ગઈ કાલે અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં પ્રમુખ ઉષા ઠક્કરના સાંનિધ્યમાં સર્વ ધર્મ પ્રાર્થનાસભા યોજાઈ હતી, જેમાં સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટના અગ્રણીઓ, હોદ્દેદારો, કર્મચારીઓ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી જયંતી પ્રસંગે બાપુને નમન કરવા શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો આશ્રમમાં ઊમટ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી બાપુના જીવનને જાણવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ગાંધી જયંતી નિમિત્તે સાબરમતી આશ્રમમાં પોસ્ટ વિભાગ દ્વારા સ્પેશ્યલ ખાદીનાં પોસ્ટકાર્ડ લૉન્ચ કર્યાં હતાં.
ADVERTISEMENT
મુંબઈ સાથે ગાંધીજીની જોડાયેલી યાદોને વાગોળતાં તેઓએ કહ્યું હતું કે ‘સત્યાગ્રહ પ્રતિજ્ઞાનો સત્યાગ્રહ આશ્રમમાં થયો, પણ એનું પરિણામ જોવા મળ્યું મુંબઈમાં. પ્રથમ દેશવ્યાપી સત્યાગ્રહનો શંખનાદ ૬ એપ્રિલ ૧૯૧૯માં મુંબઈના ચોપાટીના સમુદ્રતટ પર થયો હતો.’
ગાંધી જયંતી નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં આવ્યા હતા
રીડેવલપમેન્ટમાં ગાંધી વિચારો સચવાય એ જરૂરી
ગુજરાતના અમદાવાદમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમનું રીડેવલપમેન્ટ થવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે ગઈ કાલે ગાંધી જયંતી પ્રસંગે સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટના અમૃત મોદીએ પ્રાર્થનાસભામાં સંબોધન કરતાં રીડેવલપમેન્ટની કામગીરીને લઈને માર્મિક રીતે કહ્યું હતું કે ‘કામ કરવા જેવું છે, પણ એની સાથે ગાંધીજીના મૂળભૂત વિચારો પ્રમાણે આશ્રમની સ્થાપના-રચના થઈ હતી એનું કલેવર સચવાય અને સરસ રીતે આયોજન થઈ શકે એ વિચારવાનું છે.

