કેજરીવાલે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં જણાવ્યું કે ‘હું ચૈતરભાઈ વસાવાને મળવા ગુજરાત આવ્યો છું.
અરવિંદ કેજરીવાલ
અમદાવાદ : આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધતાં અરવિંદ કેજરીવાલે લોકસભાની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું છે કે ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડશે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ‘ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જો ષડ્યંત્ર રચીને ચૈતર વસાવાને જેલમાંથી બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી લોકસભાની ચૂંટણી લડશે.’
કેજરીવાલે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં જણાવ્યું કે ‘હું ચૈતરભાઈ વસાવાને મળવા ગુજરાત આવ્યો છું. આવતી કાલે તેમને મળવા રાજપીપળા જેલમાં જવાનો છું. ચૈતરભાઈ મારા નાના ભાઈ જેવો છે. મને આજે એ વાતનું સૌથી વધુ દુઃખ લાગી રહ્યું છે કે આજે ચૈતર વસાવાનાં પત્ની પણ જેલમાં છે. આ લોકોએ સમાજનાં વહુને પણ જેલમાં મોકલ્યાં છે અને એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. શું આદિવાસી સમાજ આ અપમાનનો બદલો લેશે ને નહીં?’

