Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગાંધીજીની વસ્તુઓ અમને ઝટ પાછી આપોઃ યુકેના પીએમ સમક્ષ માગણી

ગાંધીજીની વસ્તુઓ અમને ઝટ પાછી આપોઃ યુકેના પીએમ સમક્ષ માગણી

22 April, 2022 08:53 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

યુકેના વડા પ્રધાન બૉરિસ જૉનસને અમદાવાદમાં આવેલા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, બ્રિટિશ આર્કાઇવમાં રહેલી ગાંધીજીનાં લખાણો સહિતની વસ્તુઓ સાબરમતી આશ્રમને આપવાની માગણી થઈ

સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલ ચડાવીને બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉનસને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. એ સમયે તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ હાજર હતા.

સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલ ચડાવીને બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉનસને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. એ સમયે તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ હાજર હતા.


મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા સાબરમતી આશ્રમની મુલાકાતે આવેલા યુકેના વડા પ્રધાન બૉરિસ જૉનસન સમક્ષ બ્રિટિશ આર્કાઇવમાં રહેલી ગાંધીજીનાં લખાણો સહિતની વસ્તુઓ સાબરમતી આશ્રમને આપવા માટે સાબરમતી આશ્રમે પ્રસ્તાવ કર્યો હતો જેનો તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

બૉરિસ જૉનસને ગઈ કાલે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને ગાંધીબાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવાની સાથે તેઓ ગાંધીજીની પ્રતીમા સમક્ષ નતમસ્તક થયા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ સાથે તેમણે હૃદયકુંજ, અમદાવાદ ગૅલરી સહિત આશ્રમમાં આવેલા વિભાગોની મુલાકાત લીધી હતી.
સાબરમતી આશ્રમના ડિરેક્ટર અતુલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગાંધીબાપુનાં હસ્તલિખિત લખાણો, બાપુ વિશે લખાયેલાં લખાણો, જેલર સહિતના લોકોએ બાપુને લખેલાં લખાણો સહિતની ગાંધીજીની જે વસ્તુઓ બ્રિટિશ આર્કાઇવમાં હોય એ લેવાની વાત છે. બાપુની હસ્તલિખિત લખાણો સહિતની વસ્તુઓ જે આશ્રમ પાસે નથી અને બ્રિટિશ આર્કાઇવમાં હોઈ શકે છે એવી વસ્તુઓ સાબરમતી આશ્રમને મળી શકે એ માટે બૉરિસ જૉનસનને ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એને માટે તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.’
બૉરિસ જૉનસને સાબરમતી આશ્રમમાં આવેલી અમદાવાદ ગૅલરીની મુલાકાત લીધી ત્યારે એમાં સૉલ્ટ માર્ચની વિગતો જોઈને આશ્ચર્ય પામ્યા હતા અને મીઠા પર નાખવામાં આવેલા ટૅક્સની બાબત જાણીને બૉરિસ જૉનસન બોલી ઊઠ્યા, ‘મીઠા પર આટલો ટૅક્સ નાખ્યો હતો કે એનો વિરોધ કરવો પડ્યો.’



આ ઉપરાંત સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડીયાત્રા ૨૪ દિવસમાં પૂરી કરી હતી એનો નકશો જોઈને તેઓ બોલી ઊઠ્યા હતા કે બાપુ આટલે દૂર સુધી ચાલ્યા હતા? ૬૧ વર્ષના હતા ત્યારે આટલું ઝડપથી ચાલતા હતા? તેમણે ચંપારણ્ય સત્યાગ્રહનો ઇશ્યુ શું હતો એની વિગતો જાણવામાં રસ લીધો હતો.


સાબરમતી આશ્રમે હૅન્ડમેડ પેપર સાથેનું અનપબ્લિશ્ડ પુસ્તક ‘ગાઇડ ટુ લંડન’ ગિફટ કર્યું 

યુકેના વડા પ્રધાન બૉરિસ જૉનસન ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા હોવાથી તેમને સ્પેશ્યલ ગિફટ આપવામાં આવી હતી.સાબરમતી આશ્રમના ડિરેક્ટર અતુલ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ૧૮૯૩માં ગાંધીજીએ લખેલી ‘ગાઇડ ટુ લંડન’ બુક, મેડલિન સ્લેડ ઉર્ફે મીરાબહેનની બુક ‘સ્પિરિટ્સ પિલગ્રીમેજ’ તેમ જ ‘ગાંધી ઇન અમદાવાદ’ પુસ્તક ગિફ્ટ કરવામાં આવ્યું હતુ. ગાંધીજીએ લખેલું ‘ગાઇડ ટુ લંડન’ પુસ્તક પબ્લિશ થયું નથી, પણ કલેક્ટેડ વર્ક્સમાં આ બુક છે. આ ઉપરાંત મીરાબહેનનું પુસ્તક પણ ઉપલબ્ધ ન હોવાથી આ બન્ને પુસ્તકોની એક-એક કૉપી નવજીવન પ્રેસમાં ખાસ છપાવી હતી. આ બન્ને પુસ્તકોનું કવર-પેજ ખાદી પેપરનું હૅન્ડમેડ છે. આ પુસ્તકો આપવા પાછળનું કારણ એ હતું કે બાપુની આત્મકથા બધે અવેલેબલ છે એટલે અમારે એવું કંઈક પુસ્તક આપવું હતું જે રેર પુસ્તક હોય. ‘ગાઇડ ટુ લંડન’ પુસ્તક આપવા માટે આશ્રમની ટીમે એક અઠવાડિયું મહેનત કરી હતી. આ પુસ્તકમાં ગાધીજીએ લંડનની રહેણીકરણી, બ્રિટિશ એટીકેટ, ત્યાનું કલ્ચર, કેવી રીતે ત્યાં સેટ થવું, ખર્ચ કેટલો થશે, વેધર કેવું છે સહિતની વિગતો આલેખી છે. જે ભારતીય વિદ્યાર્થીઓ એ જમાનામાં ત્યાં જતા તેમને માટે આ પુસ્તક હતું.


૧૯૭૮માં બ્રિટનના વડા પ્રધાન જેમ્સ કેલહને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી

સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર બૉરિસ જૉનસન બ્રિટનના બીજા વડા પ્રધાન બન્યા છે. આ પહેલાં ૧૯૭૮ની ૧૦ જાન્યુઆરીએ બ્રિટનના વડા પ્રધાન જેમ્સ કેલહને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. બૉરિસ જૉનસને ગઈ કાલે સાબરમતી આશ્રમમાં ખાસ્સો સમય વિતાવ્યો હતો અને ગાંધીજી વિશે અને તેમના આશ્રમ વિશે માહિતી મેળવી હતી. ખાસ કરીને તેમણે આશ્રમમાં આવેલી અમદાવાદ ગૅલરી રસપૂર્વક નિહાળી હતી અને એમાં અડધો કલાક પસાર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2022 08:53 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK