રાજસ્થાન પછી હવે ગુજરાતમાં રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યા જૈન સંત : બારડોલી તરફ વિહાર કરીને જઈ રહેલા અભિનંદન મુનિ મહારાજસાહેબને ફુલ સ્પીડમાં આવતી ટ્રકે ટક્કર મારી : જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત
અભિનંદન મુનિ મહારાજસાહેબ
ચાતુર્માસ નજીક આવી રહ્યા છે ત્યારે દેશભરમાં જૈન સાધુ-સંતો તેમના જ્યાં ચાતુર્માસ નિર્ધારિત થયા છે એ સ્થાનકો-ઉપાશ્રયોમાં પહોંચવા માટે દૂર-દૂરથી પગપાળા ચાલીને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી રહ્યા છે. એ સાથે જ આ સાધુ-સંતોના રોડ-અકસ્માતોના બનાવોની પણ શરૂઆત થઈ જતાં જૈન સમાજ આ સાધુ-સંતોના સુરક્ષાના મુદ્દે ચિંતિત થઈ ગયો છે. હજી બુધવારે રાજસ્થાનના પાલી પાસે એક જૈન આચાર્યના રોડ-અકસ્માતના શોકમાંથી જૈન સમાજ બહાર આવ્યો નથી ત્યાં ગઈ કાલે ગુજરાતના સુરત અને બારડોલી વચ્ચે હાઇવે પર એક જૈન સાધુના અકસ્માતના સમાચારથી દેશભરમાં જૈન સમાજો શોકમાં ડૂબી ગયા છે.
અભિનંદન મુનિ મહારાજસાહેબ અને તેમની સાથે બીજાં ૧૧ સાધુ-સાધ્વીઓ ગઈ કાલે સવારે છ વાગ્યાની આસપાસ તેમના અનુયાયી અશોક મહેતાની કડોદરા બારડોલી રોડ પર આવેલી ફૅક્ટરીથી વિહાર કરીને બારડોલી જઈ રહ્યાં હતાં ત્યારે ફૅક્ટરીથી ચાર કિલોમીટર દૂર આવેલા દસ્તાન બ્રિજ પર ફુલ સ્પીડે આવેલી એક ટ્રક અભિનંદન મુનિ મહારાજસાહેબને ૧૦૦ ફુટ સુધી ઘસડીને લઈ ગઈ હતી.
ADVERTISEMENT
બન્ને પગ કચડી નાખ્યા
આ બાબતની માહિતી આપતાં અશોક મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અભિનંદન મુનિ અને અન્ય સાધુ-સાધ્વીઓએ હાઇવે પર આવેલી મારી ફૅક્ટરીમાં બુધવારે રાતના રાતવાસો કર્યો હતો. મારી ફૅક્ટરી સાથે અમે વિહારધામ બનાવ્યું છે જેમાં બધાં રોકાયાં હતાં. ગઈ કાલે સવારે તેઓ બારડોલી જવા નીકળ્યાં હતાં. તેમની સાથે વિહાર ગ્રુપના સ્વયંસેવકો પણ હતા. હાઇવેને લીધે બધાં છૂટાં ચાલી રહ્યાં હતાં ત્યાં અચાનક દસ્તાન બ્રિજ પાસે ફુલ સ્પીડમાં એક ટ્રક આવીને અભિનંદન મુનિને ૧૦૦ ફુટ દૂર સુધી ઘસડી ગઈ હતી. ત્યાર પછી તેમના બન્ને પગ પર ટ્રકનાં ટાયરો ફરી વળ્યાં હતાં જેમાં મુનિશ્રીના બન્ને પગ કચડાઈ ગયા હતા. સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા. સાહેબનો એક પગ તો સાવ જ કચડી નાખવામાં આવ્યો હતો. અકસ્માત કરીને ટ્રક-ડ્રાઇવર ભાગી ગયો હતો. મુનિશ્રી સાથે તેમનો અંગત સેવક પણ હતો. જોકે તે યુવાન સાહેબથી થોડા અંતરમાં ચાલતો હોવાથી બચી ગયો હતો.’
ટ્રક-ડ્રાઇવરને શોધવા પોલીસની દોડાદોડી
સાહેબના અકસ્માતથી હોહા મચી જતાં વિહાર ગ્રુપના સ્વયંસેવકો અને સાધુ-સંતો ત્યાં જમા થઈ ગયા હતા એમ જણાવતાં અશોક મહેતાએ કહ્યું હતું કે ‘અભિનંદન મુનિ તો ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા છતાં અમે તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે અમને હૉસ્પિટલના સ્ટાફે કહી જ દીધું હતું કે મુનિશ્રી બચવાના કોઈ જ ચાન્સ નથી. ટ્રક-ડ્રાઇવરને શોધવા બારડોલી પોલીસ અને અન્ય પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ દોડાદોડી શરૂ કરી દીધી છે, પરંતુ ગઈ કાલે રાત સુધી તેઓ કોઈની પણ ધરપકડ કરી શક્યા નથી. મુનિશ્રીનો યુવાન સેવક તેની સામે જ આ કારમી દુર્ઘટના જોઈને જબરદસ્ત ફફડી ગયો છે.’
સાંજના જ થયા અંતિમ સંસ્કાર
ગઈ કાલે સાંજના ચાર વાગ્યે અમે બારડોલી જૈન સંઘના નેજા હેઠળ અભિનંદન મુનિની પાલખીયાત્રા કાઢી હતી. આ સંદર્ભમાં અશોક મહેતાએ કહ્યું હતું કે ‘મુનિશ્રીની પાલખીયાત્રા અમે મહાવીર ભવન, ગાંધી રોડ, બારડોલીથી ધુલિયા રોડ પર આવેલા કેદારેશ્વર મંદિર લઈ ગયા હતા જ્યાં મુનિશ્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુનિશ્રીના ચાતુર્માસ મહારાષ્ટ્રમાં થવાના હતા.’
વિહાર કરવો અનિવાર્ય
જૈન સમાજના ક્રાન્તિકારી આચાર્ય વિમલસાગર સૂરીશ્વરજી મહારાજસાહેબે બે દિવસથી બની રહેલા સાધુ-સંતોના રોડ-અકસ્માત સામે દુઃખ વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજ આવી દુર્ઘટનામાં વિદ્વાન, હોનહાર અને પ્રભાવશાળી સાધુઓને ખોઈ રહ્યો છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. જૈન સાધુ-સંતો માટે વિહાર કરવો અનિવાર્ય છે. એને વાહનોમાં પરિવર્તિત કરવો અશક્ય છે. અકસ્માતોના ડરથી સાધુ-સંતો માટે વાહનોમાં વિહાર કરવો સાધુચારના આચારમાં આવતો નથી. સરકાર પાસે વર્ષોથી હાઇવે પર સાધુ-સંતો અને પગપાળા તીર્થોમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે અલગ કેડીની માગણી કરવામાં આવી છે. સરકાર તૈયાર હોવા છતાં એના પર અમલીકરણ થતું નથી જે પણ અત્યંત દુઃખની વાત છે.’


