આંખનાં સર્જ્યન ડૉ. નમ્રતા જોશીને પતંગ ચગાવવાનો ગાંડો ક્રેઝ છે અને ૭૦ બાય ૫૦ ઇંચની મસમોટી સ્ટિંગરે કાઇટ સહિત જાત-જાતની સાઇઝ અને ડિઝાઇન્સની ૧૫ જેટલી પતંગ સાથે ભાગ લઈ રહ્યાં છે પતંગ-મહોત્સવમાં
અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ-મહોત્સવમાં ભાગ લેવા માટે મુંબઈથી આવેલાં ડૉ. નમ્રતા જોશી તેમની પતંગો સાથે. તસવીર ઃ જનક પટેલ.
પતંગનાં જબરાં ફૅન એવાં મુંબઈનાં ૫૭ વર્ષનાં આંખનાં સર્જ્યન ડૉ. નમ્રતા જોશી ગઈ કાલથી અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ-મહોત્સવમાં ભાગ લેવા માટે મુંબઈથી આવી પહોંચ્યાં હતાં અને અવનવી પતંગો ચગાવીને એન્જૉય કર્યું હતું.
બાંદરામાં રહેતાં અને કુર્લામાં આવેલી ભાભા મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ઑફ્થૅલ્મોલૉજી ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે કાર્યરત ડૉ. નમ્રતા જોશી ૭૦ બાય ૫૦ ઇંચની મસમોટી સ્ટિંગરે કાઇટ સહિત જાત-જાતની સાઇઝ અને ડિઝાઇન્સની ૧૫ જેટલી પતંગો લઈને અમદાવાદના પતંગ-મહોત્સવમાં આવ્યાં છે. ૫૭ વર્ષની ઉંમરે પણ પતંગ ચગાવવાનો શોખ ધરાવતાં ડૉ. નમ્રતા જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હું નાનપણથી પતંગ ઉડાડતી આવી છું. બાળપણથી જ મને પતંગનો ગાંડો શોખ છે. એમાં પણ કાઇટ-ફાઇટિંગ તો ખૂબ ગમે છે. બાળપણમાં મારા પપ્પા ૧૦ રૂપિયાની પતંગ લઈ આપતા હતા. એ સમયથી મને પતંગનો શોખ લાગ્યો છે એ આજે પણ પૂરો થયો નથી. તમે નહીં માનો પણ મુંબઈમાં પતંગ ચગાવવા લોકો મને બોલાવે છે અને હું જાઉં પણ છું. અમદાવાદમાં પતંગ-મહોત્સવ થાય છે એમાં હું ચાર વર્ષથી આવું છું. આ વખતે અહીં જુદાં-જુદાં સ્થળોએ પતંગ ચગાવવાની મોજ પડી જશે.’
ADVERTISEMENT
કેવા પ્રકારની પતંગો લઈને આવ્યાં છે એની વાત કરતાં ડૉ. નમ્રતા જોશીએ કહ્યું હતું કે ‘માછલી ટાઇપની સ્ટિંગ રે કાઇટ છે એ બહુ મોટી પતંગ છે, એની પૂંછડી જ ૮૪ ફુટની છે. આ સાથે હું ડેલ્ટા કાઇટ, ઈગલ કાઇટ, ફિશ કાઇટ, અૅટમ કાઇટ, ૧૦૦ મીટરની પૂંછડીવાળી કાઇટ સહિતની અલગ-અલગ પ્રકારની કાઇટ લઈને આવી છું. આ બધી કલરફુલ કાઇટ એક અલગ શેપમાં છે અને એનાથી સરસ ફીલિંગ આવે છે. મારે યામિની અને તન્વી એમ બે દીકરીઓ છે, તન્વીનાં મૅરેજ થઈ ગયાં છે. મારા હસબન્ડ ડૉ. સંજય જોશી ડેન્ટિસ્ટ છે. મારી ફૅમિલી મારા પર પ્રાઉડ ફીલ કરે છે. તેમને પતંગ ચગાવવાનો શોખ નથી, પણ મને મારા આ શોખને કારણે ક્યારેય ટોકતા નથી.’

