Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હેરિટેજ સિટી અમદાવાદની ૪૦૦ વર્ષ પુરાણી હસ્તકળા માતાની પછેડીને GI ટૅગ

હેરિટેજ સિટી અમદાવાદની ૪૦૦ વર્ષ પુરાણી હસ્તકળા માતાની પછેડીને GI ટૅગ

Published : 19 March, 2026 10:49 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુતરાઉ કાપડ પર કસબીઓ કરતા આવ્યા છે હાથથી કળાકારીગરી : મોટા ભાગે દેવીપૂજક સમાજના કસબીઓ બનાવી રહ્યા છે માતાની પછેડી

માતાની પછેડી અને માતાની પછેડી બનાવતા કસબી

માતાની પછેડી અને માતાની પછેડી બનાવતા કસબી


ચૈત્રી નવરાત્રિ આજથી શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદના પરંપરાગત કસબીઓની કળાને વૈશ્વિક ઓળખ મળી છે. ‘માતાની પછેડી’ની કળાને સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ આપવામાં આવ્યો છે. આ ટૅગ માત્ર એક લેબલ નથી પરંતુ એ મજબૂત રક્ષણ છે જે એની નકલ થતી અટકાવશે.  

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી દ્વારા કરવામાં આવેલી મહેનતના પરિણામે ‘માતાની પછેડી’ને સત્તાવાર રીતે GI ટૅગ પ્રાપ્ત થયો છે. GI ટૅગ મળતાં ૪૦૦ વર્ષ જૂની પરંપરાગત કળાને જીવંત રાખતા અંદાજે ૮૦ જેટલા કસબીઓના જીવનમાં વળાંક સાબિત થઈ શકે છે. એક જમાનામાં મૅન્ચેસ્ટર તરીકે જાણીતા થયેલા અમદાવાદ માટે  ‘માતાની પછેડી’ને મળેલો GI ટૅગ વિશ્વના નકશા પર પ્રાચીન હસ્તકળાના રક્ષક તરીકે એની સ્થિતિને વધુ મજબૂત કરશે. 



‘માતાની પછેડી’ એની સ્થાપત્ય અને કલાત્મક વિશિષ્ટતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવે છે. ૧૮૯૦માં અમદાવાદમાં બનેલો ચંદરવો યુરોપના વિયેનાના મ્યુઝિયમ સુધી પહોંચ્યો છે. આ હસ્તકળાને વૈશ્વિક સ્તરે ટેમ્પલ હૅન્ગિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જંબુસરની ૧૯મી સદીની એક પછેડી નૅશનલ ગૅલરી ઑફ ઑસ્ટ્રિયામાં સંગ્રહિત છે. 


માતાની પછેડી એટલે?

‘માતાની પછેડી’નો અર્થ માતાજીની પાછળ રાખવામાં આવતું કાપડ થાય છે. એની ૪૦૦ વર્ષ જૂની આસ્થાની વાત છે. દેવીપૂજક સમાજના કસબીઓએ માતાજીની ભક્તિનો અનોખો માર્ગ શોધ્યો હતો જેમાં સુતરાઉ કાપડને હરતા-ફરતા મંદિરમાં ફેરવી દીધું હતું. કાપડ પર માતાજીનાં ચિત્રો દોરીને એવાં પવિત્ર સ્થાનો બનાવ્યાં જેને કોઈ પણ વૃક્ષ નીચે કે ખુલ્લા મેદાનમાં લગાવી શકાય. 


કેવી રીતે બને?

કલાકારો સદીઓ જૂની પદ્ધતિનો ઉપયોગ કરીને લોખંડનો કાટ અને ગોળના મિશ્રણમાંથી ઘેરો કાળો રંગ અને ફટકડી તથા મજીઠના મૂળમાંથી લાલ રંગ બનાવે છે. કાપડની વચ્ચે આદ્યશક્તિ માતાજીનું ચિત્ર બનાવે છે. એની આસપાસ મેલડી માતાજીનાં અથવા શિકોતરી માતાજીનાં દૃશ્યો હોય છે. આ કાપડને મોટા ચોરસ આકારમાં તૈયાર કરવામાં આવે છે ત્યારે એને માતાનો ચંદરવો કહેવાય છે જે દેવી માટે છત્રનું કામ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 10:49 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK