Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરામાં પૂરનાં પાણી ઓસર્યા પછી ૧૭૦૦ ટન કચરો ભેગો થયો

વડોદરામાં પૂરનાં પાણી ઓસર્યા પછી ૧૭૦૦ ટન કચરો ભેગો થયો

Published : 31 August, 2024 10:11 AM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કચ્છના ગુંદિયાળી ગામે NDRFના જવાનોએ ૩ કિલોમીટર કાદવમાં ચાલીને ફસાઈ ગયેલા બે મજૂરોને સહીસલામત બહાર કાઢ્યા: વરસાદ બાદ ગુજરાતભરમાં ખાડાઓનું સામ્રાજ્ય, નૅશનલ હાઇવેથી માંડીને અનેક રસ્તા ધોવાઈ ગયા

ગઈ કાલે જળગ્રસ્ત થયેલું કચ્છનું કોઠારા ગામ.

ગઈ કાલે જળગ્રસ્ત થયેલું કચ્છનું કોઠારા ગામ.


મધ્ય ગુજરાતના વડા મથક વડોદરાને વિશ્વામિત્રી નદીએ ધમરોળ્યા બાદ પૂરનાં પાણી શહેરમાંથી ઓસરતાં ગઈ કાલે હાથ ધરાયેલા કાર્યમાં ૪૮૦૦ જેટલા સફાઈ-કર્મચારીઓએ શહેરમાંથી ૧૭૦૦ મેટ્રિક ટન કચરા સહિત કાદવ-કીચડ ઉલેચ્યો હતો. બીજી તરફ ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થતાં ગુજરાતવાસીઓને કંઈક અંશે હાશકારો થયો હતો.

વડોદરામાં સાફસફાઈ માટે સુરત સહિતના શહેર અને નગરોમાંથી કર્મચારીઓ સફાઈકામ માટે આવ્યા હતા. ૩૭ JCB મશીન, ૪૪ ડમ્પર, ૨૪ ટ્રૅક્ટર સહિતની મશીનરીથી શહેરભરમાં સફાઈકામ હાથ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વડોદરાના યુવકોને સફાઈકામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)નાં જૅકેટ પહેરાવવામાં આવ્યાં એને પગલે વિવાદ થયો હતો.



વરસાદ બાદ ગુજરાતભરમાં ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે, નૅશનલ હાઇવેથી માંડીને અનેક રસ્તા ધોવાયા છે.


વડોદરા ઉપરાંત દ્વારકાથી મીઠાપુર હાઇવે, ધોરાજી, અમદાવાદ, તાપી, મોરબી, ટંકારા, અમરેલી, જૂનાગઢ, સુરત સહિત ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદને કારણે રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ હતી અને રસ્તાઓ જાણે ડિસ્કો રોડ બની ગયા હતા.


વરસાદ અને પૂરને કારણે વડોદરા જિલ્લાનાં અસરગ્રસ્ત ૨૩૯ ગામોમાં ગઈ કાલે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમે ૧.૩૫ લાખ લોકોના આરોગ્યનું સર્વેલન્સ કર્યું હતું. સર્વેલન્સ દરમ્યાન તાવ, ડાયેરિયા, શરદી-ખાંસીના કેસ મળી આવતાં દરદીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.

વડોદરામાં ગઈ કાલે સફાઈ-અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

કચ્છમાં માંડવી તાલુકાના દરિયાકાંઠે આવેલા ગુંદિયાળી ગામે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના ૯ જવાનોએ ૩ કિલોમીટર સુધી પાંચ ફુટ જેટલાં ભરાયેલાં પાણી તેમ જ કાદવમાં ચાલીને ફસાઈ ગયેલા બે મજૂરોને સલામત બહાર કાઢ્યા હતા.

ભારે વરસાદને કારણે કચ્છના માંડવીના હાલ-બેહાલ થયા છે અને ગઈ કાલે પણ માંડવીના કંઈકેટલાય વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાયાં હતાં. અનેક મકાનોમાં વરસાદનાં પાણી ભરાયાં હતાં જેને કારણે લોકોની હાલત કફોડી બની હતી. માંડવીમાંથી અનેક લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાનાં ગામડાંઓમાં આરોગ્ય ટીમે ગ્રામ્યવાસીઓના આરોગ્યની તપાસ કરી હતી.

પોરબંદર જિલ્લામાં ભાદર, ઓઝત અને મીણસાર નદીમાં આવેલા પૂરને પગલે કુતિયાણા, પોરબંદર અને રાણાવાવનાં અનેક ગામો અસરગ્રસ્ત બન્યાં છે. એમાં પણ ઘેડ પંથકની હાલત બદતર બની છે અને સમગ્ર પંથકમાં ખેતરોમાં પાણી ફરી ‍વળ્યાં છે. જિલ્લાનાં અનેક ગામડાંઓમાં રસ્તા પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ હતો.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2024 10:11 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK