ઑડિટનાં તારણોના જવાબમાં રાજ્યના ગૃહવિભાગે ગુમ થયેલાં ડ્રગ્સનાં ત્રણ કારણો ટાંક્યાં હતાં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG)ના અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેનાથી રાજ્યમાં જપ્ત કરાયેલાં માદક દ્રવ્યોના સંચાલન અને સંગ્રહ અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ઑડિટ મુજબ ગુજરાત સત્તાવાળાઓએ ઑક્ટોબર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ દરમ્યાન કુલ ૬૫૧૦.૫૪ કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યાં હતાં. આમાંથી ૪૧૭૭.૮૬ કિલો માદક દ્રવ્યો અધિકારીઓ દ્વારા નાશ કરવામાં આવ્યાં હતાં. જોકે કુલ જપ્ત કરાયેલા સ્ટૉકનો લગભગ ૩૫ ટકા હિસ્સો એટલે કે ૨૩૩૨.૬૮ કિલો પોલીસ-કસ્ટડીમાંથી ગુમ થઈ ગયો છે.
ઑડિટનાં તારણોના જવાબમાં રાજ્યના ગૃહવિભાગે ગુમ થયેલાં ડ્રગ્સનાં ત્રણ કારણો ટાંક્યાં હતાં. અધિકારીઓએ દાવો કર્યો હતો કે લગભગ ૧૪૪.૧૮૦ કિલો ગાંજો ચોરાઈ ગયો હતો. બાકીનો ગાંજો અને અફીણ અપૂરતી સંગ્રહસુવિધાઓને કારણે ઉંદરો ખાઈ ગયા હતા અથવા ઉંદરોએ એનો નાશ કર્યો હતો. વિભાગે એવી પણ દલીલ કરી હતી કે લીલો ગાંજો અને અફીણના છોડ ધીમે-ધીમે સમય જતાં ભેજ ગુમાવે છે જેના કારણે વજનમાં ઘટાડો થાય છે.
ADVERTISEMENT
જોકે CAGએ આ ખુલાસાઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે યોગ્ય જવાબદારી વિના આટલી મોટી માત્રામાં ગેરકાયદે પદાર્થો કેવી રીતે અદૃશ્ય થઈ શકે છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે ગૃહવિભાગ ગુમ થયેલા સ્ટૉક માટે સંતોષકારક સમજૂતી આપવામાં નિષ્ફળ ગયો હતો અને સંગ્રહ અને નિકાલ પ્રોટોકૉલમાં ગંભીર ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું.
