બુધવારે નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ : સરોવરમાં ૪૫૦ લાખ ઘનફુટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના ૧૫૦ હેક્ટર વિસ્તારને મળતો થશે સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ
સિદ્ધપુરમાં નિર્માણ પામેલું હીરાબા સરોવર.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠે બુધવારે ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં માતુશ્રી હીરાબા સરોવરને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા સરસ્વતી નદીના નવસર્જનની કામગીરી અંતર્ગત માતુશ્રી હીરાબા સરોવરનું નિર્માણ થયું છે. આ સરોવરમાં ૪૫૦ લાખ ઘનફુટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના ૧૫૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે. આ ઉપરાંત આજુબાજુના વીસથી વધુ રીચાર્જ વેલનાં ભૂગર્ભ જળ પણ ઊંચાં આવશે.
ADVERTISEMENT

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હીરાબા સરોવરને લોકાર્પણ કર્યું એ પ્રસંગે ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત, જળસંપત્તિ અને પાણીપુરવઠાપ્રધાન કુંવરજી બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સિદ્ધપુરના વિધાનસભ્ય અને ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત તેમ જ જળસંપત્તિ અને પાણીપુરવઠાપ્રધાન કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા હીરાબા સરોવરના લોકાર્પણ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘હીરાબા સરોવર એ રાષ્ટ્રસેવા માટે સમર્પિત નરેન્દ્ર મોદીનું સંસ્કારસિંચન અને ઘડતર કરનારાં માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિવસે શ્રેષ્ઠ ભાવસ્મરણ છે. નરેન્દ્ર મોદીએ પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતાં જોયાં એની વેદનામાંથી ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્ય પ્રધાન તરીકે તેમણે કર્યો હતો. આ વિચારને વાસ્તવિક રૂપ આપવા ૨૦૦૫માં નરેન્દ્ર મોદીએ ઋષિપંચમીના દિવસે સરસ્વતી નદીમાં નર્મદા નદી અને સાબરમતી નદીના નીરનો જળાભિષેક સરસ્વતી નર્મદા મહાસંગમથી કર્યો હતો અને નદીઓના એકત્રીકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી. નરેન્દ્ર મોદીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને સુદૃઢ જળવ્યવસ્થાપન માટે લોકભાગીદારીથી બોરીબંધ, ચેકડૅમ, નદીઓનું નવસર્જન જેવાં કામોથી રાજ્યના ખૂણે-ખૂણે ખેતી માટે અને પીવા માટે પાણી પહોંચાડ્યું છે.’
પરદેશીઓ પણ કરવા આવ્યા પિંડદાન


બિહારના ગયામાં પૂર્વજોના આત્માની શાંતિ માટે પિતૃતર્પણ વિધિ કરવા માટે વિદેશથી પણ સેંકડો લોકો આવે છે. ગઈ કાલે ગયાના વિષ્ણુપદ મંદિરમાં પરદેશીઓએ સમૂહમાં પિંડદાન વિધિ કરી હતી.


