નિષ્ણાતો કહે છે કે એકસાથે બે એન્જિન ખરાબ થવાં શક્ય નથી, ઉડ્ડયન સાથે વિમાન તૂટી પડવા માટે મલ્ટિપલ કારણ હશે- વિમાન-દુર્ઘટનાનું કારણ શું હોઈ શકે એ સૌને પજવતો સવાલ
અસરગ્રસ્ત વિમાન
પ્લેન ક્રૅશને પગલે ઉડ્ડયન નિષ્ણાતો આ ઘટના કેવી રીતે બની હશે એ વિશે વિચારતા થયા છે. નિષ્ણાતો કહે છે કે વિમાને ઉડ્ડયન કર્યું હતું પછી એનાં લૅન્ડિંગ ગિયર અંદર જતાં રહેવાં જોઈતાં હતાં, પણ એ બહાર હતાં. આવું શા માટે હતું એ સવાલ છે. પ્રશ્ન એ ઊભો થયો છે કે શું ક્રૂ એક જ સમસ્યાનો સામનો કરી રહ્યું હતું કે એકસાથે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું.
ભૂતપૂર્વ પાઇલટ એહસાન ખાલિદે ક્રૅશનું ચોક્કસ કારણ નક્કી કરવામાં ફ્લાઇટ ડેટા રેકૉર્ડર, કૉકપિટ વૉઇસ રેકૉર્ડર વગેરેના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
નિષ્ણાતો સવાલ કરી રહ્યા છે કે ક્રૅશનાં વિઝ્યુઅલ્સ દર્શાવે છે કે વિમાન ઊડતી વખતે નીચે પડી ગયું હતું જેનો અર્થ એ છે કે કોઈ મિડ-ઍર વિસ્ફોટ થયો નહોતો. વિમાનમાં પાવર ખૂટી પડ્યો હોય એવું લાગે છે. આવું ત્યારે જ થાય જ્યારે એન્જિનમાં ખામી હોય. બન્ને એન્જિન એકસાથે નિષ્ફળ થાય એવી શક્યતા ખૂબ જ ઓછી છે. આ વિમાનમાં મોટું એન્જિન છે અને એક મિનિટના સમય ગાળામાં પક્ષી અથડાવાથી બન્ને એન્જિન પાવર ગુમાવે એવું ભાગ્યે જ બને છે.
પાઇલટનો MayDay કૉલ
ખાલિદે પાઇલટના MayDay કૉલ વિશે બોલતાં કહ્યું હતું કે ‘આ સૂચવે છે કે એન્જિન નિષ્ફળ થયું એ વાતથી ક્રૂ વાકેફ હતું અને હવામાં ઊડતી વખતે એને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. મને સમજાતું નથી કે લૅન્ડિંગ ગિયર હજી પણ કેમ નીચે હતું. ફ્લાઇટ ટેક-ઑફ થતાંની સાથે જ લૅન્ડિંગ ગિયર ઊંચું કરવામાં આવે છે. લૅન્ડિંગ ગિયર નીચે હોવાથી શક્ય છે કે એન્જિનમાં ખામી પહેલાંથી જ મળી આવી હોય. ઘણાં બધાં પરિબળો છે અને કોઈ પણ અટકળ લગાવવી મુશ્કેલ છે.’
અમેરિકાના ઍરોસ્પેસ સેફ્ટી કન્સલ્ટન્ટ ઍન્થની બ્રિકહાઉસે આવી જ ચિંતા વ્યક્ત કરીને નોંધ્યું હતું કે ફ્લાઇટના એ તબક્કા માટે લૅન્ડિંગ ગિયરની સ્થિતિ અસામાન્ય હતી.
યૉર્ક યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર મેક્ડર્મિડે કહ્યું હતું કે ‘ક્રૅશને કારણ વિશે નક્કી કરવું ખૂબ વહેલું છે. વિમાન-પ્રવાસમાં ટેક-ઑફ અને લૅન્ડિંગ ફ્લાઇટના સૌથી ખતરનાક તબક્કા છે. આ વિમાન બસો મીટર અથવા ૬૫૦ ફુટથી ઉપર ચડ્યું પણ નહોતું. જો સમયસર ખબર પડે તો પાઇલટ્સ ખૂબ મોડે-મોડે પણ ટેક-ઑફ અટકાવી શકે છે. એથી એવું લાગે છે કે સમસ્યા ટેક-ઑફ રોલના અંતિમ ભાગમાં અથવા ટેક-ઑફ પછી તરત જ અચાનક આવી હતી અને એ એટલી ગંભીર હતી કે એ બેકાબૂ બની ગઈ હતી.’

