મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં અમિત શાહે કહ્યું કે ‘વડા પ્રધાન ગરીબ નાગરિકોના દુઃખને સમજે છે, કારણ કે તેઓ પોતે આવા પરિવારમાં જન્મ્યા છે

અમિત શાહ ફાઇલ તસવીર
કેન્દ્રીય હોમ મિનિસ્ટર અમિત શાહે કૉન્ગ્રેસ પર તેમના શાસનકાળમાં અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી)નું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો અને બીજેપીના શાસનકાળમાં જ નરેન્દ્ર મોદી જેવા પ્રથમ ઓબીસી મિનિસ્ટર મળ્યા હતા. મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં અમિત શાહે કહ્યું કે ‘વડા પ્રધાન ગરીબ નાગરિકોના દુઃખને સમજે છે, કારણ કે તેઓ પોતે આવા પરિવારમાં જન્મ્યા છે. રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને યોગ્ય ગણાવતાં તેમણે કહ્યું કે ‘જો કોઈ વ્યક્તિની ટીકા કરે તો એ કોઈ મોટી વાત નથી, પરંતુ જો કોઈ આખા સમાજની અને વડા પ્રધાનની ટીકા કરે તો એ સમગ્ર દેશનું અપમાન છે. કૉન્ગ્રેસે ઓબીસીની ઉપેક્ષા, હેરાનગતિ અને અપમાન જ કર્યું છે. બીજેપીએ ઘણા ઓબીસીને મુખ્ય પ્રધાન બનાવ્યા છે. ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો પણ આપ્યો છે. તમારે બધાએ ગર્વ અનુભવવો જોઈએ કે મોદી તમારા સમાજના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ મોદીના ઑટોગ્રાફ માગ્યા હતા અને કહ્યું હતું કે અમેરિકામાં તમે બહુ લોકપ્રિય છો.’