પશુપાલકોને ઘાસચારો મળી રહે અને અન્ય જિલ્લામાં સ્થળાંતર ન કરવું પડે એ સહિતની બાબતો પર થઈ ચર્ચા
કચ્છમાં યોજાયેલી સમીક્ષા-બેઠક.
ચોમાસાની આ સીઝનમાં કચ્છ જિલ્લામાં હજી સુધી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી ત્યારે સંભવિત અછતની પરિસ્થિતિને લઈને આગોતરા આયોજન માટે કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ
સમીક્ષા-બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ વખતે કચ્છ જિલ્લામાં જોઈએ એવો વરસાદ થયો નથી જેને પગલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના રહેલી છે. આ સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરીને ઘાસની સંભવિત અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વતૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમ જ જરૂરી આયોજન અંગે ચર્ચાવિચારણા કરવા કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા-બેઠક યોજાઈ હતી. જો અછતની પરિસ્થિતિ સર્જાય તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે એ હેતુથી ગામડાંઓને ક્લસ્ટરદીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સમગ્ર જિલ્લાનાં તમામ ઘાસ-ગોડાઉનોમાં ઉપલબ્ધ ઘાસના જથ્થાની વિગતો મેળવી હતી. આ ઉપરાંત અગાઉનાં વર્ષોમાં સર્જાયેલી અછતની પરિસ્થિતિ વખતે કરવામાં આવેલા ઘાસ-વિતરણના આયોજન અંગે પણ જાણકારી મેળવી હતી.
ADVERTISEMENT
ઘાસચારાની વ્યવસ્થા માટે જિલ્લા-કલેક્ટરોને સત્તા સોંપવામાં આવી
ગુજરાત સરકારે પશુધનની સુરક્ષા માટે ગઈ કાલે મળેલી કૅબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. એ મુજબ ગુજરાતમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે એવા વિસ્તારોમાં ઘાસચારાની વ્યવસ્થા માટેની સીધી સત્તા જિલ્લા-કલેક્ટરોને સોંપવામાં આવી છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પશુઓના ઘાસચારાની વ્યવસ્થામાં વિલંબ ન થાય એ માટે જિલ્લા-કલેક્ટરને સત્તા સોંપવામાં આવી છે. એને કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુધનના ઘાસચારા માટેની જરૂરી વ્યવસ્થા માટે સમયનો વ્યય નહીં થાય. આ પ્રકારની વહીવટી મંજૂરી-પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થતો હોવાનું ધ્યાને આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.’
