Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સાપને બચાવવા માટે અડધી રાતે પણ દોડી આવે છે આ સર્પમિત્રો

સાપને બચાવવા માટે અડધી રાતે પણ દોડી આવે છે આ સર્પમિત્રો

Published : 16 July, 2026 11:47 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

સાપને પોતાના ઘરમાં કે સોસાયટીમાં રાખીને સાજા કરીને પછી જંગલમાં છોડી આવતા આ લોકોના રોમાંચક અને દિલધડક અનુભવો શ્વાસ અધ્ધર કરી દે એવા છે..

થોડા સમય પહેલાં અંબરનાથમાં દૂધની ડેરીમાંથી ૬ ફુટ લાંબો ઓરિએન્ટલ રૅટ સ્નેક જેને ગુજરાતીમાં ધામણ કહેવાય એ મળી આવ્યો હતો એની સાથે પ્રકાશ ગોહિલ.

થોડા સમય પહેલાં અંબરનાથમાં દૂધની ડેરીમાંથી ૬ ફુટ લાંબો ઓરિએન્ટલ રૅટ સ્નેક જેને ગુજરાતીમાં ધામણ કહેવાય એ મળી આવ્યો હતો એની સાથે પ્રકાશ ગોહિલ.


ચોમાસાની શરૂઆત થતાં મુંબઈની આસપાસના ગ્રીન ઝોન કહેવાતા આરે કૉલોની, દહિસર, બોરીવલી અને શહેરની આસપાસના જંગલ વિસ્તારની નજીકના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કોબ્રા જેવા ઝેરીલા સાપ નીકળે ત્યારે જોનારનું લોહી થીજી જાય છે. આજે વર્લ્ડ સ્નેક ડે નિમિત્તે મળીએ એવા લોકોને જેઓ એક કૉલ પર સાપને રેસ્ક્યુ કરવા માટે જીવની પરવા કર્યા વિના દોડી જાય છે. સાપને પોતાના ઘરમાં કે સોસાયટીમાં રાખીને સાજા કરીને પછી જંગલમાં છોડી આવતા આ લોકોના રોમાંચક અને દિલધડક અનુભવો શ્વાસ અધ્ધર કરી દે એવા છે.

એક જ પરિવારના આ ૩ સભ્યોએ મળીને ૫૦,૦૦૦થી વધુ સાપ રેસ્ક્યુ કર્યા છે



અંબરનાથમાં રહેતા ૫૭ વર્ષના પ્રકાશ ગોહિલ છેલ્લાં ૩૫ વર્ષથી સાપને બચાવવાનું કાર્ય કરે છે. તેમને નાનપણથી જ વાઇલ્ડલાઇફ પ્રત્યે લગાવ હોવાથી કુદરતી રીતે જ આ સેવાકાર્ય તેઓ વર્ષોથી કરતા આવ્યા છે. પ્રકાશભાઈની સાથે તેમનો નાનો ભાઈ દિનેશ અને ૨૧ વર્ષનો દીકરો આકાશ પણ સ્નેક રેસ્ક્યુના મિશનમાં જોડાયા છે. સાપ પકડવામાં વર્ષોના અનુભવ અને રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન અનુભવેલા રોમાંચક કિસ્સાઓ તેમના જ શબ્દોમાં જાણીએ:


પહેલાં અમે મુલુંડમાં રહેતા હતા ત્યારે યોગી હિલ્સ, તુલસી તળાવ અને કાન્હેરી કેવ્સ સુધી ટ્રેકિંગ અને જૉગિંગ પર જવાનો મારો નિત્યક્રમ હતો. એ જમાનામાં દીપડા કે અન્ય જનાવરોનો ખાસ ડર નહોતો. પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યેનો મારો લગાવ જંગલની સફર દરમ્યાન જ કેળવાયો હતો. ૧૯૯૧માં હું અંબરનાથ શિફ્ટ થયો. અંબરનાથ આજે પણ પહાડો, નદીઓ અને વનરાજીથી ઘેરાયેલું છે. અહીં સાપ, નોળિયા અને મૉનિટર લિઝાર્ડ જેવાં પ્રાણીઓ અવારનવાર રહેણાક વિસ્તારોમાં આવી ચડે છે. નાનપણના શોખને કારણે મેં નેરુળના જાણીતા સર્પમિત્ર પાસેથી સાપ પકડવાની પ્રૉપર ટ્રેઇનિંગ લીધી. હું અને મારો ભાઈ બન્ને સાથે જ આ શીખ્યા. એક ખાસ વાત કહું તો મારો જન્મ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે નાગપંચમીના દિવસે જ થયો છે. એટલે કદાચ સાપ પ્રત્યેનો આ લગાવ મને પહેલેથી જ છે. શરૂઆતના દિવસોમાં અમારી પાસે બાઇક કે ગાડી નહોતી. કોઈનો પણ ફોન આવે એટલે અમે કહીએ કે તમે અમને લેવા આવો અને રેસ્ક્યુ કર્યા પછી મૂકી જાઓ. અમે સાપને પકડીને અંબરનાથથી પાંચ-સાત કિલોમીટર દૂર વનવિભાગની હદમાં કે જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી આવતા. પહેલાં તો અમે છેક કર્જત, લોનાવલા કે બોરીવલીના નૅશનલ પાર્ક સુધી સાપ છોડવા જતા; પણ પછી વન્યજીવનિષ્ણાતોએ સલાહ આપી કે જે-તે વિસ્તારના સાપને ત્યાંના જ વાતાવરણમાં મુક્ત કરવા જોઈએ જેથી તેમને અનુકૂળતા રહે. હવે તો અમારી પાસે બાઇક છે અને મિત્રોનું એક મોટું ગ્રુપ પણ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી ફોન આવે તો હું અમારા ગ્રુપમાં જણાવું અને જે નજીક રહેતું હોય તે સ્નેક રેસ્ક્યુ કરવા જાય. મને ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતથી પણ ફોન આવે. જોકે વર્ષોથી હું આ જ કામમાં રહ્યો હોવાથી સારા કૉન્ટૅક્ટ બની ગયા છે એટલે હું એ એરિયાના રેસ્ક્યુ કરતા લોકોને મોકલી દઉં. આ રીતે મારું કામ થતું હોય છે. સાપને પકડ્યા બાદ એને શ્વાસ લેવામાં કે કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે અમે ખાસ ચારથી પાંચ ફુટ લાંબી સ્નેક બૅગનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક રેસ્ક્યુ દરમ્યાન ગર્ભવતી માદા સાપ મળી આવે તો એને થોડા દિવસ ઑબ્ઝર્વેશનમાં રાખીને એના ઈંડામાંથી બચ્ચાં બહાર આવે ત્યાં સુધી સાચવીને પછી જંગલમાં મુક્ત કરીએ છીએ. મારા દીકરાએ તો હાલમાં સાપ પકડવા માટેની ખાસ બૅગ બનાવી છે. એ આમ તો સવા ફુટની દેખાય, પણ એને ખોલો એટલે ત્રણ-ચાર ફુટ લાંબી થાય. સાપ પકડીને આવ્યા બાદ તરત જ એને મુક્ત કરવાનો સમય ન મળે એટલે અમે અમારા બિલ્ડિંગની બાજુમાં સાપ માટે નાનકડું ઘર બનાવ્યું છે. ત્યાં અમે સાપને રાખીએ.

હું પ્રોફેશનથી બિલ્ડરની ઑફિસમાં સુપરવાઇઝર હતો. ત્યાર બાદ એસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. હવે હું દાબેલીનો ફૂડ-સ્ટૉલ ચલાવું છું. વન્યજીવ સંરક્ષણનું મારું મિશન સતત ચાલુ છે. બે દિવસ પહેલાં રાત્રે ૧૨ વાગ્યે જ મને ફોન આવ્યો કે એક ફોર-વ્હીલરમાં સાપ ભરાયો છે. હું થોડો વ્યસ્ત હતો એટલે દીકરાને મોકલ્યો અને એને સફળ રેસ્ક્યુ કર્યો.


મારી ૩૫ વર્ષની આ સફરમાં ઘણા રોમાંચક અને જોખમી કિસ્સાઓ બન્યા છે જે હું ક્યારેય ભૂલી નહીં શકું. સામાન્ય રીતે લોકો માને છે કે બિનઝેરી સાપ કરડે તો વાંધો ન આવે, પણ અનુભવ વિના એ પણ ખતરનાક નીવડી શકે છે. અંદાજે ૧૫ વર્ષ પહેલાં અંબરનાથના શિવસેનાના શહેર પ્રમુખ અરવિંદ વાલેકરના બંગલાના ગાર્ડનમાંથી પાંચ ફુટ લાંબો બ્લૅક કલરનો ચેકર્ડ કીલબૅક સાપ પકડવા હું ગયો હતો. સામાન્ય રીતે અમે બિનઝેરી સાપને હાથેથી જ પકડતા. વાલેકરસાહેબે મને પૂછ્યું પણ ખરું કે આ કરડશે તો નહીંને? મેં હજી ના પાડી ત્યાં જ એ સાપે મારા અંગૂઠા અને વચલી આંગળી પર એવો મજબૂત બાઇટ કર્યો કે લોહીની ધાર વહેવા લાગી. પછી એને જમીન પર થોડી વાર રાખીને એના મોઢા પર જ પકડી રાખ્યું જેથી એનું મોઢું જ ન ખૂલી શકે. મેં તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવી. વર્ષોના અનુભવ બાદ પણ મને આ કિસ્સાએ ડરાવી નાખ્યો હતો અને એ પછીથી મેં વધુ સાવચેતી રાખવાનું શરૂ કર્યું.

બીજો એક હૃદયસ્પર્શી કિસ્સો ૨૦ વર્ષ પહેલાંનો છે. મારી વાઇફ પ્રેગ્નન્ટ હતી અને ડિલિવરીનો છેલ્લો મહિનો હતો. અગાઉ એક બાળક પેટમાં જ ગુજરી ગયું હોવાને કારણે હું ખૂબ જ ડરેલો હતો અને વાઇફની એક-એક સેકન્ડની સંભાળ રાખતો હતો. સપ્ટેમ્બરમાં હું વાઇફ માટે ટૉર્ચ રિપેર કરાવવા સ્ટેશન ગયો હતો. હું પાછો ફરતો હતો ત્યાં જ વાઇફ મને રસ્તા પર સામેથી આવતી દેખાઈ. તે આખી ધ્રૂજી રહી હતી. તેણે ગભરાતાં-ગભરાતાં કહ્યું કે ઘરમાં પાંચ ફુટ લાંબો સાપ ઘૂસી ગયો છે. એ વખતે મારો નાનો ભાઈ દિનેશ એકલો જ ઘરે હતો. અમે દોડતા ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે એ ભારતનો સૌથી ઝેરી ગણાતો રસેલ વાઇપર સાપ હતો. એ સાપ પલંગ નીચે ઘૂસી ગયો હતો અને એને રેસ્ક્યુ કરતી વખતે મારા ભાઈના હાથમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું. અંધારામાં એનું ખરેખર કંપારી છોડી નાખે એવું રેસ્ક્યુ થયું હતું. આ ડર મારી વાઇફને પેસી ગયો હોવાથી એના બીજા જ દિવસે ડિલિવરી થઈ અને મારા દીકરા આકાશનો જન્મ થયો. મારા અને મારા ભાઈ સાથે હવે આકાશ પણ કુશળતાથી સાપને રેસ્ક્યુ કરે છે. આમ તો નાનપણથી જ તે અમને સાપ પકડતા જોતો આવ્યો છે એટલે એના વિશે માહિતી એકઠી કરે છે. ૧૯ વર્ષનો હતો ત્યારે પહેલી વાર તે સાપ પકડીને લાવ્યો હતો. તેણે અત્યાર સુધીમાં ૧૫૦થી ૨૦૦ જેટલા સાપ રેસ્ક્યુ કર્યા હશે. મારી  વાત કરું તો મેં અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ જેટલા સાપનો બચાવ કર્યો છે. મારા ભાઈએ પણ એટલા તો કર્યા જ હશે.

અત્યાર સુધીના અમારા રેકૉર્ડમાં ક્યારેય કોઈ ઝેરી સાપે અમને નુકસાન નથી પહોંચાડ્યું, કારણ કે અમે સાપ અને અમારો પોતાનો જીવ બન્નેની પૂરી તકેદારી રાખીને બચાવીએ છીએ. અમે માત્ર સાપ પકડતા જ નથી, અનેક સ્નેક-બાઇટના કેસમાં ફોન પર યોગ્ય ગાઇડન્સ આપીને લોકોના જીવ પણ બચાવ્યા છે.

જાતજાતની અંધશ્રદ્ધાઓ છે : પ્રકાશ ગોહિલ

સાપને લઈને આપણો સમાજ હજી પણ અંધશ્રદ્ધાના ભરડામાં છે. ઘણી બહેનો તો બહુ વિચિત્ર ડિમાન્ડ લઈને ઘરે આવે. મને કહે કે જો તમને શ્રાવણ મહિનામાં કે નાગપંચમીના દિવસે સાપ મળે તો અમને કહેજો, અમારે દૂધ પિવડાવવું છે અને પૂજા કરવી છે. હું ફક્ત ડોક ધુણાવી દઉં. અમુક એવા પણ લોકો મળે છે જેમને સાપની કાંચળી જોઈતી હોય છે. તેમની માન્યતા મુજબ સાપની કાંચળી ઘરમાં સમૃદ્ધિને વધારે છે. અમુક લોકોને તો આખા ને આખા સાપ જોઈતા હોય છે. મેં મારા જીવનમાં રેડ સૅન્ડબોઆ પ્રજાતિના વીસથી પચીસ સાપ પકડ્યા છે. આ સાપ પ્રત્યે પણ એટલી અંધશ્રદ્ધા છે કે ન પૂછો વાત. એને ઘરે રાખવાથી ધનની વર્ષા થાય છે એમ લોકો માને છે. આવી અંધશ્રદ્ધામાં હું માનતો નથી. સાપને બચાવવાનું કામ પણ સ્વેચ્છાએ કરું છું. સરકાર તરફથી કોઈ મદદ મળતી નથી તેથી મારા દીકરાને પણ નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)માં જોડાવાની સલાહ આપી છે, જેથી તે આ કામની સાથે-સાથે પોતાના કરીઅર પર પણ ફોકસ કરી શકે.

બધા જ સ્નેક રેસ્ક્યુ જીવ હથેળી પર મૂકવાવાળા નથી હોતા, કેટલાક દિલને હલાવી મૂકે એવા હોય છે

નૉર્મલી આજના યંગસ્ટર્સ ભણી-ગણીને કરીઅર સેટ કરવાની સ્ટ્રગલ કરતા હોય છે ત્યારે બોરીવલીમાં રહેતો બાવીસ વર્ષનો વાઇલ્ડલાઇફપ્રેમી હીત શાહ ઝેરીલા સાપ બચાવવાની કામગીરી કરી રહ્યો છે. જૈન પરિવારમાંથી આવતો હીત જીવદયાના સંસ્કારોને સાચા અર્થમાં જીવી રહ્યો છે. કોરોનાકાળથી જ હીતે વન્યજીવોના રેસ્ક્યુની સફર શરૂ કરી હતી. રેપ્ટાઇલ્સની વાત કરીએ તો હીત સર્પ ઇન્ડિયા નામની સંસ્થા સાથે સંકળાયેલો છે. તેણે છેલ્લા એક વર્ષમાં ૬૦થી ૭૦ જેટલા સાપને રેસ્ક્યુ કરીને એમના કુદરતી રહેઠાણમાં મુક્ત કર્યા છે. સાપ રેસ્ક્યુ કરતી વખતા થ્રિલિંગ એક્સ્પીરિયન્સ વિશે હીત કહે છે:

તાજેતરના કિસ્સા વિશે જણાવું તો જૂનના અંતમાં મુંબઈમાં મુશળધાર વરસાદ હતો. સાપના દરમાં પાણી ભરાતાં તેઓ બહાર નીકળ્યા હતા. દહિસરના કામગારપાડા એરિયામાં પાંચ ફુટ લાંબો મહાકાય રસેલ વાઇપર સ્નેક દેખાયો હોવાની જાણકારી અમને મળી હતી. રસેલ વાઇપર ભારતના ૪ સૌથી ઝેરી સાપમાંનો એક છે. એ એટલો અગ્રેસિવ હોય છે કે હવામાં કૂદીને પણ બાઇટ કરી શકે છે. જો પકડવામાં કાળજી ન રખાય તો જીવલેણ સાબિત થાય છે. એ સાપ રોડ પર આવી જતાં એક ગાડી પસાર થવાથી એને મામૂલી ઈજા પહોંચી હતી. એને પકડવાનું કામ મને સોંપવામાં આવ્યું ત્યારે હું વધારે કૉન્શ્યસ અને અલર્ટ માઇન્ડ સાથે ત્યાં પહોંચ્યો. એ ઈજાગ્રસ્ત સાપને એક સ્ટિક વડે પકડીને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો અને સાજો થતાં એને જંગલમાં છોડી દેવાયો હતો. બધા રેસ્ક્યુ માત્ર જીવ હથેળી પર મૂકવાવાળા નથી હોતા, કેટલાક દિલને હલાવી મૂકે એવા હોય છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમ્યાન અમને એક ગાર્ડનમાં ચેકર્ડ કીલબૅક નામનો બિનઝેરી સાપ મળી આવ્યો હોવાની માહિતી મળી હતી. સાપને જોઈને ત્યાં કામ કરી રહેલા મજૂરો પૅનિક થઈ ગયા અને તેમણે પોતાના બચાવમાં સાપને લાકડી મારી. સદ્નસીબે વૉચમૅને અમને કૉલ કર્યો અને મેં ત્યાં જઈને જોયું તો સાપની સ્પાઇન પર ગંભીર ઈજા પહોંચી હોવાથી હલનચલન નહોતો કરી શકતો. સારવાર કરાવ્યા બાદ મેં ૧૨ દિવસ એને મારા ઘરે રાખ્યો અને સાજો થતાં જ અમે જંગલમાં એના કુદરતી રહેઠાણમાં છોડી આવ્યા હતા. આ કિસ્સો મારા દિલની એકદમ નજીક છે. ઘરમાં જ્યારે એને એક બૉક્સમાં રાખ્યો હતો ત્યારે મારા ઘરવાળાઓએ પણ એની પૂરી કાળજી રાખી હતી. બીજો એક કિસ્સો બોરીવલીની આઇ. સી. કૉલોનીનો છે. અમને રાત્રે કૉલ આવ્યો કે બિલ્ડિંગના પરિસરમાં આવેલી ડ્રેનેજ લાઇનમાં સાપ આવ્યો છે. ત્યાં જઈને જોયું તો ત્રણથી ૪ ફુટ લાંબો ઝેરીલો કોબ્રા હતો. ગટર સાંકડી હોવાથી એને બહાર આવતાં ફાવતું નહોતું. અમે એના બહાર આવવાની રાહ જોઈ. બિલ્ડિંગમાં રહેતા લોકો તો ડરના માર્યા ફફડી રહ્યા હતા. આવા સમયે ઉતાવળ ભારે પડી શકે છે. મેં ધીરજ રાખીને સાપને બહાર આવવાની કમ્ફર્ટેબલ સ્પેસ આપી અને જેવો બહાર આવ્યો ત્યારે ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે એના કુદરતી હૅબિટેટમાં મુક્ત કર્યો. આ જ વર્ષે હજી એક કિસ્સો મારા માટે કસોટી સમાન હતો. બોરીવલીની બાંધકામ-સાઇટ પર સાપ મળી આવતાં આસપાસના લોકોમાં ફફડાટ હતો. એ દોઢથી બે ફુટ લાંબો કોબ્રા હતો. મેં પાઇપની મદદથી સાપના મોઢાને અંદર લઈ લીધું જેથી એ અમારા પર હુમલો ન કરી શકે અને ફ્લિપ થઈને આવી પણ ન શકે. આ રીતે અડધી ગેમ તો જીતી ગયા પછી એને એક બૉક્સમાં નાખીને બચાવ કરી લેવાયો હતો. હાલમાં જ મેં IT એન્જિનિયરિંગ કમ્પ્લિટ કર્યું છે. તાજેતરમાં હું બે-ત્રણ NGO સાથે વન્યજીવોની સેવામાં જોડાયેલો છું અને આગળ પણ હું કામ સાથે એને મૅનેજ કરતો રહીશ, કારણ કે પ્રાણીઓનો બચાવ કરવો મને નાનપણથી જ ગમે છે અને મારા આ સેવાકાર્યમાં પરિવારનો સાથ પણ મળે છે.

કેમ ઊજવાય છે વર્લ્ડ સ્નેક ડે?

આ દિવસની સત્તાવાર શરૂઆત ક્યારે અને કોણે કરી એનો ચોક્કસ ઇતિહાસ નથી, પણ દુનિયાભરના વાઇલ્ડલાઇફ લવર્સ અને પર્યાવરણવાદીઓ વર્ષોથી વર્લ્ડ સ્નેક ડે ઊજવતા આવ્યા છે. વર્લ્ડ સ્નેક ડેની કોઈ સત્તાવાર સંસ્થા કે સ્થાપક વિશે વિશ્વસનીય નોંધ ઉપલબ્ધ નથી.

જુલાઈ મહિનો પસંદ કરવા પાછળનું ભૌગોલિક કારણ એ પણ છે કે દુનિયાના મોટા ભાગના દેશોમાં આ સમયે ચોમાસું કે ગરમીની ઋતુ હોય છે અને સાપ પોતાના દરની બહાર સૌથી વધુ સક્રિય જોવા મળે છે. સાપ વિશે દુનિયાભરમાં એટલી બધી અફવાઓ, અંધશ્રદ્ધા અને કાલ્પનિક વાર્તાઓ વણાયેલી છે કે માણસ એને જોતાં જ મારી નાખવાનું વિચારે છે. બસ, આ જ માનસિકતા બદલવા માટે આ દિવસની શરૂઆત થઈ. ફિલ્મો અને જૂની વાર્તાઓમાં સાપને હંમેશાં બદલો લેનાર કે ઇચ્છાધારી તરીકે નકારાત્મક રીતે દર્શાવાયો છે. આ લોકમાન્યતાઓ છે, એનો વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય રીતે મોટા ભાગના સાપ માણસથી દૂર રહેવાનું પસંદ કરે છે અને ખતરો અનુભવાય ત્યારે જ કરડે છે.

સાપનું હોવું પણ બહુ જરૂરી છે

જો દુનિયામાંથી બધા સાપ ખતમ થઈ જાય તો ઉંદરોનો ત્રાસ એટલો વધી જાય કે માનવજાત માટે અનાજની તંગી ઊભી થઈ જાય. સાપ ઉંદરોને ખાઈને પાકનું રક્ષણ કરે છે અને રોગચાળો ફેલાતો અટકાવે છે. સાપના ઝેર પર સંશોધનના આધારે કેટલીક દવાઓ અને નવી સારવાર વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત ઍન્ટિ-વેનમ બનાવવા માટે સાપના ઝેરનો ઉપયોગ થાય છે. ઝેરની ઓછી માત્રા ઘોડા જેવા પ્રાણીને આપીને એના શરીરમાં બનતી ઍન્ટિ-બૉડીને શુદ્ધ કરીને ઍન્ટિ-વેનમ તૈયાર કરવામાં આવે છે. પૃથ્વી પર સાપની ૪૦૦૦ કરતાં વધુ પ્રજાતિઓ છે, જેમાંથી લગભગ ૧૫ ટકા પ્રજાતિ જ ઝેરી હોય છે.

શું તમે જાણો છો?

સાપને આપણા જેવી પાંપણો હોતી નથી એટલે તેઓ ક્યારેય આંખો પલકાવી શકતા નથી કે આંખો બંધ કરીને ઊંઘી શકતા નથી. એમની આંખો પર એક પારદર્શક ભીંગડું હોય છે જેને સ્પેક્ટેકલ કહેવાય છે. એ તેમની આંખોનું રક્ષણ કરે છે. તેઓ ખુલ્લી આંખે જ ઊંઘે છે.

સાપને બહાર દેખાય એવા કાન હોતા નથી, પણ એનો અર્થ એ નથી કે એમને સંભળાતું નથી. એમની પાસે અંદરના ભાગમાં કાનનું સ્ટ્રક્ચર હોય છે જે એમના જડબાના હાડકા સાથે જોડાયેલું હોય છે. જમીન પર થતી સહેજ પણ ધ્રુજારી તેઓ જડબા દ્વારા અનુભવે છે અને જાણી લે છે કે કોઈ આસપાસ આવી રહ્યું છે.

દક્ષિણ-પૂર્વ એશિયામાં ક્રાયસોપેલિયા નામના સાપ જોવા મળે છે, જેને ફ્લાઇંગ સ્નેક કહે છે. તેઓ પક્ષીઓની જેમ પાંખો ફફડાવીને ઊડી શકતા નથી, પરંતુ ઊંચા ઝાડ પરથી કૂદકો મારીને પોતાના શરીરને એકદમ ચપટું પૅરૅશૂટ જેવું બનાવી લે છે અને હવામાં ૧૦૦ મીટર સુધી ગ્લાઇડ શકે છે.

સાપ જેમ-જેમ મોટો થાય એમ એની જૂની ચામડી નાની પડવા લાગે છે. વર્ષમાં ત્રણથી ૪ વાર તેઓ કાંચળી ઉતારે છે એટલે કે સ્કિન બદલે છે. આનાથી માત્ર એમનો ગ્રોથ જ નથી થતો, પરંતુ એમની ચામડી પર ચોંટેલા હાનિકારક પરજીવીઓ પણ દૂર થઈ જાય છે.

સૌથી લાંબો સાપ રેટિક્યુલેટેડ પાયથોન છે, જેની લંબાઈ વીસથી પચીસ ફુટ કે એથી વધુ હોઈ શકે છે. જો સૌથી ભારે અને વિશાળ સાપની વાત કરીએ તો એ ગ્રીન ઍનાકૉન્ડા છે, જેનું વજન ૨૫૦ કિલોથી વધુ હોઈ શકે છે.

મદારીઓ મોરલી વગાડીને સાપને નચાવતા હોવાનો દાવો કરે છે જે તદ્દન ખોટો છે. સાપ હવામાંથી નીકળતો મોરલીનો અવાજ સાંભળી શકતો જ નથી. એ માત્ર મદારીની હલતી મોરલી અને એના હાથની મૂવમેન્ટને પોતાનો દુશ્મન સમજીને સતર્ક થઈ જાય છે અને મોરલીની દિશામાં પોતાનું મોં ફેરવે છે, જેને લોકો નાચવું સમજી બેસે છે.

સાપ શિયાળામાં પોતાની જાતને જમીનની અંદર કે પથ્થરોની વચ્ચે છુપાવી દે છે જેને હાઇબરનેશન કહે છે, કારણ કે તેઓ કોલ્ડ-બ્લડેડ હોય છે અને પોતાનું તાપમાન જાતે કન્ટ્રોલ કરી શકતા નથી. કેટલાંક સંશોધનો દર્શાવે છે કે સાપ ભૂકંપ કે કુદરતી આપત્તિના સંકેતો જમીનની ધ્રુજારી દ્વારા માણસો કરતાં ઘણા વહેલા પારખી લે છે.

સાપના મોંમાં દાંત હોય છે પણ એનો ઉપયોગ તેઓ ચાવવા માટે નથી કરતા. તેઓ શિકારને પકડી રાખવા માટે દાંત વાપરે છે. તેમના જડબાનાં હાડકાં એકબીજા સાથે જોડાયેલાં હોય છે જેને કારણે તેઓ પોતાના માથા કરતાં ત્રણગણું મોટું મોં ખોલીને આખો શિકાર ગળી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 11:47 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK