અમદાવાદની કાવ્યા જોશીએ રેકૉર્ડ રચીને ૧૮મી વર્ષગાંઠ બનાવી યાદગાર, પાંચ મિનિટમાં પચીસ અલગ-અલગ વેરિએશન કરીને ૭૫૦ વખત દોરડા કૂદ્યા : વર્લ્ડ રેકૉર્ડ્સ અૉફ ઇન્ડિયા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને કરવામાં આવ્યું સન્માન
રોપ-સ્કિપિંગ કરતી કાવ્યા જોશી.
પોતાનો બર્થ-ડે કંઈક વિશેષ રીતે ઊજવવાની ઇચ્છા આજના યંગસ્ટર્સમાં હોય છે ત્યારે અમદાવાદની કાવ્યા જોશીએ ગઈ કાલે પોતાની ૧૮મી વર્ષગાંઠની ઉજવણી રેકૉર્ડ રચીને કરી હતી. કાવ્યાએ શરીર પર ૯ કિલો વજન ઊંચકીને પાંચ મિનિટમાં પચીસ પ્રકારનાં અલગ-અલગ વેરિએશન સાથે સતત ૭૫૦ વાર રોપ-સ્કિપિંગ કરીને પોતાનો બર્થ-ડે યાદગાર બનાવ્યો હતો. વર્લ્ડ રેકૉર્ડ્સ ઇન્ડિયા દ્વારા આ રોપ-સ્કિપિંગને વર્લ્ડ રેકૉર્ડ જાહેર કરીને મેડલ અને સર્ટિફિકેટ આપીને કાવ્યા જોશીનું સન્માન કરાયું હતું.
રેકૉર્ડ બનાવ્યા બાદ કાવ્યા જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારે મારી ૧૮મી વર્ષગાંઠ યાદગાર બનાવી હતી. ૧૮મી વર્ષગાંઠ હોય ત્યારે કોઈને એમ થાય કે અલગ રીતે ઊજવીએ, કંઈક અલગ કરવું હોય એટલે મેં મારા ૧૮મી વર્ષગાંઠના દિવસે વર્લ્ડ રેકૉર્ડ કરવાનું વિચાર્યું કે નામ આગળ વર્લ્ડ રેકૉર્ડહોલ્ડર લાગે તો એ ખુશીની વાત બને અને હંમેશાં યાદગાર દિવસ રહે. પાંચ મિનિટમાં મેં પચીસ વેરિએશન સાથે ૭૫૦ વખત રોપ-સ્કિપિંગ કરીને મૅક્સિસમમ રોપ-સ્કિપિંગ વેરિએશન વિથ ૯ કિલો વજનનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો.’

મમ્મી અર્ચિતા અને પપ્પા હિતેશ જોષી સાથે ખુશી મનાવતી કાવ્યા.
ADVERTISEMENT
વર્લ્ડ રેકૉર્ડ્સ ઑફ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રેસિડન્ટ પવન સોલંકીએ ‘મિડ-ડે’ સમક્ષ દાવો કરતાં કહ્યું હતું કે ‘રોપ-સ્કિપિંગનો રેકૉર્ડ પહેલી વાર થઈ રહ્યો છે. વર્લ્ડમાં આવો કોઈ રેકૉર્ડ નથી. આ રેકૉર્ડ વર્લ્ડ રેકૉર્ડ્સ ઑફ ઇન્ડિયામાં નોંધ્યો છે. અત્યાર સુધીમાં વર્લ્ડ રેકૉર્ડ્સ ઑફ ઇન્ડિયામાં જુદા-જુદા સાડાચાર હજાર રેકૉર્ડ્સ રજિસ્ટર થયા છે.’
