વીજ કંપનીઓ અને પોલીસની ટીમોએ હાથ ધર્યું ચેકિંગ : ગેરકાયદે વીજ જોડાણ પકડીને અત્યાર સુધીમાં ૪૩૮.૩૯ લાખ રૂપિયાની આકારણી વસૂલી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અમદાવાદઃ ગુજરાતમાં વ્યાજખોરો સામે સઘન ઝુંબેશ હાથ ધર્યા બાદ હવે ગુજરાત સરકારે વીજચોરોનો વારો કાઢ્યો છે. ગુજરાતમાં ઠેકઠેકાણે વીજ કંપનીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને ચેકિંગ હાથ ધરીને વીજચોરી પકડી છે. અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ વીજચોરી પકડીને ૪૩૮.૩૯ લાખની આકારણી વસૂલી કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ગુજરાતમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણાબધા વીજચોરો ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ રીતથી, સીલ ટૅમ્પર કરીને કે પછી વગર મીટરે પાવરનો વપરાશ કરીને, લોડ વધારો કરીને કે પછી અન્ય રીતે વીજચોરી કરતા આવ્યા છે; જેની સામે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ પોલીસની સાથે મેગા ચેકિંગ ડ્રાઇવ શરૂ કરી છે. પહેલી ફેબ્રુઆરીએ પોલીસ અને જીઈબીની ૧૫૭ જેટલી ટીમોએ પાલનપુર, દાહોદ, દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર સહિતનાં સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું જેમાં ૨૧૯૫ વીજ જોડાણ ચેક કરાયાં હતાં, જેમાંથી ૪૦૪ ગેરરીતિવાળાં વીજ જોડાણ પકડાયાં હતાં અને ૨૭૨.૭૪ લાખ આકારણી કરી વસૂલી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં પહેલી વાર વસૂલાશે એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જિસ
આ પહેલા પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં ગોધરા, ગોંડલ, ધ્રાંગધ્રા, પાટડી તાલુકાનાં ગામો સહિત વિવિધ વિસ્તારોમાં ૨૦૦થી વધુ ટીમોએ સર્ચ ઑપરેશન હાથ ધરીને ૩૭૩૦ વીજ જોડાણનું ચેકિંગ કરીને ૩૯૭ ગેરકાયદે વીજ જોડાણ પકડી પાડ્યાં હતાં અને ૧૬૫.૬૫ લાખ આકારણીની વસૂલાત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.