સિનિયર સિટિઝન બૅન્કમાં પૈસા લેવા ગયા ત્યાં અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પહોંચી ગઈ અને તેમના ૧.૪૩ કરોડ રૂપિયા બચાવી લીધા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમદાવાદમાં એક સિનિયર સિટિઝનને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને તેમને ડિજિટલ અરેસ્ટ કરીને ૧.૪૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના પ્રયાસને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવી વૃદ્ધને લૂંટાતા બચાવી લીધા હતા.
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં ઑફિસ ધરાવતા અને મ્યુચલ ફન્ડનું કામકાજ કરતા પલક દોશીએ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને રજૂઆત કરી હતી કે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મારા એક વૃદ્ધ ક્લાયન્ટ તેમનું ૯૩ લાખ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફન્ડ તોડાવીને તેમના દીકરાને વિદેશ મોકલવાના ખર્ચ માટે પૈસા વિધડ્રૉ કરાવવાનું મને જણાવ્યું હતું, પરંતુ તેમના દીકરાનો સંપર્ક કરતાં આ હકીકત ખોટી જણાઈ છે અને વૃદ્ધ ટેન્શનમાં લાગતા હતા જેથી સાઇબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી. એ. હીરપરા અને કૉન્સ્ટેબલ સિનિયર સિટિઝનના ઘરે ગયા હતા, પરંતુ તેઓ ઘરે નહોતા, તેઓ બૅન્કમાં ગયા હતા. એ પછી પોલીસ બૅન્કમાં પહોંચી ગઈ હતી. ત્યાર બાદ બ્રાન્ચના મૅનેજરને સાથે રાખીને સિનિયર સિટિઝનની પૂછપરછ કરીને તેમને ઘરે લઈ ગયા હતા. સિનિયર સિટિઝનના ઑસ્ટ્રેલિયા રહેતા દીકરાનો સંપર્ક કરીને તેમ જ તેમના નજીકના મિત્રોને બોલાવીને સિનિયર સિટિઝનને સમજાવીને તેમની પૂછપરછ કરતાં તેમણે પોલીસને કહ્યું હતું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનો વૉટ્સઍપ-કૉલ આવ્યો હતો અને ૬ દિવસથી પોતાને ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાનું કહીને સેવિંગ્સનાં નાણાં વેરિફિકેશન કરવા જણાવ્યું હતું અને બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. એટલે મ્યુચ્યુઅલ ફન્ડ અને બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવવા માટે તેઓ બૅન્કમાં ગયા હતા. આ સિનિયર સિટિઝનને પોલીસે સમજાવીને મ્યુચ્યુઅલ ફન્ડના ૯૩ લાખ તેમ જ બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટના ૫૦ લાખ રૂપિયા મળીને કુલ ૧.૪૩ કરોડ સાઇબર ગુનેગારને મોકલે એ પહેલાં જ પોલીસે બચાવી લીધા હતા.


