Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમે જીવીએ છીએ, કોઈ છે, બચાવો... બચાવો...

અમે જીવીએ છીએ, કોઈ છે, બચાવો... બચાવો...

Published : 12 June, 2026 07:25 AM | Modified : 12 June, 2026 09:21 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં એક વર્ષ પહેલાં બનેલી ગોઝારી વિમાન-દુર્ઘટનામાં મેસમાં આંખો સામે મોત ભાળી ગયેલો મેડિકલનો સ્ટુડન્ટ સંકેત બૂમો પાડીને થાક્યો

વિમાન-દુર્ઘટના સમયે મેસમાં જમવા બેઠેલો સંકેત વરિયા બચી ગયો હતો. (વિમાન-દુર્ઘટનામાં ઘાયલ થયા પછી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંકેત વરિયાની તસવીર)

અમદાવાદના પ્લેન-ક્રૅશની પહેલી વરસી

વિમાન-દુર્ઘટના સમયે મેસમાં જમવા બેઠેલો સંકેત વરિયા બચી ગયો હતો. (વિમાન-દુર્ઘટનામાં ઘાયલ થયા પછી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંકેત વરિયાની તસવીર)


અમદાવાદમાં એક વર્ષ પહેલાં બનેલી ગોઝારી વિમાન-દુર્ઘટનામાં મેસમાં આંખો સામે મોત ભાળી ગયેલો મેડિકલનો સ્ટુડન્ટ સંકેત બૂમો પાડીને થાક્યો, કાટમાળમાં ફસાયેલી હાલતમાં આંખો મીંચીને પડી રહ્યો; પછી જાણે ચમત્કાર થયો હોય એમ જીવતો નીકળ્યો બહાર : આજે ફરી મેડિકલના અભ્યાસમાં ધ્યાન લગાવીને આપી રહ્યો છે એક્ઝામ

ગુજરાતીમાં કહેવત છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે. અમદાવાદમાં એક વર્ષ અગાઉ બનેલી વિમાન-દુર્ઘટનામાં વિમાનના અને બિલ્ડિંગના કાટમાળ નીચે ખરાબ હાલતમાં દટાઈ ગયેલા ભાવનગરના સંકેત વરિયા માટે આ કહેવત યથાયોગ્ય સાબિત થઈ છે. આંખો સામે મોત જોઈ ગયેલો સંકેત ‘અમે જીવીએ છીએ, કોઈ છે? બચાવો... બચાવો...’ એવી બૂમો પાડી-પાડીને થાકી ગયો અને ચૂપ થઈ આંખો મીંચીને પડી રહ્યો. જોકે તેની જીવનરેખા લાંબી હશે એટલે ક્રિકેટ રમતા યુવાનો ત્યાં આવી ચડ્યા અને સંકેતને જીવતો બહાર કાઢ્યો. 



પ્લેન-ક્રૅશની ગોઝારી ઘટનામાં મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતો સંકેત વરિયા તેના મિત્રો સાથે મેસમાં જમવા બેઠો અને આ દુર્ઘટના બની હતી. એ દિવસોને યાદ કરતાં સંકેતના પિતા કરસન વરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા દીકરાની સારવાર ચાલતી હતી ત્યારે આ ઘટના વિશે મને મારા દીકરા સંકેતે કહ્યું હતું કે પપ્પા, અમે જમવા માટે મેસમાં ગયા હતા, ડિશમાં જમવાનું કાઢીને ટેબલ પર હજી તો બેઠા અને તરત મોટો અવાજ થયો, અમને થયું કે કંઈક થયું લાગે છે, હજી તો અમે ઊભા થઈને જોવા જઈએ ત્યાં જ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા, બિલ્ડિંગને કંઈક અથડાયું અને બિલ્ડિંગ તૂટવાના અવાજો આવ્યા અને ત્યાં તો બધો કાટમાળ અમારા પર પડ્યો, અમે બધા કાટમાળમાં દબાઈ ગયા અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો.’


કરસન વરિયાએ કહ્યું હતું કે ‘મારો દીકરો ખરાબ રીતે ફસાઈ ગયો હતો. જોકે બધો કાટમાળ પડી ગયા બાદ મારા દીકરાએ જોયું તો તે કમરથી ઉપરના ભાગમાં સેફ હતો. તે બોલી શકતો હતો એટલે તેણે બચવા માટે એવી બૂમો પાડી હતી કે અમે જીવીએ છીએ, પણ ત્યાં કોઈ પહોંચી શક્યું નહીં. મારો દીકરો અડધો કલાક સુધી બૂમો પાડતો રહ્યો. બીજી તરફ તેના પર કાટમાળ પડ્યો હોવાથી તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. એટલે દીકરાને થયું કે હવે કંઈક થઈ જશે. એટલે તે આંખો મીંચીને અડધો કલાક પડી રહ્યો. જોકે અડધો કલાક પછી બહાર મેદાનમાં ક્રિકેટ રમી રહેલા કેટલાક છોકરાઓ બચાવકામ માટે આવ્યા હતા અને મારા દીકરાને બહાર કાઢ્યો હતો. હું તો આને ભગવાનનો ચમત્કાર માનું છું કે મારા છોકરાને બચાવ્યો. તેને ઘણી ઈજાઓ થઈ હતી. તેના ઘૂંટણમાં સળિયો નાખવો પડ્યો છે, ૩ પાંસળીઓ તૂટી ગઈ હતી અને જમણા શોલ્ડરમાં ક્રૅક પડી હતી. હાથમાં પણ ઈજાઓ થઈ હતી. તે હૉસ્પિટલમાં પચીસ દિવસ રહ્યો હતો અને એ પછી ૪ મહિના ફિઝિયોથેરપી કરાવી હતી. આજે તે સ્વસ્થ છે. તે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને હાલમાં પરીક્ષા ચાલતી હોવાથી વાંચવામાં વ્યસ્ત છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 09:21 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK