શાક અને વઘારેલી ખીચડી બનાવવા ૨૫૦૦ કિલો રીંગણ, ૧૫૦૦ કિલો તેલ, ૧૫૦૦ કિલો મસાલાનો થયો ઉપયોગ : ૨૦૦૦ કિલો બાજરીના રોટલા અને ૧૦૦૦ કિલો ચૂરમાના લાડુ બન્યા, ૨૫૦૦ કિલો વઘારેલી ખીચડી : ૧૦૦૦ હરિભક્તોએ બનાવ્યા હાથે ઘડીને રોટલા
શાકોત્સવની ઉજવણી
મધ્ય ગુજરાતના વડતાલમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રવિવારે શાકોત્સવની ઉજવણી હરખભેર કરવામાં આવી હતી. શાકોત્સવનો પ્રસાદ લેવા હજારો હરિભક્તો ઊમટ્યા હતા. વડતાલ મંદિરના ચૅરમૅન ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ કહ્યું હતું કે ‘સ્વામીનારાયણ ભગવાને લોયામાં સુરા ખાચરના દરબારમાં શાકોત્સવ ઊજવ્યો હતો. આ પરંપરા મુજબ સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ ઊજવાય છે. વડતાલધામ ખાતે યોજાયેલા શાકોત્સવમાં ૪૫,૦૦૦થી વધુ હરિભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.’ આ શાકોત્સવમાં શાક અને વઘારેલી ખીચડી બનાવવા માટે ૨૫૦૦ કિલો રીંગણ, ૪૦૦ કિલો પાપડી, ૩૦૦૦ કિલો વિવિધ પ્રકારની શાકભાજી, ૧૫૦૦ કિલો તેલ, ૧૫૦૦ કિલો મસાલા, ૧૫૦ કિલો ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૦૦ કિલો બાજરીના રોટલા, ૫૦૦ કિલો ઘઉંની રોટલી, ૧૦૦૦ કિલો ચૂરમાના લાડુ અને ૨૫૦૦ કિલો વઘારેલી ખીચડી પણ બનાવી હતી. આ ખાદ્યચીજો બનાવવા માટે ૫૦૦ કિલો ગોળ, ૫૦૦ કિલો ખાંડ, ૬૦૦ કિલો ઘીનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત ૫૦૦૦ લીટર છાશ પણ બનાવી હતી તેમ જ ૩૦૦ કિલો આથેલાં મરચાંનો પણ આસ્વાદ સંતો અને હરિભક્તોએ માણ્યો હતો. ઉલ્લેખનીય વાત એ છે કે રોટલા બનાવવા માટે વડોદરા, સુરત, ચરોતર, ભાલની આસપાસનાં ૧૦૦થી વધુ ગામોનાં ૧૦૦૦થી વધુ મહિલાઓ અને પુરુષ હરિભક્તો સેવામાં જોડાયાં હતાં. હરિભક્તોએ હાથે ઘડીને ચૂલા પર રોટલા બનાવ્યા હતા.


